Loading...

Begum Khaleda Zia Death: તેમની આત્માને શાંતિ મળે, PM Modiએ વ્યક્ત કર્યું દુઃખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ તેમના યોગદાનને યાદ કરતા કહ્યું કે બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે તેમણે દેશના વિકાસમાં તેમજ ભારત-બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના- પીએમ મોદી 

 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને BNP અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના ઢાકામાં નિધન વિશે જાણીને મને ખૂબ દુઃખ થયું છે. તેમના પરિવાર અને બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. ભગવાન તેમના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે, બાંગ્લાદેશના વિકાસ તેમજ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મને 2015માં ઢાકામાં તેમની સાથેની મારી ઉષ્માભરી મુલાકાત યાદ છે. અમને આશા છે કે તેમનું વિઝન અને વારસો આપણી ભાગીદારીને માર્ગદર્શન આપતો રહેશે. તેમના આત્માને શાંતિ મળે.


BNP એ નિવેદન આપ્યું

 
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન મુજબ ખાલિદા ઝિયાનું ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સવારે 6 વાગ્યે અવસાન થયું. તેઓ એક મહિના કરતા વધુ સમયથી ત્યાં સારવાર લઈ રહ્યા હતા. પાર્ટીના નેતાઓ અને સમર્થકોએ તેમના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમને બાંગ્લાદેશના આધુનિક રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એક અગ્રણી રાજકીય વ્યક્તિ તરીકે યાદ કર્યા. પાર્ટીએ કહ્યું કે અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને દરેકને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ.
 

અનેક બીમારીઓથી પીડાતા

ઉલ્લેખનીય છે કે ખાલિદા ઝિયા હૃદય અને ફેફસાની ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા.તેઓને 23 નવેમ્બરના રોજ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશી મીડિયા અહેવાલો અનુસાર તેમને તેમના અંતિમ અઠવાડિયામાં ન્યુમોનિયા પણ થયો હતો. તેઓ 36 દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રહ્યા અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું વર્ણવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ભૂતપૂર્વ વડા પ્રધાન લીવર સિરોસિસ, ડાયાબિટીસ, સંધિવા અને કિડની, ફેફસાં, હૃદય અને આંખો સંબંધિત ક્રોનિક સમસ્યાઓ સહિત અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા.

વિદેશ સારવાર માટે લઇ જવાના હતા 

તેમની સારવાર બહુ-શાખાકીય તબીબી ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી, જેમાં બાંગ્લાદેશના નિષ્ણાતો તેમજ યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને ઓસ્ટ્રેલિયાના ડોકટરોનો સમાવેશ થતો હતો. આ મહિને તેમને વધુ સારી તબીબી સંભાળ માટે વિદેશ મોકલવા અંગે ચર્ચા થઈ હતી. જોકે ડોકટરોએ તેમને સલાહ આપી હતી કે તેમની શારીરિક સ્થિતિ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ખૂબ અશક્ત છે તેથી તેઓને વિદેશ લઇ જવાની વાતને મોકૂફ રાખવામાં આવી હતી.