ગાંધીનગરના બિલ્ડરના પુત્રની આત્મહત્યા, 13 દિવસ પહેલાં લગ્ન થયા હતા:ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી, સુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં શખસોએ માર માર્યોનો ઉલ્લેખ
ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના ગુમ થવાના મામલે દુ:ખદ વળાંક આવ્યો છે. ગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ આજે કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા.
25 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ યુવક ગુમ ગાંધીનગરના સુઘડ ખાતે એપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગલોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલ (ઉ.વ. 25) ગત 25 જાન્યુઆરીએ પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલા બહુચર પાન પાર્લર પાસે ઋષભની ગાડી બિનવારસી મળી આવી હતી.
બિનવારસી કારમાંથી મોબાઈલ અને સુસાઈડ નોટ મળી આ અંગે તેના નાના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે 25 જાન્યુઆરીના રોજ ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જેની બિનવારસી કારમાંથી દાગીના, મોબાઈલ, રોકડ રકમ તેમજ એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેને પગલે પોલીસે જે તે સમયે કેનાલમાં શોધખોળ પણ હાથ ધરી હતી, પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો નહોતો.
પાંચ દિવસની શોધખોળના અંતે કડીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો પાંચ દિવસની સઘન શોધખોળ બાદ આજે કડી પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ ઋષભ પટેલ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઋષભના પિતા પ્રવીણભાઈ પટેલ જાણીતા બિલ્ડર છે અને ઋષભ પણ પિતા સાથે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં સંકળાયેલો હતો. ઋષભના લગ્ન 13 દિવસ અગાઉ થયા હતા એટલે કે 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા.
50 લાખની લેતીદેતીમાં કેટલાક શખસોએ માર માર્યો સુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં તેને કેટલાક શખસોએ માર માર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ કડી પોલીસે ઋષભની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. જેના રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે.
રાયપુર પાસે ગાડી મળી આવવી અને ત્યાર બાદ કડી વિસ્તારમાં મૃતદેહ મળવો આ બંને ઘટનાઓ વચ્ચે કડીઓ જોડવા પોલીસ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સની પણ તપાસ કરી રહી છે.
આર્યને ફોન કરતા ઋષભે કહ્યું તે સીધો લગ્નપ્રસંગમાં પહોંચશે ઋષભના નાના ભાઈ આર્યન પટેલે ગુમ થયાની નોંધાવેલી ફરિયાદ મુજબ, 25 જાન્યુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે ઋષભ કરાઈ ખાતે આવેલી પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. સાંજે સાડા ચાર વાગ્યે તેણે તેની કાર સર્વિસમાં આપી હતી તે પરત લેવા જવાની હતી. આર્યને જ્યારે સાંજે ફોન કર્યો ત્યારે ઋષભે જણાવ્યું હતું કે, તે સીધો લગ્નપ્રસંગમાં પહોંચશે.
રાયપુર ગામની સીમમાં ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળ્યો જોકે સાંજે સાડા છ વાગ્યા બાદ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તે ઘરે પરત ફર્યો નહોતો. બાદમાં તેની શોધખોળ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી ઋષભની હ્યુન્ડાઈ ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પાન પાર્લરના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આગલી રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ઋષભ તેની કાર લઈને કેનાલ તરફ જતો જોવા મળ્યો હતો.
ઋષભની લાશ મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું બહિયલના તરવૈયાઓ દ્વારા કેનાલમાં સઘન તપાસ કરવા છતાં તે સમયે તેની કોઈ ભાળ મળી નહોતી. ત્યારે આજે કડી પોલીસ મથકની હદમાંથી ઋષભની લાશ મળી આવતા જ તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે.