રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં હોબાળો, રાજનાથે કર્યો વિરોધ
Rahul Gandhi, Rajnath Singh Clash Over China Remarks : સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુુુુુુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાહુલ ગાંધીને લોકસભા સ્પીકરે પણ અટકાવવાનો કર્યો પ્રયાસ?
રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભા સ્પીકર તમે અમને પુસ્તકનો હવાલો આપવાની ના પાડી રહ્યા છો, તો અમે મેગેઝીન વિશે વાત કરવાનું નક્કી કર્યું તો તમે એના પર પણ ના પાડી દીધી. તો હું ભારત-ચીન સંબંધો વિશે કહીશ. તો તમે એ મુદ્દે પણ ના પાડી રહ્યા છો. ત્યારે સ્પીકરે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં ચીનનો કોઈ ઉલ્લેખ જ નથી. ત્યારે રાહુલે ભડકીને સવાલ કર્યો કે શું રાષ્ટ્રપતિના અભિભાષણને ઈન્ટરનેશનલ સંબંધોથી કોઈ લેવા દેવા નથી. અમે ચીન-પાકિસ્તાન વિશે ના બોલી શકીએ? આ શું વાત છે? તમારા મંત્રીઓ બોલે છે.
ચીનના ટેન્ક કૈલાશ રિઝ પર ચઢી રહ્યા હતા : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે. બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું કે જો નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઇ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનના ટેન્ક કૈલાશ રિઝ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો.
રાહુલ ગાંધી પૂર્વ આર્મી ચીફના પુસ્તકના આધારે ઉલ્લેખ કરવા માંગતા હતા
રાહુલ ગાંધી આર્મીના જનરલ નરવણેના પુસ્તક અંગે નિવેદન આપવા માંગતા હતા. જોકે રાજનાથ સિંહ વારંવાર ઊભા થઈને વિરોધ કરતાં રહ્યા અને કહ્યું કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? જો પ્રકાશિત ન થઈ હોય તો તમે સંસદમાં ન બોલી શકો.
કેન્દ્રીય મંત્રીઓએ વારંવાર રાહુલ ગાંધીનો વિરોધ કર્યો
રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PM મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે.
જે બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો.
અખિલેશ યાદવે રાહુલ ગાંધીને ટેકો આપ્યો, ડૉ. લોહિયાનો ઉલ્લેખ કર્યો
રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતા કહ્યું કે તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જોઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે જો કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જોઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું કે આપણે ચીન સામે સાવધ રહેવું જોઈએ.