બે મહિલાથી ફફડે છે મુનીરની સેના:બલુચ મહિલાઓએ ISI હેડક્વાર્ટર ફૂંકી માર્યું, 40 કલાકમાં જ પાકિસ્તાનના 200 જવાનોને ગોળી મારી
બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA) અને પાકિસ્તાની સેના વચ્ચેનો સંઘર્ષ અત્યાર સુધીના સૌથી હિંસક વળાંક પર પહોંચી ગયો છે. BLA એ 'ઓપરેશન હેરોફ' ના બીજા તબક્કા હેઠળ પાકિસ્તાની સુરક્ષા દળો પર ચોતરફા હુમલા તેજ કર્યા છે. છેલ્લા 40 કલાકથી ચાલી રહેલી આ ભીષણ સૈન્ય કાર્યવાહીમાં BLA એ દાવો કર્યો છે કે તેમણે સેના, પોલીસ અને ફ્રન્ટિયર કોરના 200થી વધુ જવાનોને ઠાર કર્યા છે, જ્યારે 17 ને બંધક બનાવ્યા છે.
બલૂચ લિબરેશન આર્મીની મજીદ બ્રિગેડે આ વખતે મહિલા ફિદાયીનોને અગ્રિમ હરોળમાં ઉતારીને પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. આસિફા મેંગલ અને હવા બલૂચ જેવી મહિલા લડાયકોના આત્મઘાતી હુમલાઓએ માત્ર પાકિસ્તાની સેના અને ISIને ભારે નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ આ સંઘર્ષને એક નવા અને વધુ ઘાતક વળાંક પર લાવી દીધો છે. આ હુમલાઓ બલૂચિસ્તાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ અને ગુપ્તચર મુખ્યાલયો પર કેન્દ્રિત છે.\
ISI મુખ્યાલય પર હુમલાખોર
23 વર્ષીય આસિફા મેંગલ મજીદ બ્રિગેડની ત્રીજી મહિલા ફિદાયીન છે, જેમણે 31 જાન્યુઆરી 2026ના રોજ નુશકી સ્થિત ISI મુખ્યાલયને પોતાનું નિશાન બનાવ્યું. 2002માં જન્મેલી આસિફા ઓક્ટોબર 2023માં BLA માં જોડાઈ હતી. તેણે વિસ્ફોટક ભરેલી ગાડી (VBIED) દ્વારા આ ઉચ્ચ-સુરક્ષાવાળા સૈન્ય ઠેકાણાને ધ્વસ્ત કરવાનું કામ કર્યું. સંગઠન અનુસાર, આસિફાએ ફિદાયીન બનવાનો નિર્ણય જાન્યુઆરી 2024માં જ લઈ લીધો હતો, જેના પછી તેમને આ જટિલ અને ઘાતક મિશન માટે વિશેષ તાલીમ આપવામાં આવી.
જન્મદિવસ પર BLA જોઈન કરી
BLAનું કહેવું છે કે મેંગલ મોહમ્મદ ઇસ્માઇલની પુત્રી હતી. તે બલુચિસ્તાનના નુશ્કીની રહેવાસી હતી. તેનો જન્મ 2 ઓક્ટોબર 2002ના રોજ થયો હતો. તેણે તેના 21મા જન્મદિવસ પર BLA ની મજીદ બ્રિગેડમાં જોડાઈ હતી. મજીદ બ્રિગેડ આત્મઘાતી વિંગ છે. મેંગલે જાન્યુઆરી 2024માં ‘ફિદાયીન’ (આત્મઘાતી હુમલાખોર) બનવાનો નિર્ણય કર્યો. મેંગલે જ શનિવારે નુશ્કીમાં ISI હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું.
