Loading...

વેલેન્ટાઈન સિઝન પર પ્રેમની નવી વ્યાખ્યા!:'લગન લાગી રે' માં રિયલ લાઈફ કપલ આરોહી-તત્સત સાથે મલ્હાર કરશે 'લવની ભવાઈ', દિલની વાતોથી દિવની યાદો સુધીના મજેદાર કિસ્સા

શું ક્યારેય એવું બન્યું છે કે કોઈ ચહેરો જોતા જ સમય થંભી ગયો હોય? શું ક્યારેય એવી 'લગન' લાગી છે કે દુનિયાના તમામ અવાજો વચ્ચે પણ માત્ર એક જ નામ સંભળાય? ગુજરાતી સિનેમાના 'પ્રેમના જાદુગર' ગણાતા ડિરેક્ટર સંદીપ પટેલ જ્યારે પણ કેમેરાની પાછળ હોય છે, ત્યારે પ્રેક્ષકોને આવા જ કંઈક અહેસાસનો અનુભવ થાય છે. 'લવની ભવાઈ'ના ઐતિહાસિક જાદુ બાદ, હવે મલ્હાર ઠાકર અને આરોહી પટેલની એવરગ્રીન જોડી તત્સત મુનશી સાથે મળીને ‘લગન લાગી રે’ દ્વારા દિલના દ્વાર ખટખટાવવા આવી રહી છે.

આવતીકાલે 6 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ વિશે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં મલ્હાર, આરોહી અને તત્સતે શૂટિંગના રોમાંચક અનુભવો અને પર્સનલ લાઈફના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો હતો.

ત્રણ કલાકારો, ત્રણ અલગ અંદાજ: જાણો કોણ શું ભજવી રહ્યું છે?

ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા તત્સત મુનશીએ જણાવ્યું કે, “હું 'સાહિલ'નો રોલ કરી રહ્યો છું, જે એક મોડેલ-એક્ટર છે. તેના માટે કરિયર સર્વોપરી છે અને આ મહત્વાકાંક્ષા તેની પર્સનલ લાઈફમાં કેવા ઉતાર-ચઢાવ લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.”

બીજી તરફ, આરોહી પટેલે પોતાની ભૂમિકા વિશે ખુલાસો કરતા કહ્યું, “મારું પાત્ર ‘કાવ્યા’ એકદમ જિદ્દી અને યુનિવર્સમાં માનનારી છોકરી છે. તેને લાગે છે કે તે જે મેનિફેસ્ટ કરશે એ થઈને જ રહેશે. દરેક ઘટનામાં તે 'સાયન્સ' શોધતી થોડી ઇલ્યુઝનલ છોકરી છે, જેની જિદ્દથી જીવનમાં કેટલાય ગડબડ ગોટાળા થાય છે.”

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર એટલે કે ફિલ્મનો ‘કાર્તિક’ તેના પાત્ર વિશે કહે છે, "કાર્તિક એક ઈનોસન્ટ અને પ્રામાણિક છોકરો છે, જેના માટે સંબંધોની કિંમત સૌથી વધુ છે. તેનામાં હ્યુમર ભરપૂર છે અને તે પોતાની મસ્તીથી લોકોના ચહેરા પર સ્મિત લાવશે."

સેટ પર પપ્પાનો ફાધર મોડ ઓન જ હોય!’

આરોહી માટે આ ફિલ્મ સ્પેશિયલ છે કારણ કે તેના પપ્પા સંદીપ પટેલ ડિરેક્ટર અને મમ્મી આરતી પટેલ પ્રોડ્યુસર છે. જ્યારે આરોહીને પૂછ્યું કે પપ્પા સેટ પર વઢે ખરા? ત્યારે તેણે હસતા હસતા કહ્યું, “બહુ વઢે! સેટ પર પણ તેમનો ફાધર મોડ ઓન જ હોય. કોઈ બીજું ભૂલ કરે તો પણ બૂમ તો 'આરોહી'ના નામની જ પડે! હું આજુબાજુ ન હોઉં તો પણ મારો વારો પડી જતો.”

ફિલ્મના હાર્ટ ટચિંગ ડાયલોગ્સ સ્ટારના અંદાજમાં

જ્યારે પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં એવી કઈ વાત છે જે ‘હાર્ટ ટચિંગ’ લાગી, ત્યારે તત્સતે કહ્યું કે- ફિલ્મમાં ઘણા બધા ઈમોશન છે જે દર્શકોના દિલ સુધી પહોંચશે. આરોહીએ ઉમેર્યું કે- "લવ અને હાર્ટ બ્રેક જે વાસ્તવિક જીવનમાં બને છે તેવું જ ફિલ્મમાં હશે, એટલે સ્ટોરી ખૂબ જ રિયલ લાગશે."

ફિલ્મનો સાર સમજાવતા બંનેએ પોતાના ડાયલોગ્સ કહ્યા:

કાર્તિક (મલ્હાર): "જ્યારે તમને કોઈ ગમે ત્યારે એવું જરૂરી નથી કે સામે વાળાને પણ તમે ગમો."

કાવ્યા (આરોહી): “બે જણને હોય તે પ્રેમ, માત્ર એકને હોય એ વેમ!”

કેમેસ્ટ્રીને વાસ્તવિક વણાટ કેવી રીતે આપ્યો?

સીનને વાસ્તવિક બનાવવા માટે આરોહીએ જણાવ્યું કે ઘણા વર્કશોપ, સેમિનાર અને અઢળક રિહર્સલ્સ કરવા પડ્યા છે. તત્સતે ઉમેર્યું- "શૂટિંગ પહેલાં ભૂમિકા સમજવામાં થોડી બીક લાગતી હતી, પણ જેમ-જેમ ડાયલોગ્સ મગજમાં છપાવવા લાગ્યા, હું ભૂમિકાની અંદર ઢળવા લાગ્યો. સંદીપ સર જેવા ડિરેક્ટરનો સાથ મળ્યો એટલે વિચાર્યું હતું એટલું મુશ્કેલ ન લાગ્યું."

