T20 વર્લ્ડ કપ પર સંકટ: ICCના અલ્ટિમેટમ છતાં બાંગ્લાદેશ ટસનું મસ ન થયું, જુઓ શું કહ્યું..
20 વર્લ્ડ કપ 2026ને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. ICC દ્વારા કડક અલ્ટિમેટમ મળ્યા છતાં, BCBના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતમાં રમવાના પોતાના વિરોધ પર અડગ છે. તેમણે ભારતને 'અસુરક્ષિત' ગણાવ્યું છે અને હજુ પણ કોઈ 'ચમત્કાર'ની આશા રાખી રહ્યા છે.
ICCના અલ્ટિમેટમ બાદ પણ વલણ યથાવત
ICC તરફથી સત્તાવાર સંદેશ મળ્યા બાદ, BCB અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલે બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નક્કી થયું કે ખેલાડીઓનો મત જાણવા માટે તેમની સાથે એક બેઠક યોજવામાં આવશે. જોકે, જ્યારે બુલબુલને પૂછવામાં આવ્યું કે જો ખેલાડીઓ ભારતમાં રમવા માટે સંમત થશે તો શું BCB પોતાનું વલણ બદલશે? તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે બાંગ્લાદેશની સત્તાવાર સ્થિતિ હજુ પણ એ જ છે અને તેઓ શ્રીલંકામાં જ મેચ રમવા માંગે છે.