Loading...

અમદાવાદ એરપોર્ટ હાઇએલર્ટ પર:3 કલાક વહેલાં પહોંચવાની એડવાઇઝરી, 26થી 31 જાન્યુઆરી સુધી સુરક્ષા તપાસ વધુ કડક રહેશે; આજે 10 ફ્લાઇટ લેટ

અમદાવાદ એરપોર્ટને 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. આ એલર્ટ 31 જાન્યુઆરી સુધી રહેશે. વધારાની સુરક્ષા વ્યવસ્થાને કારણે મુસાફરોને એરપોર્ટ પર સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. એરપોર્ટ અધિકારીઓ અને એરલાઈન્સ દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચે, કારણ કે સુરક્ષા તપાસ વધુ કડક રહેશે અને મુસાફરોના બેગેજની બે વખત ચકાસણી કરવામાં આવશે.

મુસાફરો માટે એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી દરેક એરલાઈન્સે એડવાઇઝરી જાહેર કરી છે કે મુસાફરોની સુરક્ષા અને સરળ મુસાફરી તેમની પ્રથમ પ્રાથમિકતા છે, પરંતુ વધારાની તપાસને કારણે થોડો વધુ સમય લાગી શકે છે, તેથી મુસાફરોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. એરલાઈન્સના જણાવ્યા મુજબ, ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટના 60 મિનિટ પહેલાં બંધ થશે અને બોર્ડિંગ ગેટ ફ્લાઇટની 25 મિનિટ પહેલાં બંધ થશે. મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની ચેક-ઇન બેગ સિવાય ફક્ત 7 કિલો વજનની એક જ હેન્ડબેગ સાથે રાખે.

વહેલા એરપોર્ટ પહોંચવા અપીલ કરવામાં આવી ખાસ કરીને 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસની રિહર્સલને કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર થઈ શકે છે, તેથી મુસાફરોને વધુ સમય રાખીને આયોજન કરવા અને વહેલા એરપોર્ટ પહોંચવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા તપાસ દરમિયાન કોઈ અસુવિધા ન થાય એ માટે એરપોર્ટ અધિકારીઓ સાથે સહયોગ આપવા પણ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે.

આજે અમદાવાદ એરપોર્ટ પર કુલ 10 ફ્લાઈટ લેટ અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી કુલ 10 જેટલી ફ્લાઇટો મોડું પડતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવતાં શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને ફ્લાઇટ ઓપરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ફ્લાઇટ સંબંધિત અપડેટ માટે પોતાની એરલાઇન સાથે સંપર્કમાં રહે અને વધારાનો સમય લઈને એરપોર્ટ પર પહોંચે.