અડધી રાત્રે દુકાન ભડકે બળી, VIDEO:નવા બજાર વિસ્તારમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી, દૂર-દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા; સામાન બળીને ખાખ
દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા શહેરના નવાબજારમાં આવેલ ફર્નિચર અને પડદાની દુકાનમાં રાત્રે 1 વાગ્યે આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો. આ આગને લઈ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ એટલી વિકરાળ બની કે ધુમાડાના દ્રશ્યો દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનામાં દુકાનના પહેલા અને બીજા માળે રહેલ તમામ સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો અને દુકાનદારને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ આગને લઈ અડધી રાત્રે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આગ બીજા માળ સુધી આગ પહોંચી હતી આ અંગે દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ઓફિસર પ્રતાપભાઇએ જણાવ્યું હતું કે, શહેરના નવા બજારમાં આવેલ 58 નંબરની ફર્નિચરની દુકાનમાં આ આગ લાગી હોવાનો કોલ અમને મળ્યો હતો. રાત્રિના એક વાગે આગનો કોલ મળ્યો હતો અને કંટ્રોલમાં લીધી છે. આ દુકાનમાં પડદા અને અન્ય સામગ્રી હતી. આ દુકાનમાં ત્રણ માળ આવેલા છે જેમાં તમામ ભરેલા છે અને આગ બીજા માળ સુધી આગ પહોંચી હતી.
આગ લાગવાનું કારણ તપાસ બાદ સામે આવશે વધું કહ્યું કે, આ દુકાનમાં ફર્નિચર અને લાકડાની સામગ્રી હોવાથી વધુ આગ પ્રસરી હતી. બીજા માળ સુધી આ આગ પોહચી હતી અને સામાન મોટા પ્રમાણમાં બળીને ખાખ થઈ ગયો છે. આ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી તે તપાસ બાદ સામે આવશે.
