Loading...

ટ્રમ્પની ઇચ્છા આખરે પૂરી થઈ....મળી ગયો નોબેલ:વેનેઝુએલાના નેતાએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો, કહ્યું- અમને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાનાં વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સાથે મુલાકાત કરી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યા પછી આ તેમની કોઈપણ વેનેઝુએલાના નેતા સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી.

મુલાકાત પછી મચાડોએ કહ્યું હતું કે તેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ ભેટ કર્યો છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે આજે આપણે વેનેઝુએલાવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે.'

બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં મચાડોએ ટ્રમ્પને પોતાનો પુરસ્કાર સોંપવા વિશે જણાવ્યું, પરંતુ તેમણે બીજી કોઈ માહિતી આપી નહીં. જ્યારે વ્હાઇટ હાઉસે પણ એ જણાવ્યું નહીં કે ટ્રમ્પે મેડલ સ્વીકાર કર્યો કે નહીં.

વ્હાઇટ હાઉસ છોડ્યા પછી મચાડોએ બહાર એકઠા થયેલા સમર્થકોને સ્પેનિશમાં કહ્યું, 'આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભરોસો કરી શકીએ છીએ.' જોકે ટ્રમ્પે અત્યારસુધી મચાડોને વેનેઝુએલાના નવા નેતા તરીકે સમર્થન આપ્યું નથી. એના બદલે તેઓ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે કામ કરી રહ્યા છે.

નોબેલ સંસ્થાએ કહ્યું, મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ પદવી નહીં

ટ્રમ્પ હંમેશાં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. જ્યારે તેઓ માચાડોને મળ્યા ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી. બીજી તરફ, નોબેલ સમિતિએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે નોબેલ પુરસ્કારની જાહેરાત થયા પછી એને રદ કરી શકાતો નથી.

ન તો એને શેર કરી શકાય છે અને ન તો કોઈ અન્યને હસ્તાંતરિત કરી શકાય છે. આ નિર્ણય અંતિમ છે અને હંમેશાં માટે માન્ય રહેશે.

ગુરુવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી બેઠક પહેલાં નોબેલ સંસ્થાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એક મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાનું બિરુદ બદલી શકાતું નથી.

ઓક્ટોબર 2025માં મચાડોને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ‘વેનેઝુએલાના લોકોના લોકતાંત્રિક અધિકારો માટેના તેમના સતત પ્રયાસો અને તાનાશાહીમાંથી લોકશાહી તરફ શાંતિપૂર્ણ તથા ન્યાયપૂર્ણ પરિવર્તનની લડાઈ’ માટે આ સન્માન મળ્યું હતું.

મચાડોએ કહ્યું- વોશિંગ્ટનના ઉત્તરાધિકારીને મેડલ પરત કર્યો

મચાડોએ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપતી વખતે 1825માં અમેરિકી સ્વતંત્રતા સંગ્રામના હીરો માર્ક્વિસ ડે લાફાયેટનું ઉદાહરણ આપ્યું.

તેમણે કહ્યું, '200 વર્ષ પહેલાં માર્ક્વિસ ડે લાફાયેટે જ્યોર્જ વોશિંગ્ટનની તસવીરવાળો મેડલ સાયમન બોલિવરને આપ્યો હતો, જે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે સ્વતંત્રતાની લડાઈમાં ભાઈચારાનું પ્રતીક હતો. હવે, બોલિવરના લોકોએ વોશિંગ્ટનના ઉત્તરાધિકારી (ટ્રમ્પ)ને નોબેલ મેડલ પાછો આપ્યો છે.

લાફાયેટે દક્ષિણ અમેરિકાના આઝાદીના નેતા સાયમન બોલિવરને એક ખાસ સોનાનો મેડલ મોકલ્યો. આ મેડલ પર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનની તસવીર બનેલી હતી.

આ ભેટ બંને દેશો વચ્ચે ભાઈચારા અને તાનાશાહી વિરુદ્ધની સહિયારી લડાઈનું પ્રતીક હતી. બોલિવરે આ મેડલને ખૂબ સન્માન આપ્યું અને એને હંમેશાં પહેરતા રહ્યા. વેનેઝુએલાના લોકો પોતાને બોલિવરના વંશજ માને છે.

ટ્રમ્પ બોલ્યા- મચાડો એક અદ્ભુત મહિલા, તેમને મળવું સન્માનજનક

ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને મારિયા કોરિના મચાડો સાથેની મુલાકાતને સન્માનજનક ગણાવી. તેમણે કહ્યું-

QuoteImage

મચાડો એક અદ્ભુત મહિલા છે, જેમણે ઘણું સહન કર્યું છે. મારિયાએ મારાં સારાં કાર્યો માટે મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર પ્રદાન કર્યો. આપણા બંને વચ્ચેનું આ પરસ્પર સન્માન કમાલનું છે.

