અમદાવાદમાં વધુ એક ડમ્પરે નિર્દોષનો જીવ લીધો:ખોખરામાં એક્ટિવા લઈને જતી યુવતીને ડમ્પરે કચડી, માથામાં ગંભીર ઈજાઓના પગલે ઘટનાસ્થળે જ મોત
ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારતા યુવતી એક્ટિવા સાથે નીચે પટકાઈ ખોખરામાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. ખુશ્બુ ગઈકાલે રાતે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. જ્યારે તે અયોધ્યા સોસાયટી નજીક પહોંચી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ-27-TT-1555)ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પરચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
5 દિવસ અગાઉ બનેલા અકસ્માતમાં પણ આરોપી હજી પોલીસ પકડથી દૂર નોંધનીય છે કે, હજુ ચાર દિવસ અગાઉ જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક એક દંપતીને ડમ્પરચાલકે ટક્કર મારી હતી. તે અકસ્માતમાં મહિલાના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, પરંતુ તે ડમ્પરચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો અને હજી પણ પોલીસ પકડથી દૂર છે. ટૂંકા ગાળામાં ડમ્પરના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ડમ્પરચાલકોની બેફામ ગતિ સામે સખત કાર્યવાહીની માંગણી ઊઠી છે. આ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યાં છે.