'ગોઇંગ ટુ બોમ્બે'ની એક પોસ્ટથી ત્રણેય ચોરો ઝડપાયા:સુરતની કંપનીમાં 11 લાખની ચોરી કરી બોમ્બે ભાગ્યા, બારમાં ડાન્સર્સ પાછળ રૂપિયા ઉડાવ્યા; રેતીના ઢગલામાંથી નોટોના બંડલ મળ્યા
ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી 11.70 લાખની ચોરી 30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી તસ્કરો 11.70 લાખની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં ગ્રીલ કાપીને અંદર ઘૂસતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી.
કોપર વાયરની ચોરી કરવા પહોંચ્યા અને રોકડ રકમ મળી આરોપી શુભમ ઉર્ફે નેપાળી અને દીપક ઉર્ફે કાલિયાનો પ્લાન માત્ર કોપર વાયર ચોરી કરવાનો હતો, પરંતુ ફેક્ટરીમાં ચોરી કરતા સમયે રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓ ભણેલા ન હોવાથી તેમને નોટો ગણતા પણ આવડતું નહોતું. આટલી મોટી રકમ જોઇ તેઓ મુંઝાયા અને છેવટે ગણતરી કરવાને બદલે નોટોના બંડલો અંદાજે એકબીજામાં વહેંચી દીધા હતા.
પોલીસથી બચવા દીપકે રૂપિયા રેતીના ઢગલામાં છુપાવ્યા દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીના ઢગલો હતો તેથી તણે વિચાર્યું કે, જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે, એટલે તેણે ફિલ્મી સ્ટાઈલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા હતા. જોકે, પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા.
આરોપીએ એક ભૂલ કરી અને પોલીસને લોકેશન મળ્યું ચોરી કર્યા બાદ આ ટોળકીનો ત્રીજો સાથી આનંદ ઉર્ફે લક્કીએ સૌથી મોટી ભૂલ કરી. તેણે ચોરીના પૈસા સાથે ફોટો પડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર 'ગોઇંગ ટુ બોમ્બે' લખીને પોસ્ટ મૂકી દીધી હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટે પોલીસને સીધો રસ્તો બતાવ્યો કે આરોપીઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે.
મુંબઇના બારમાં ડાન્સર્સ ઉપર હજારો રૂપિયા ઉડાવ્યા પૈસા હાથમાં આવતા જ આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને તેઓ સીધા મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ એક જાણીતા બારમાં ડાન્સર્સ ઉપર હજારો રૂપિયા પણ ઉડાવ્યા હતા. ગરીબીમાં જીવતા આ ચોર મુંબઇની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા અને પોતાની પાછળ પોલીસ પડી છે તેનું પણ ભાન ભૂલી ગયા હતા.
11 હજારનો ભાડે આલીશાન રૂમ અને મોંઘો કેમેરો ખરીદ્યો મોજશોખની હદ તો ત્યારે થઈ જ્યારે શુભમ નેપાળીએ રહેવા માટે રૂપિયા 11 હજારનો ભાડે આલીશાન રૂમ રાખ્યો હતો. આટલેથી મન ન ભરાતા તેણે ચોરીના રૂપિયાથી નવો મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. જેથી તે પોતાના ફોટા પાડી શકે. આ બધી જ વિગતો પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી હતી.
ત્રણેય આરોપીને ઝડપી પાડી 6.05 લાખ રૂપિયા રિકવર કર્યા પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યો અને ત્રણેય આરોપીઓ શુભમ ઉર્ફે નપાળી, દીપક ઉર્ફે કાલિયો અને આનંદ ઉર્ફે લક્કીને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રેતીમાં દાટેલા 6.05 લાખ રૂપિયા પણ રિકવર કર્યા હતા.