2027માં ગગનયાન અને 2028 સુધી અંતરિક્ષયાત્રીને ચંદ્રયાન મિશન પર મોકલવામાં આવશે: ISROના ચીફ વી. નારાયણન
ISRO Space Mission: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા હાલમાં ઘણાં મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ISROના ચીફ વી. નારાયણનએ જાહેરાત કરી છે કે 2027માં ગગનયાન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અને 2028 સુધી ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5ના માનવયુક્ત મિશન હાથ ધરવામાં આવશે. વી. નારાયણનનું આ વિશે કહેવું છે કે ‘આ પ્રોજેક્ટો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યા છે.’
ગગનયાનમાં 3 અંતરિક્ષયાત્રી વગરના મિશન
વી. નારાયણનએ જણાવ્યું કે ગગનયાન પ્રોગ્રામમાં ત્રણ અંતરિક્ષયાત્રી વગરના મિશન હાથ ધરવામાં આવશે. તેમણે આ મિશનોની ચોક્કસ તારીખ જાહેર નથી કરી. જોકે તેમણે એટલું સ્પષ્ટ કહ્યું છે કે ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5 બંને મંજૂર થયેલા મિશન છે અને જો બધું આયોજન મુજબ ચાલશે તો 2028 સુધીમાં એને પૂર્ણ કરવામાં આવશે.
ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચ વ્હીકલની ટેકનોલોજી પર ફોકસ
વી. નારાયણનએ ISROના ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચ વ્હીકલ ટેકનોલોજી પર ફોકસ કરવામાં આવી રહ્યું હોવાની વાત પણ કરી છે. આ વિશે તેમણે કહ્યું કે “તમામ કામ ચોક્કસ તારીખ મુજબ આગળ વધી રહ્યાં છે. અમે જે રીતે કામ કરી રહ્યાં છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમે ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચર પર પસંદગી ઉતારી છે એથી ખર્ચ પર પણ કાબુ રાખી શકાશે.” આ નિવેદન દર્શાવે છે કે ISRO અંતરિક્ષ અભિયાનને વધુ કાર્યક્ષમ અને આર્થિક રીતે ઓછું ખર્ચાળ બનાવવા માટે કટિબદ્ધ છે.
ભારતની સ્પેસ ઇકોનોમી માટે નવો દ્રષ્ટિકોણ
વી. નારાયણનએ ભારતની સ્પેસ ઇકોનોમી માટે ISROના દ્રષ્ટિકોણ વિશે પણ વાત કરી હતી. આ વિશે જણાવતાં વી. નારાયણન કહે છે, ‘અમે હાલમાં સમગ્ર દેશમાં સામાન્ય માણસને સેવા આપી રહ્યા છીએ, અને ભારતના માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ અમે સ્પેસ ઇકોનોમીને 2%થી વધારીને 8% સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.’ આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય દર્શાવે છે કે ISRO દુનિયાભરમાં સ્પેસ એક્સપ્લોરેશન અને ટેકનોલોજીમાં ભારતનો પ્રભાવ વધારવા માટે કટિબદ્ધ છે.