કોંગ્રેસની રેલીમાં 'મોદી તારી કબર ખોદાશે'નો નારો:ભાજપે કહ્યું- કોંગ્રેસ મુઘલોના માર્ગે, જલદી દફન થશે; રાહુલનું કામ ઔરંગઝેબ જેવું
ભાજપના સાંસદ બોલ્યા- રાહુલ ઔરંગઝેબની જેમ પરિવારની છઠ્ઠી પેઢી
રાજ્યસભા સાંસદે કહ્યું, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય કદાચ એવું જ થવાનું છે જેવું 'ધ લાસ્ટ મુઘલ' પુસ્તકમાં મુઘલ સામ્રાજ્ય વિશે લખવામાં આવ્યું છે. મુઘલ સામ્રાજ્યમાં છ લોકોએ શાસન કર્યું - બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. છઠ્ઠી પેઢીના શાસન પછી મુઘલ સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું.
આ જ રીતે કોંગ્રેસ પર પણ નેહરુ પરિવારના છ લોકોએ શાસન કર્યું છે- મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી. રાહુલ ગાંધી છઠ્ઠા છે જે હાલ સત્તાનો આનંદ લઈ રહ્યા છે. આમના પછી કોંગ્રેસનું પણ મુઘલો જેવા જ હાલ થશે.
આપત્તિજનક નારા લગાવનાર જયપુરના કોંગ્રેસ નેતા
પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક નારા લગાવનાર કોંગ્રેસ નેતા મંજુ લતા મીણા છે. તેઓ જયપુર મહિલા કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ પણ છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર વોટ ચોરીને લઈને જનતાના ગુસ્સાને દર્શાવી રહ્યા હતા. વોટમાં ગેરરીતિને લઈને જનતામાં ખૂબ ગુસ્સો છે. તેમણે (BJP) વોટમાં ગેરરીતિ કરીને આ સરકારો બનાવી છે અને ચૂંટણી પંચ પણ તેમના નિર્દેશો અનુસાર કામ કરી રહ્યું છે. તેઓ (પીએમ મોદી) રોજગાર, યુવાનો, મહિલાઓ કે ખેડૂતો વિશે વાત કરતા નથી. તેઓ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવે છે.
હવે જાણો 'વોટ ચોર ગદ્દી છોડ' રેલી શા માટે કાઢવામાં આવી, કોણે શું કહ્યું...
રાહુલ ગાંધી સતત ભાજપ અને ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3 પ્રેસ કોન્ફરન્સ (7 ઓગસ્ટ, 18 સપ્ટેમ્બર અને 4 નવેમ્બરના રોજ) પણ કરી ચૂક્યા છે. તેમણે પંચને મોદી સરકારની "B ટીમ" પણ કહી હતી. 9 ડિસેમ્બરે SIR પર ચર્ચા દરમિયાન પણ તેમણે ભાજપને ઘેર્યા હતા.
આ રેલીમાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાગ લીધો હતો અને રેલીને સંબોધિત કરી હતી.
રાહુલ બોલ્યા- મોદીજીનો કોન્ફિડન્સ ખતમ
રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું-પીએમ મોદીનો આત્મવિશ્વાસ ખતમ થઈ ગયો છે. અમિત શાહના હાથ ધ્રુજે છે. તેઓ જાણે છે કે તેમની ચોરી પકડાઈ ગઈ છે. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ, વિવેક જોશી ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે. પીએમએ તેમના માટે કાયદો બદલ્યો છે. અમે આ કાયદો બદલીશું અને આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીશું. આ લોકોએ ભૂલવું ન જોઈએ કે તેઓ હિન્દુસ્તાનના ઇલેક્શન કમિશનર છે, ભાજપના નહીં.
ખડગે બોલ્યા- દીકરાને કંઈ પણ થાય, દેશના લોકોને નહીં
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મારા દીકરાનું આઠ કલાકનું ઓપરેશન થવાનું હતું. મને ઘરેથી પણ ફોન આવ્યો કે તમારે આવવું જોઈએ, પરંતુ જ્યારે દેશ માટે જવાનો મરી રહ્યા છે, ઇન્દિરા-રાજીવે બલિદાન આપ્યું, સોનિયાએ બધું જ ત્યાગી દીધું. હું મારા દીકરા માટે આ લડાઈ છોડીને જઈ શકતો નથી. દીકરાને કંઈ પણ થાય તો કોઈ વાંધો નહીં, પણ દેશના લોકોને કંઈ થવું ન જોઈએ. આપણે પાછળ હટવાનું નથી, પાછળ હટીશું તો મરી જઈશું.
પ્રિયંકા બોલ્યા- અમે જે બનાવ્યું, ભાજપે બધું વેરવિખેર કરી દીધું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે પીએમ મોદી મોટા-મોટા રાષ્ટ્રપતિઓ સાથે હાથમાં હાથ નાખીને ફોટા પડાવે છે, પરંતુ જનતાની સાથે ઊભા રહેતા નથી. તેઓ તમને પૂછી શકતા નથી કે તમારા દુઃખ શું છે. સંસદમાં તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. આંખમાં આંખ મિલાવી શકતા નથી. જનતાનો વિશ્વાસ મોદી શાહ પરથી હટી ગયો છે. આજે તેમને ચૂંટણી પંચની જરૂર છે, તેના વિના તેઓ જીતી શકતા નથી. પીએમ ઓફિસના અધિકારીઓ બેટિંગ એપ ચલાવી રહ્યા હતા, તેની ચર્ચા કેમ થતી નથી. જેટલા વર્ષોમાં અમે બનાવ્યું, તેમણે બધું વેરવિખેર કરી દીધું.