સેટ પરની મસ્તી અને યાદો

ફિલ્મના કાર્તિકે કહ્યું- "ત્રણેય ભેગા થઈએ એટલે ખૂબ જ ધિંગામસ્તી કરીએ છીએ, પણ આરોહી સૌથી વધુ મસ્તીખોર છે, તે જીવ ખાઈ જાય છે." જેનો આરોહીએ વળતો જવાબ આપ્યો કે આ બંનેની ટીમ મને હેરાન કરે છે!

દિવના શૂટિંગ વિશેની વાતો વગોળતા મલ્હારે યાદ કર્યું કે- 45 ડિગ્રીના તાપમાં એકબીજાને પાણી પીવડાવતા શૂટિંગ કર્યું છે, જે કાયમ યાદ રહેશે. તત્સતે ભાવુક થઈને કહ્યું- "‘ઓમ મંગલમ્ સિંગલમ્’થી અમારી મિત્રતા શરૂ થઈ હતી અને આજે ‘લગન લાગી રે’ સુધી પહોંચતા અમારો સંબંધ એક પરિવારમાં પરિવર્તિત થઈ ગયો છે."

જિગનેશ કવિરાજ સાથે ‘બેબી બેવફા’નો અનુભવ

ફિલ્મનું ટ્રેન્ડિંગ ગીત ‘બેબી બેવફા’ એકદમ ધૂમ મચાવી રહ્યું છે. જિગનેશ કવિરાજે ન માત્ર ગીત ગાયું છે, વીડિયોમાં ડાન્સના હૂક સ્ટેપ બતાવી લોકોને મજા કરવી દીધી. આ ગીતના શૂટિંગ અનુભવ વિશે વાત કરતા મલ્હારે કહ્યું "હું તેમના ગીતો બહુ સાંભળું છું પણ સાથે કામ કરવાનો આ પહેલો અનુભવ હતો. સેટ પર મળ્યા ત્યારે એવું ન લાગ્યું કે અમે પહેલીવાર કામ કરીએ છીએ. તે ખૂબ જ નિખાલસ અને મોજીલા માણસ છે." તત્સતે ઉમેર્યું કે- આ ટ્રેન્ડ સેટર ગીત શૂટ કરવાનો આઈડિયા પણ જિગનેશભાઈનો જ હતો.

આરોહી-તત્સત શૂટિંગમાં ‘સેટ’ જેવું લાગતું કે ‘ઘર’ જેવું?

આરોહી અને તત્સત રિયલ લાઈફમાં પણ કપલ છે. આરોહીએ હસતા હસતા કહ્યું- "શૂટિંગ તો અમારા લગ્ન પહેલા જ થયું હતું, રિલીઝ હવે થઈ રહી છે. હા, પણ અમારું નક્કી જ હતું!" મલ્હારે વચમાં ટાપસી પુરાવતા મજાક કરી- "બંનેને પહેલા સેટ જેવું લાગતું હતું, હવે ઘર જેવું લાગે છે." તત્સત અને આરોહીએ ઉમેર્યું કે- “અત્યારે પ્રમોશનમાં સાથે તૈયાર થવા બાબતે અમારી મીઠી બબાલો ચાલતી હોય છે.”

'ઓફ કેમેરા સાસુ-સસરાનો 'જમાઈ મોડ' ઓન થઈ જતો!'

ફિલ્મના શૂટિંગ અને રિયલ લાઈફ કનેક્શન વિશે વાત કરતા તત્સતે (આરોહીના રિયલ લાઈફ હસબન્ડ) એક મજેદાર કિસ્સો શેર કર્યો. તેણે કહ્યું, “સેટ પર સંદીપ સર અને આરતી મેમ ખૂબ જ પ્રોફેશનલ હતા, પણ જેવું લન્ચ કે ડિનરનો બ્રેક પડે એટલે અચાનક તેમનો 'જમાઈ મોડ' જાગી જતો અને મને જમાઈની જેમ રાખતા!”

મલ્હાર એટલે ‘લગ્ન સ્પેશિયલ’ એક્ટર વાત સાચી કે ખોટી?

લગ્નની સ્ટોરી પર કામ કરવા બાબતે કહ્યું- મેરેજ સેન્ટ્રિક ફિલ્મો કરવી મને ગમે છે, મારી પાસે ઘણા આઈડિયા પણ છે. જોકે એવું નથી હું માત્ર આ જોનરની ફિલ્મો જ કરું છું, મારી લગ્નવાળી ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થાય છે એટલે લોકોને એવું લાગે છે. આવનારા સમયમાં પણ આવી સ્ટોરીમાં દેખાતો રહીશ એ વાત સાચી છે."

‘લગન લાગી રે’ શા માટે લોકોએ થિએટરમાં જોવી જોઈએ?

મલ્હાર: "આ એક શુદ્ધ પારિવારિક એન્ટરટેઈનર છે. ફિલ્મ જોયા બાદ તમે 6 ફેબ્રુઆરીએ જ વેલેન્ટાઇન ઉજવી લેશો."

આરોહી: "આમાં લવ અને હાર્ટબ્રેકની રિયલ સ્ટોરી છે જે દરેકને પોતાની લાગશે."

તત્સત: "આ ફિલ્મ ‘Gen Z’ અને ‘મિલેનિયલ્સ’ બંને જનરેશનને કનેક્ટ કરશે.

Image Gallery