Loading...

નિરમા-ટાઇડના નામે 'મ્યાઉં મ્યાઉં' ડ્રગ્સ વેચતો:ઇન્સ્ટાગ્રામ પર કપડાં ધોવાના પાઉડરના નામે વેચાતું મોતનું પડીકું; 31મીએ ડિલિવરી માટે નીકળેલા પેડલરને સુરત SOGએ ઝડપ્યો

નિરમા અને ટાઈડના કોડવર્ડથી વેચાતું હતું ડ્રગ્સ બાતમીના આધારે પોલીસે અમરોલીના છાપરાભાઠા રોડ પર ગણેશનગર રો-હાઉસ પાસે વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે 21 વર્ષીય જીલ ભુપતભાઇ ઠુમ્મરને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, આરોપી જીલ ઠુમ્મર મેફેડ્રોન ડ્રગ્સ માટે 'NIRMA' (નિરમા), 'TIDE' (ટાઈડ), 'OG' અને 'દવા' જેવા કોડવર્ડ વાપરતો હતો. જો કોઈ ગ્રાહક મેસેજમાં 'નિરમા' માંગે, તો તેનો અર્થ એ હતો કે તેને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ જોઈએ છે.

236 ગ્રામ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ ડ્રગ્સ જપ્ત પોલીસે જ્યારે જીલની તપાસ કરી ત્યારે તેની પાસેથી 236.780 ગ્રામ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જથ્થાની બજાર કિંમત આશરે 7,10,340 રૂપિયા આંકવામાં આવી છે. આ ડ્રગ્સ એટલું શુદ્ધ હતું કે નશાના બજારમાં તેની ભારે માગ રહેતી હોય છે. પોલીસે ડ્રગ્સની સાથે 45,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 7,55,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

કપડાં ધોવાના પાવડરના નામે મોતનો સામાન વેચતો આ કેસમાં સૌથી રસપ્રદ બાબત આરોપીની મોડસ ઓપરેન્ડી છે. પકડાયેલો આરોપી જીલ ઠુમ્મર અત્યંત સાવચેતીથી નશાનો વેપાર કરતો હતો. પોલીસને ચકમો આપવા માટે તે સોશિયલ મીડિયા પર ડ્રગ્સ માટે અનોખા કોડવર્ડ વાપરતો હતો. તે ગ્રાહકો સાથે વાતચીત કરતી વખતે મેફેડ્રોન માટે NIRMA, OG, TIDE અથવા 'દવા' જેવા શબ્દોનો ઉપયોગ કરતો હતો. સામાન્ય માણસને લાગે કે કપડાં ધોવાના પાવડરની વાત થાય છે, પણ હકીકતમાં તે મોતનો સામાન વેચવાનો સોદો રહેતો હતો.

સોશિયલ મીડિયા બન્યું હતું ડ્રગ્સ ડીલિંગનું હબ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી જીલ ઠુમ્મર ગ્રાહકો મેળવવા અને ઓર્ડર લેવા માટે WhatsApp, Instagram અને Snapchat જેવા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરતો હતો. ડિજિટલ યુગમાં પોલીસની પકડથી બચવા માટે તે ફોન કોલ્સના બદલે ઈન્ટરનેટ કોલિંગ અને ચેટિંગ પર નિર્ભર હતો. આ કોડવર્ડ દ્વારા તે યુવાધનને નશાના માર્ગે ધકેલવાનું કામ કરતો હતો, પરંતુ તેની આ હાઈટેક ચાલને SOGએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી નિષ્ફળ બનાવી દીધી છે.

આકાઓના ઈશારે કમિશન માટે ખેલાતો મોતનો ખેલ જીલ ઠુમ્મર મૂળ જૂનાગઢના ભેસાણ તાલુકાના બામણગઢ ગામનો વતની છે અને સુરતમાં અમરોલી ખાતે રહી નોકરી કરતો હતો. જોકે, ઝડપથી પૈસા કમાવવાની લાલચે તે ડ્રગ્સના રવાડે ચઢ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે માત્ર એક પ્યાદું હતું. તેને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધારો ખુશાલ વલ્લભભાઇ રાણપરીયા અને ભરત ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠીયા નામના શખસો છે. આ બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય કેટલા શહેર સુધી તાર જોડાયેલા છે તે દિશામાં તપાસ અમરોલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધી કેટલા યુવાનોને આ 'નિરમા-ટાઈડ' ના કોડવર્ડથી ડ્રગ્સ સપ્લાય કર્યું છે અને આ રેકેટના તાર અન્ય કયા શહેરો સાથે જોડાયેલા છે.