બીજી હુમલાખોરનો વીડિયો વાઇરલ
બીજી મહિલા હુમલાખોરનું નામ હજુ સામે આવ્યું નથી. જોકે, કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં તેને હવા બલૂચ ઉર્ફે 'દ્રોશમ' તરીકે ઓળખાવવામાં આવી રહી છે. હવા બલૂચનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં તે બંદૂક પકડીને હસતી જોવા મળી રહી છે અને તેના સાથીઓ સાથે વાત કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે તેના સાથીઓને કહે છે, 'પાકિસ્તાની સરકાર ફક્ત અમારી દબાયેલી-કચડાયેલી માતાઓ-બહેનો પર પોતાની તાકાત બતાવે છે, તેઓ અમારો સીધો સામનો કરી શકતા નથી. બલૂચ રાષ્ટ્રને હવે જાગવું પડશે.'
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ પુષ્ટિ કરી છે કે આ હુમલાઓમાં મહિલા હુમલાખોરો સામેલ હતી. તાજેતરના વર્ષોમાં બલુચિસ્તાનમાં આ સૌથી ઘાતક હિંસા છે, જ્યાં હુમલાખોરોએ સામાન્ય લોકોના વેશમાં શાળાઓ, હોસ્પિટલો અને બજારોમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સરકાર અને સેનાનું શું કહેવું છે?
પાકિસ્તાન સરકાર અને ત્યાંની સેના બલુચિસ્તાનમાં વર્ષોની સૌથી ઘાતક હિંસાનો સામનો કરી રહી છે. અહીં ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા સંસાધન સમૃદ્ધ પ્રાંતમાં વિદ્રોહીઓએ સુરક્ષા દળો, નાગરિકો અને માળખાકીય સુવિધાઓ પર હુમલા વધારી દીધા છે. પાકિસ્તાનના જુનિયર આંતરિક મંત્રી (ગૃહ મંત્રી) તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે હુમલાખોરો સામાન્ય નાગરિકોના વેશમાં ગોળીબાર કરતા પહેલા શનિવારે હોસ્પિટલો, શાળાઓ, બેંકો અને બજારોમાં ઘૂસી ગયા હતા.
તેમણે કહ્યું કે, ''દરેક કિસ્સામાં, હુમલાખોરો નાગરિકોના વેશમાં આવ્યા અને દુકાનોમાં કામ કરતા સામાન્ય લોકોને આડેધડ નિશાન બનાવ્યા.'' તેમણે કહ્યું કે આતંકવાદીઓએ નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો.
બલૂચ બળવાખોરોનું શું કહેવું છે?
બલૂચ વિદ્રોહી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે તેનું આક્રમક અભિયાન (જેને ઓપરેશન હેરોફ ફેઝ 2 નામ આપવામાં આવ્યું છે) બલૂચિસ્તાનના ઘણા જિલ્લાઓમાં 40 કલાકથી વધુ સમયથી ચાલી રહ્યું છે. તેમાં તેણે પાકિસ્તાની સુરક્ષા દળોના મોટી સંખ્યામાં મૃત્યુ અને ઘણા શહેરી અને ગ્રામીણ સ્થળો પર નિયંત્રણનો દાવો કર્યો છે.
BLAના પ્રવક્તા જીયાંદ બલૂચે 1 ફેબ્રુઆરીના રોજ બે નિવેદનો બહાર પાડ્યા. તેમાં વિદ્રોહી જૂથે કહ્યું કે તેના લડવૈયાઓએ ખારન, મસ્તુંગ, ટંપ અને પસની સહિતના વિસ્તારોમાં અભિયાન પૂર્ણ કરી લીધું છે, જ્યારે દાવો કર્યો કે અન્ય સ્થળોએ લડાઈ ચાલુ છે. જૂથે એવો પણ દાવો કર્યો કે તેના લડવૈયાઓ ક્વેટા અને નોશકીના કેટલાક ભાગોમાં હાજર છે, જ્યાં તેણે કહ્યું હતું કે સરકાર અને સૈન્યની હાજરીને પીછેહઠ કરવા મજબૂર કરવામાં આવી છે.