સુરતમાં ITના દરોડાનો સાતમો દિવસ, 1900 કરોડના બેનામી ટ્રાન્જેક્શન મળ્યા:30 બેંક લોકર ટાંચમાં લેવાયા, ફાઈવ સ્ટાર હોટલ બને તે પહેલાં મુન્ના ઓલપાડીનો જમીન સોદા ITની રડારમાં
લક્ષ્મી ગ્રુપ સહિત અન્ય લોકો સામે આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેરેથોન કાર્યવાહી સતત 7 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 1900 કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેકશન શોધી કાઢવામાં આવ્યા છે. 30થી વધુ બેંક લોકરોને હાલ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. સાથે ડુમ્મસ રોડ પર સૂચિત ફાઇવ સ્ટાર હોટલ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાયો છે.
આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, આ હાઈ-પ્રોફાઈલ જમીન સોદામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે. ખાસ કરીને બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા કરવામાં આવેલા આ સોદાએ હવે સરકારી એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે.
હાઈ-પ્રોફાઈલ જમીન સોદા પર આવકવેરા વિભાગની નજર સુરતના પોશ ગણાતા ડુમ્મસ રોડ પર ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ થાય તે પૂર્વે જ આ જમીન સોદો મોટા વિવાદમાં સપડાયો છે. આ હાઈ-પ્રોફાઈલ જમીન સોદા પર હાલ આવકવેરા વિભાગની કડક નજર છે. તપાસમાં બહાર આવ્યું છે કે હોટલ માટે જે જમીનનો સોદો કરવામાં આવ્યો છે તેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ પ્રોજેક્ટ અત્યારે ડેવલપર્સ અને રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
મુન્ના ઓલપાડીની મુખ્ય ભૂમિકા પર તપાસનો ગાળિયો આવકવેરા વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ કરોડોની જમીનનો સોદો બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા પાર પાડવામાં આવ્યો હતો. આ સોદો અંદાજે 4 મહિના પહેલા કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે. મુન્ના ઓલપાડીની જમીન લે-વેચની પદ્ધતિ અને તેના નેટવર્ક અંગે અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે સુરતના જમીન બજારના મોટા ખેલાડીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.