Loading...

'અમને તો સ્કૂલે જતા પણ બીક લાગે છે':બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ સ્કૂલમાં શું થાય છે? સાઇકોલોજિસ્ટે આ ગંભીર ચેતવણી આપી

અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની 36 દિવસમાં જ બીજીવાર ધમકી મળતા સ્કૂલ સંચાલક, વાલીઓ અને પોલીસની ચિંતા વધી છે. કારણ કે, બોમ્બની ધમકી મળતા જ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે અને વાલીઓમાં પણ દોડધામ મચી જતી હોય છે. જો કે, આ પ્રકારની ધમકીઓની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ પર થતી હોવાનું સામે આવ્યું છે.

જાણીતા સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણીએ આ પ્રકારની ધમકીઓના કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર થતી અસરને લઈ વાલીઓને ચેતવ્યા છે. સાથે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે શાળા સંચાલકોને કેટલીક ટીપ્સ પણ આપી છે. આ પ્રકારની ધમકીઓના કારણે કેવી અસર થાય છે તે જાણવા

વારંવારની ધમકીના કારણે વાલી-સ્કૂલ સંચાલકો ચિંતિત બન્યા અમદાવાદની સ્કૂલોને ગત મહિને બોમ્બ બ્લાસથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ 23 જાન્યુઆરીએ ફરી એકવાર ધમકી મળી હતી.શહેરની 15 સ્કૂલને ધમકી મળતા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું પરંતુ કઈ મળી આવ્યું નહોતું.ધમકી ભર્યા કોલ સતત વધી રહ્યા છે જેને લઈને વિધાર્થીઓના અભ્યાસ અને માનસિકતા પર પણ અસર પડી રહી છે.અત્યાર સુધી ત્રણ અલગ અલગ પેટર્નથી બોમ્બની ધમકી મળી ચૂકી છે જેને લઈને સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.વિદ્યાર્થી, વાલી, શાળા સંચાલક અને સાયકોલોજીસ્ટ સાથે વાતચીત કરી હતી.

ધમકીના કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાય નિયમ મુજબ સ્કૂલને બોમ્બની ધમકી મળતા સૌ પ્રથમ તમામ બાળકોને સલામત રીતે ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવે છે.સ્કૂલ દ્વારા જ પોલીસ અને DEO કચેરીને જાણ કરવામાં આવે છે જે બાદ વાલીઓને જાણ કરવામાં આવે છે.આ પ્રકારની ઘટનામાં સ્કૂલ કોઈ પણ વિદ્યાર્થીઓને જબરજસ્તી સ્કૂલમાં રોકી શકતી નથી. વાલી બાળકને ઘરે લઈ જવા ઈચ્છે તો તે લઈ જઈ શકે છે.સ્થિતિ સામાન્ય હોય તો બીજા દિવસથી નિયમિત સ્કૂલ ચાલુ હોવાની વાલીઓને જાણ કરવાનું હોય છે.

બોમ્બ અંગે મેસેજ મળતા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે.સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને ટીમ સ્કુલે જઈને તમામને સલામત જગ્યાએ લઈ જઈને બિલ્ડિંગ ખાલી કરાવે છે.બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે રહીને સ્કૂલમાં તપાસ કરાવવામાં આવે છે. સ્કૂલમાં કઈ શંકાસ્પદ મળી આવે તો તેની પણ તપાસ કરવામાં આવે છે.સ્કૂલમાં સંપૂર્ણ તપાસ થયા બાદ જ થોડીવાર બાદ સ્કૂલમાં અવરજવર શરૂ કરાવવામાં આવે છે.સ્થાનિક પોલીસ દ્વારા ઇમેલ અંગેની માહિતી સાયબર ક્રાઈમમાં આપવામાં આવે છે.સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવે છે.

DEO કચેરીને સ્કૂલમાં બોમ્બ અંગેની જાણ થતા DEO કચેરીના અધિકારી દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવે છે. સ્કૂલની સ્થિતિ અંગે DEOને જાણ કરવામાં આવે છે.DEO દ્વારા સ્કૂલનો રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગ ગાંધીનગરને મોકલવામાં આવે છે.DEO દ્વારા સ્કૂલને લેખિતમાં જ સૂચનો આપવામાં આવે છે.

શિક્ષણ કાર્યની સાથે સાથે વિદ્યાર્થીઓની માનસિકતા પર અસર શાળાઓમાં વારંવાર બોમ્બની ધમકી મળતી હોવાના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર થઈ રહી છે. શ્રી વિદ્યાનગર સ્કૂલના સંચાલક વિવેક કપાસીએ જણાવ્યું હતું કે, વારંવાર આ પ્રકારની ધમકીઓ મળવાને કારણે પેનિક સિચ્યુએશન ઊભી થઈ જતી હોય છે. કારણ કે વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે કેમ તેમને તરત જ કરે મોકલી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓના ભણતર પર પણ ઘણી અસર પડતી હોય છે. શાળામાં આવતાં સમયે તેમને અહીંયા ઘર જેવો માહોલ મળતો હોય છે. પરંતુ વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ થવાને કારણે ઘણી તકલીફ પડતી હોય છે. સ્કૂલ સેફટી નિયમના અનુસાર જેવો જ ધમકી ભર્યો મેઇલ મળે ત્યારે તરત જ વિદ્યાર્થીઓને તાત્કાલિક મેદાનમાં ભેગા કરી દેવામાં આવે છે. પોલીસને પણ તરત જ જાણ કરવામાં આવે છે. DEO ઓફિસને પણ જાણ કરવામાં આવતી હોય છે. જે બાદ તમામ વાલીઓને મેસેજ પહોંચાડીને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવે છે. શિક્ષકો પણ પેનિક થઈ જતા હોય છે.

