વડોદરામાં કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું મોત:માસીએ કહ્યું-'બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે', પોલીસે સાચું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું
વડોદરા શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીના માસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી-ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે.
ધ્યાનીએ નાની ઉંમરે માતા-પિતા ગુમાવી દીધા હતા વડોદરામાં પાંચ વર્ષીય બાળકી ધ્યાની ઠક્કર વડોદરા ખાતે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. ધ્યાનીએ ખૂબ જ નાની ઉંમરે તેના માતા અને પિતા બંનેને ગુમાવી દીધા હતા. માતા-પિતાની ગેરહાજરીમાં દાદા-દાદી અને અન્ય સંબંધીઓ જ તેની સંભાળ રાખતા હતા. આ માસૂમ બાળકી પરિવારના સભ્યો માટે વહાલી હતી.
શરદી-ખાંસીની સિરપ પીધા બાદ બાળકીની તબિયત વધુ લથડી ધ્યાનીને સામાન્ય શરદી અને ખાંસીની તકલીફ થઈ હતી. આથી તેના પિતરાઈ કાકા પોતાના મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લઈ આવ્યા હતા. બાળકીને આ સિરપ પીવડાવવામાં આવી હતી. પરંતું, થોડા જ સમયમાં તેની શારીરિક સ્થિતિ બગડવા લાગી હતી. તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ માસૂમ ધ્યાનીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવની જાણ થતાં જ બાળકીના માસી અને અન્ય સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
'બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે, દવાની આડઅસર છે કે કઈ બીજું' મૃતક બાળકીના માસીએ રડતા રડતા ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, “બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે. દવાની આડઅસર છે કે અન્ય કોઈ કારણ, તે તપાસનો વિષય છે. મેડિકલ સ્ટોરની દવાની ગુણવત્તા અને તેની અસર પર શંકા વ્યક્ત કરી છે અને ન્યાયની માંગણી કરી છે.
પોલીસે બનાવની વિગતો મેળવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા બી ડિવિઝનના એ.સી.પી. આર.ડી. કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમણે શોકતુર પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.