સોશિયલ મીડિયા પર રેકેટ ચાલતું હતું: DCP આ સમગ્ર મામલે SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, આ સમગ્ર રેકેટ Instagram અને Snapchat પર ચલાવવામાં આવતું હતું. હાલમાં કયા આઈડી પરથી આ નેટવર્ક કાર્યરત હતું, તે અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે.

10માંથી 8 ડ્રગ એડિક્ટ્સને જીવલેણ ‘મ્યાઉ-મ્યાઉ’ની આદત હેરોઈન અને કોકિન જેવા ડ્રગ્સ બ્લેક માર્કેટમાં ખૂબ જ મોંઘા મળે છે. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ તેમના ગેરકાયદેસર વ્યવસાય પાછળ છે. ટીનેજર્સ અને યુવાનોમાં લોકપ્રિય એવા મેફેડ્રોન જેવા સિન્થેટિક ડ્રગ્સનો ઉપયોગ ‘મ્યાઉ-મ્યાઉ’ અને MD જેવા નામ હેઠળ પાર્ટીઓમાં કરવામાં આવે છે.

જર્નલ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ હ્યુમન બિહેવિયરનાં રિપોર્ટ મુજબ 1 ગ્રામ કોકેઇન 10થી 20 હજાર રૂપિયામાં મળે છે, જ્યારે મેફેડ્રોન 150 રૂપિયા પ્રતિ ગ્રામમાં મળે છે. કોકેઇન જેવી દવાઓ દાણચોરી દ્વારા ભારત સુધી પહોંચે છે. આ સાથે જ મેફેડ્રોન ભારતમાં જ કેમિકલ્સમાંથી તૈયાર કરવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ મુંબઈમાં 10માંથી 8 ડ્રગ એડિક્ટ્સ ‘પાર્ટી ડ્રગ’ તરીકે આ સસ્તાં નશાનો ઉપયોગ કરી રહ્યા છે.

બજારમાં મેફેડ્રોનનાં કોડનેમઃ પકડાઇ ન જાય તે માટે તસ્કરો મેફેડ્રોનનું વેચાણ ‘પ્લાન્ટ ફૂડ’, ‘બાથ સોલ્ટ’ જેવા લેબલ્સ સાથે કરે છે. ડ્રગ યૂઝર્સ મેફેડ્રોનને ડ્રોન, વ્હાઈટ મેજિક, એમ કેટ, હેમર, રશ અને બબલ પણ કહે છે.

માનસિક વિકારનું કારણ છે આ ડ્રગ્સ, ઘણા દેશોમાં પ્રતિબંધિત છે મેફેડ્રોન પર વર્ષ 2008માં ઇઝરાયેલે, 2010માં બ્રિટન, 2011માં અમેરિકા અને 2015માં ભારતે પ્રતિબંધ મૂક્યો હતો. તેનું વ્યસન અનેક પ્રકારનાં માનસિક વિકારોનું કારણ બને છે.

તેની અસરનાં કારણે વ્યક્તિ અજીબોગરીબ વાતો વિચારવા લાગે છે. તે વિચારવા લાગે છે કે, સરકાર તેને મારવા માગે છે, કોઈ તેનો નાશ કરવા માગે છે, તેનો પીછો કરવામાં આવી રહ્યો છે. તે આ બાબતોને સ્વીકારવાની ના પાડે છે. તે ગભરાટભર્યા હુમલા, આત્મહત્યા અને હત્યા વિશે પણ વિચારવા લાગે છે. તેની યાદશક્તિ પર ખરાબ અસર પડે છે. હું કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આ પાર્ટી ડ્રગ હાઇપરટેન્શન, છાતીમાં દુખાવો, હાઇપરથર્મિયા, ઝાંખી દ્રષ્ટિ, ઉલટી, વજન ઘટાડવા, એનોરેક્સિયા, કાર્ડિયાક અરેસ્ટ તેમજ મૃત્યુનું કારણ બની શકે છે.

Image Gallery