Loading...

અમદાવાદમાં કેન્સરના દર્દીએ જાહેરમાં પોતાને આગ ચાંપી, VIDEO:સ્થાનિકોએ પાણી નાખી આગ બુઝાવી, આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો

અમદાવાદના અસારવા વિસ્તારમાં 2 ફેબ્રુઆરીના રાતના 9થી 10 વાગ્યાની આસપાસ જાહેરમાં આધેડ વયના કેન્સરના દર્દીએ પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી હતી. આધેડને સળગાતો જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ તેમના ઉપર પાણી છાંટી આગને બુઝાવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડીરાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે શાહીબાગ પોલીસને જાણ થતાં તેઓ દ્વારા અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

કેન્સરની બીમારીથી કંટાળી પગલું ભર્યું શાહીબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન. ડી. નકુમે જણાવ્યું હતું કે આધેડ કેન્સરના દર્દી હતા અને બીમારીથી કંટાળીને તેણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી મળતી માહિતી મુજબ, 2 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આવેલા આધેડ અસારવા ચકલા ખાતે જાહેરમાં આવીને અચાનક જ પોતાની પાસે રહેલી બીડી સળગાવી હતી. બાદમાં પોતાને પણ આગ ચાંપી દીધી હતી. આગ લાગેલી હાલતમાં જોતાં તાત્કાલિક સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તેમનો જીવ બચાવવા માટે તેમના ઉપર પાણી છાંટી દીધું હતું. પાણી નાખીને આગ બુઝાવી દીધી હતી, પરંતુ આધેડ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડીરાતે સિવિમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આધેડ અગાઉ અસારવા વિસ્તારમાં રહેતા હતા સ્થાનિક સૂત્રો મુજબ, જે આધેડ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે તે અગાઉ અસારવા વિસ્તારમાં રહેતા હતા અને તેનાં પરિવારજનો પણ આ જ વિસ્તારમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું છે, જોકે આ વ્યક્તિને કેન્સરની બીમારી હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાનું ઘણું બધું ગુમાવી દીધું હતું, ત્યારે અચાનક જ તેણે કોઈ જગ્યાએથી જ્વલનશીલ પ્રવાહી છાંટી અને બીમારીથી કંટાળી અસારવા ચકલામાં જાહેરમાં આપઘાત કર્યો હતો. હાલમાં આ મામલે શાહીબાગ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.