Loading...

અમદાવાદમાં ડમ્પરો બેફામ અને પોલીસ લાચાર:ડમ્પર ચાલક વ્યાસવાડીથી અકસ્માત કરી પકવાન પાસે આવ્યો અને ત્યાં પણ બે વાહનોને અડફેટે લીધા, ટક્કરથી ઝાડ પડ્યું

ત્યાં હાજર કેટલાક વાહન ચાલકોના જણાવ્યા મુજબ ડમ્પર ચાલક વ્યાસવાડીથી અકસ્માત કરી પકવાન ચાર રસ્તા પાસે આવ્યો અને ત્યાં પણ બે વાહનોને અડફેટે લીધા હતા. બાદમાં ઝાડ સાથે અથડાતા ઝાડ પણ પડી ગયું હતું.

પકવાન ચાર રસ્તા પાસે એક્ટિવા સહિત અલગ અલગ વાહનોને ટક્કર મારી શહેરમાં દિન પ્રતિદિન ડમ્પરો હવે બેફામપણે દોડી રહ્યા હોવાના કારણે લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. મોડી રાત્રે પકવાન ચાર રસ્તા પાસે એક ડમ્પર ચાલક બેફામ સ્પીડે ડમ્પર ચલાવીને આવ્યો હતો અને એક્ટિવા સહિત અલગ અલગ વાહનોને ટક્કર મારી હતી.

ડમ્પર ભટકાતા ઝાડ પણ પડી ગયું પકવાન ચાર રસ્તા પાસે આવેલા એક ઝાડ સાથે ડમ્પર અથડાયું હતું અને તેના કારણે ઝાડ પણ પડી ગયું હતું. પકવાન રેસ્ટોરન્ટની પાસે બેઠેલા કેટલાય લોકો બચી ગયા હતા. જો રોડની સાઈડમાં ડમ્પર ચડી ગયું હોત તો અનેક લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હોત અને જાનહાનીની શક્યતા હતી. જો કે સબનસીબે લોકો બચી ગયા હતા.

નવા વાડજથી ડમ્પરચાલક સ્પીડમાં ડમ્પર ચલાવી આવી રહ્યો હતો ઘટના બનતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ડમ્પરચાલકને ઉતારી લોકોએ ઢોર માર માર્યો હતો. લોકોમાં એટલો રોષ જોવા મળ્યો હતો કે તેને માર મારીને અધમૂવો કરી નાખ્યો હતો. ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ ડ્રાઇવર નવા વાડજ વ્યાસવાડીથી બેફામ સ્પીડમાં ડમ્પર ચલાવીને આવી રહ્યો હતો. લોકો પણ આ સ્પીડમાં ડમ્પર જોઈને ખૂબ જ ગભરાઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઇવરને લોકોના મારથી બચાવી અને તેને લઈ ગઈ હતી. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સામાન્ય વાહન ચાલકો સામે કાર્યવાહી અને ડ્રમ્પર ચાલકો સામે આંખ આડા કાન અમદાવાદ શહેરમાં બેફામપણે ડમ્પરો દોડી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં બે મહિલા સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે. દિવસના સમયે ડમ્પરોને ચલાવવા માટેની ટ્રાફિક પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે જેના કારણે થઈ અને અકસ્માતો સર્જાઇ રહ્યા છે. અનેક વિસ્તારોમાં ડમ્પરોની મંજૂરી ન હોવા છતાં પણ દિવસના સમયે ચાલતા હોય છે આવા ડમ્પરોની સામે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાન્ય માણસ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરવામાં આવ્યો હોય તો તેની પાસે દંડ લેવા માટે TRB અને ટ્રાફિક પોલીસના જવાનો ઊભા રહી જતા હોય છે પરંતુ આવા ડમ્પરો સામે આંખ આડા કાન કરવામાં આવતા હોય છે.

Image Gallery