વધુમાં વિવેક કપાસીએ જણાવ્યું હતું કે, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે એ પણ બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે કે કોઈ દોડાદોડી દરમિયાન બીજી કોઈ અકસ્માતનો બનાવ ન બની જાય. કારણ કે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનો વાલીઓને મેસેજ મળતા જ તમામ વાલીઓ એક સાથે શાળા પર પહોંચી જતા હોય છે. એક સાથે વાલીઓ શાળા પર આવી જવાના કારણે શાળાની બહાર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે બાબતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. સ્વાભાવિક છે કે કોઈ વાલીનો બાળક શાળામાં ભણતો હોય અને આ પ્રકારનો મેસેજ મળે તો તેમનામાં ડર થતો હોય છે. તેમજ વાલીઓના ગ્રુપમાં પણ ચર્ચાનો વિષય બની જતો હોય છે. ખૂબ જ ટેન્શન વાળો માહોલ ઉભો થઈ જતો હોય છે.

આવી ધમકીઓના કારણે બીજા દિવસે શાળાએ આવતા ડર લાગે છે- વિદ્યાર્થિની વિદ્યાર્થીની તૃષા સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે ત્યારે બધા પેનિક થઈ જતા હોય છે. જે બાદ શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક મેદાનમાં ભેગા કરી દેવામાં આવે છે. જેથી મેસેજ મળ્યા બાદ વાલી પણ અમને તરત જ શાળાએ લેવા માટે આવી જતા હોય છે. પરંતુ અવારનવાર શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોવાથી તેની ખૂબ ખરાબ અસર થતી હોય છે.

અમારી ફાઇનલ પરીક્ષા આવી રહી છે જેનો અભ્યાસ શાળામાં ચાલતો હોય છે તે પણ તૂટી જાય છે. અભ્યાસ બગડી જાય છે. માતા પિતા પણ અમને શાળાએ લેવા માટે આવી જાય છે ઘરે ગયા પછી અમને ખબર પડે છે કે આ અફવા છે. બીજા દિવસે શાળાએ આવતા સમયે પણ ડર લાગતો હોય છે. માતા પિતા પણ શાળાએ મોકલતા પહેલા ડર અનુભવતા હોય છે. અમારી ચિંતાના કારણે તે લોકોને પણ ડર લાગતો હોય છે, કે મારા છોકરાને કંઈ થઈ જશે તો? અમુક વિદ્યાર્થીઓ તો બીજા દિવસે શાળાએ પણ આવતા નથી. શાળામાં રજા આપી દેવાથી રિવિઝન પણ રહી જતું હોય છે જેના કારણે પરીક્ષામાં તેની અસર થતી હોય છે. અભ્યાસ દરમિયાન આ પ્રકારની ધમકી મળે તો કોઈને પણ ડર લાગતા હોય છે.

ભયના વાતાવરણના કારણે બાળકો એન્ગઝાઈટીનો શિકાર થઈ શકે- પ્રશાંત ભીમાણી પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ધમકી મળે ત્યારે ડર ઉભો થાય છે.નાના બાળકોને ખબર નથી પડતી કે કેમ નીકળી જવાનું.બાળકોમાં ભયનું વાતાવરણ રહેવાને કારણે ભવિષ્યમાં એન્ગઝાઈટી,ફીયર ,ઇન્સિકયુરિટી થઈ શકે છે.સાથે સાથે સ્કૂલે ન જવાનું વર્તન આવે છે.માં બાપ પણ સતત ચિંતામાં રહે છે.માબાપને પણ એન્ગઝાઈટી થઈ શકે છે.બાળક ચીડિયો થઈ શકે, ભણવામાં રસ ઓછો થઈ શકે,સૂઈ ન શકે.

વાલીઓએ સંચાલકો સાથે મળીને મોકડ્રીલ નિયમિત કરવી જોઈએ.અફવા કે પેનિકમાં આવ્યા વિના શીખવું જોઈએ.ભૂકંપ બાદ જેમ કર્યું હતું તેમ ડીલ કરવું જોઈએ.બાળકોને ખોટી વાત વિશે સમજાવવું,અજાણી વસ્તુઓને અડકવું નહીં.બાળકોને વાર્તા કહીને આ પ્રકારનો ડર દૂર કરવો જોઈએ.રમત તરફ વળવા મેડિટેશન કરાવી શકાય છે.જરૂર પડે તો કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.જરૂર પડે તો થોડા આધાર માટે કાઉન્સેલિંગ કરાવવાથી મનોબળ મજબૂત બનાવવું જોઈએ.