ટ્રમ્પે ઇન્ટીરિયર સેક્રેટરીની પત્ની સાથે જાહેરમાં ફ્લર્ટ કર્યું, VIDEO:પતિની સામે જ કહ્યું, તમે ખૂબ જ સુંદર છો, તમને ઘોડેસવારી કરતાં જોઈને જ તમારા પતિને મેં નોકરીએ રાખ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેમણે ડગ બર્ગરને અમેરિકાના ઇન્ટીરિયર સેક્રેટરી તરીકે એટલા માટે નિયુક્ત કર્યા, કારણ કે તેમની પત્ની તેમને ખૂબ જ ગમી. તેમણે ખુલ્લેઆમ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બર્ગમની પત્ની કેથરિન તેમને સુંદર લાગી. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે કેથરિનને તેમના પતિ સાથે એક વીડિયોમાં જોઈ. વીડિયોમાં તેઓ ઘોડેસવારી કરી રહ્યાં હતાં અને ટ્રમ્પને એટલી સુંદર લાગી કે તેમણે તેમના પતિને ઇન્ટીરિયર સેક્રેટરી બનાવી દીધા.
ટ્રમ્પે આ ટિપ્પણી ઓવલ ઓફિસમાં ડ્રગ એડિક્શનનો સામનો કરવા સંબંધિત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરતી વખતે કરી. આ દરમિયાન ડગ બર્ગમ અને તેમની પત્ની કેથરિન બર્ગમ પણ ત્યાં હાજર હતાં. કાર્યક્રમમાં કેથરિન બર્ગમે નશાની લતમાંથી બહાર આવવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને ટ્રમ્પની પહેલને સમર્થન આપ્યું.
કાર્યક્રમના અંતે ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે પહેલીવાર આ કપલને એક કેમ્પેન-સ્ટાઈલ વીડિયોમાં જોયા હતા. ટ્રમ્પના મતે, એ વીડિયોમાં દેખાઈ રહેલી કેથરિન બર્ગમે તેમનું ધ્યાન ખેંચ્યું. તેમણે કહ્યું, 'મેં તેમને વીડિયોમાં ઘોડા પર સવાર જોયાં અને પૂછ્યું, આ કોણ છે?' આમ કહેતાં ટ્રમ્પે કેથરિન તરફ ઈશારો કર્યો.
કેથરિનને જોઈને ટ્રમ્પે તેમના પતિને નોકરી આપવાનો નિર્ણય લીધો
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ પછી તેમના સહયોગીઓએ તેમને સમજાવ્યું કે કપલ કોણ છે? ટ્રમ્પે કહ્યું, 'તેમણે મને સમજાવ્યું અને મેં કહ્યું, 'હું તેને (કેથરિનના પતિને) નોકરી આપવા જઈ રહ્યો છું.' પછી ટ્રમ્પે કેથરિનને કહ્યું, 'કારણ કે જેની સાથે તમારા જેવી સાથી હોય તો તે એક પોતાનામાં જ એક મોટી પ્રશંસા છે.'
આ પછી ટ્રમ્પે ડગ બર્ગમના બાયોડેટાની પણ પ્રશંસા કરી. તેમણે તેને એક સફળ ઉદ્યોગપતિ ગણાવ્યા અને કહ્યું કે તેઓ નોર્થ ડકોટાના બે વખત ગવર્નર રહી ચૂક્યા છે. આ દરમિયાન ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા કે ડગ બર્ગમની સફળતામાં તેમની પત્નીની ભૂમિકા મહત્ત્વની રહી છે.
ટ્રમ્પે કહ્યું, 'આ એક શાનદાર જોડી છે, અદ્ભુત જોડી અને તેમની મોટી સફળતામાં તેઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ એક અત્યંત સફળ ઉદ્યોગપતિ રહ્યા છે અને એક શાનદાર બે-ટર્મ ગવર્નર રહ્યા છે. નોર્થ ડાકોટામાં તેમણે શાનદાર કામ કર્યું.' તેમણે આગળ કહ્યું, તેમણે ઘણું સારું કામ કર્યું છે, પરંતુ હું તમને જણાવું, કેથરિનનો આમાં ખૂબ જ મોટો ભાગ છે. હું તેને જોઈ શકું છું. આ એક ખૂબ જ સારી જોડી છે.
ટ્રમ્પની આલોચના થઈ રહી છે
કેથરિન પરની આ ટિપ્પણીઓને લઈને ટ્રમ્પની ટીકા શરૂ થઈ ગઈ છે. કમેન્ટર્સે કેબિનેટ નિમણૂક અંગે આપેલા તેમના આ તર્કના હેતુ અને સ્વર પર સવાલ ઉઠાવ્યા છે. જોકે તેમના કેટલાક સમર્થકો કહી રહ્યા છે કે કોઈની પત્નીનાં વખાણ કરવા ખોટું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પનો મહિલાઓ વિશે આવાં નિવેદનો આપવાનો જૂનો રેકોર્ડ રહ્યો છે, જેમાં યોગ્યતાને બદલે તેમના દેખાવ પર ભાર મૂકવામાં આવે છે. ટ્રમ્પ આવી ટિપ્પણીઓ માટે ટીકાનો ભોગ બની ચૂક્યા છે. તેમણે પોતાની વિરોધી મહિલાઓ માટે અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.