ટ્રમ્પ-મચાડો વચ્ચે વેનેઝુએલામાં ચૂંટણી પર કોઈ વાતચીત નહીં

બેઠક પછીની પ્રેસ-કોન્ફરન્સમાં વેનેઝુએલામાં સંભવિત ચૂંટણીઓ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે નહીં. આ અંગે પૂછવામાં આવતાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટે જણાવ્યું હતું કે મચાડો સાથે આ વિષય પર વાતચીત થઈ નથી.

તેમણે કહ્યું, “મને ખાતરી નથી કે રાષ્ટ્રપતિ આ બેઠકમાં આવા કોઈ વિષય પર વાત કરતા છે. મને નથી લાગતું કે તેમને મચાડો પાસેથી કંઈપણ સાંભળવાની જરૂર છે.” લેવિટે વધુમાં કહ્યું કે મને લાગે છે કે આ એક એવી બેઠક હતી, જેના માટે રાષ્ટ્રપતિ તૈયાર હતા. મચાડોને વ્યક્તિગત રીતે મળવા અને વેનેઝુએલા પર વાત કરવા માટે.

લેવિટે કહ્યું 'મચાડો વેનેઝુએલાના ઘણા લોકો માટે એક નોંધપાત્ર અને સાહસિક અવાજ છે.'

બંધ રૂમમાં થઈ ટ્રમ્પ-મચાડોની મુલાકાત

ટ્રમ્પ-મચાડોની મુલાકાત બંધ રૂમમાં થઈ. બેઠક પછી ટ્રમ્પે કોઈ નિવેદન બહાર પાડ્યું ન હતું, જેમ કે કોઈપણ મુલાકાત પછી કરવામાં આવે છે. જોકે, મચાડોએ તેમની વચ્ચે થયેલી વાતચીતને સકારાત્મક ગણાવી.

તેમણે કહ્યું, "હું ટ્રમ્પની સ્પષ્ટતા, વેનેઝુએલાની પરિસ્થિતિ વિશેના તેમના જ્ઞાન અને વેનેઝુએલાના લોકોના દુઃખ પ્રત્યેની તેમની ચિંતાથી પ્રભાવિત થઈ હતી." તેમણે આગળ કહ્યું કે વેનેઝુએલા "એકજૂટ" છે.

મારિયાની જગ્યાએ તેમની પુત્રીએ શાંતિ પુરસ્કાર સ્વીકાર્યો હતો

મારિયા કોરિના મચાડો નોબેલ શાંતિ પુરસ્કાર સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. મારિયાની જગ્યાએ તેમની પુત્રી એના કોરિના સોસાએ નોર્વેના ઓસ્લોમાં આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. એનાએ સમારોહમાં તેમની માતાનું લખેલું ભાષણ પણ વાંચ્યું હતું.

મચાડોએ તેમના લેખિત સંદેશમાં કહ્યું હતું કે લોકશાહી અને આઝાદી બચાવવા માટે સંઘર્ષ જરૂરી છે. તેમણે કહ્યું કે આ પુરસ્કાર માત્ર વેનેઝુએલા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.

મચાડો પર યાત્રા પ્રતિબંધ લાગુ હતો. તે એક વર્ષથી પણ વધુ સમયથી છુપાઈને રહી હતી, તેથી તે સમયસર ઓસ્લો પહોંચી શકી નહીં.

2024માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા

મચાડો 2024ની ચૂંટણી પહેલા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, પરંતુ વેનેઝુએલા સરકારે તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે અન્ય પક્ષના પ્રતિનિધિ એડમન્ડો ગોન્ઝાલેઝ ઉર્રુટિયાને સમર્થન આપ્યું. તેને આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મળ્યું.

વેનેઝુએલામાં મચાડોના સમર્થક પક્ષને સ્પષ્ટ જીત મળી પરંતુ શાસને ચૂંટણી પરિણામ સ્વીકાર્યું નહીં અને સત્તા પર કબજો જાળવી રાખ્યો.

મચાડો દુનિયામાં પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિનું ભાષણ બંધ કરાવી દીધું હતું. આ ઘટના 14 જાન્યુઆરી 2012ની છે. શાવેઝ સંસદમાં 9 કલાક 45 મિનિટનું ભાષણ આપી ચૂક્યા હતા. ત્યારે જ મચાડોએ બૂમો પાડતા તેમને ‘ચોર’ કહ્યા અને લોકોની જપ્ત કરાયેલી સંપત્તિ પાછી આપવા કહ્યું.

તેના જવાબમાં શાવેઝે કહ્યું કે તેઓ ચર્ચા નહીં કરે કારણ કે તે તેના લાયક નથી. આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ અને મચાડોને એક સાહસી વિરોધ પક્ષના નેતા તરીકે સ્થાપિત કર્યા.