ઈન્દોરની સોનમ બાદ હવે ગંગાનગરની અંજુ:બોયફ્રેન્ડ સાથે મળી પતિની હત્યા કરી, ફરવાના બહાને લઈ ગઈ ને પરિવારને લુંટની કહાની જણાવી; પોલીસની શંકાએ ભાંડો ફોડ્યો
રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેણે સંબંધોને શરમજનક બનાવી દીધા છે. તેને ઇન્દોરનો ચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસની જેમ ‘હનીમૂન હત્યા’ તરીકે વર્ણવવામાં આવી રહી છે. અહીં, એક દુલ્હન, તેના પ્રેમી સાથે મળીને, લગ્નના ત્રણ મહિના પછી જ તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી અને તેને અકસ્માત-લુંટમાં મોત થયું હોવાની ઘટનામાં ફેરવવાનો પ્રયાસ કર્યો.
શ્રીગંગાનગરમાં પ્રેમી દ્વારા પતિની હત્યા કરનાર યુવતી લગભગ 7 વર્ષથી બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતી. તેના અફેરની જાણકારી પરિવારજનોને પણ હતી. ત્રણ મહિના પહેલાં અંજુ ઉર્ફે અંજલિ (23) ના લગ્ન આશિષ કુમાર (27) સાથે થયા હતા.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે લગ્ન પછી અંજલિએ બોયફ્રેન્ડ સંજય ઉર્ફે સંજુ (25) ને મળવા માટે શ્રીગંગાનગરમાં આગળના અભ્યાસનું બહાનું કરીને ત્યાં જવા માટે આશિષને જણાવ્યું હતું. પરંતુ, આશિષે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતથી અંજલિ નારાજ હતી. તેણે આ વાત સંજયને પણ જણાવી હતી.
આશિષની હત્યાના 16 દિવસ પહેલાં અંજલિ પિયર ગઈ હતી. ત્યાં તેણે બોયફ્રેન્ડ સંજય સાથે મળીને આશિષની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
પિયરથી સાસરે પાછા ફર્યા પછી 30 જાન્યુઆરીએ અંજલિ ફરવાના બહાને આશિષને બહાર લઈ ગઈ હતી. ત્યાં રસ્તા પર એક નિર્જન જગ્યાએ પહેલાથી હાજર સંજય અને તેના બે સાથીઓએ આશિષના માથા પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ પછી પણ આશિષ ન મર્યો તો મફલરથી તેનું ગળું દબાવી દેવામાં આવ્યું.
આ ઘટના 30 જાન્યુઆરીના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. આશિષ અને તેની પત્ની અંજુ રાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુપગઢ રોડ પર રસ્તાની બાજુમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા પછી, ડોક્ટરોએ આશિષને મૃત જાહેર કર્યો. પત્ની અંજુએ પોલીસને જણાવ્યું કે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી અને તેમના સોનાના દાગીના લૂંટી લીધા.
ગંગાનગરના એસપી અમૃતુ દુહાને જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દરમિયાન જ પોલીસને શંકા ગઈ હતી. સ્થળનું નિરીક્ષણ અને એફએસએલ ટીમ દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ સામાન્ય રોડ અકસ્માત કે લુંટની ઘટના નથી.
મેડિકલ રિપોર્ટ અને ફોન રેકોર્ડ્સે રહસ્ય ખોલ્યું
પોલીસે દુલ્હનની કહાનીમાં બે મુખ્ય તફાવત શોધી કાઢ્યા. આશિષનું મૃત્યુ માર્ગ અકસ્માત-લુંટ તરીકે નોંધાયું હતું, પરંતુ મેડિકલ રિપોર્ટમાં ક્રૂર મારપીટ અને સૌથી અગત્યનું, ગળું દબાવવાના નિશાન મળી આવ્યા હતા.
પતિએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે તેની સાથે હાજર તેની પત્ની અંજુને શરીર પર એક પણ ઉજરડા વગર બચી ગઈ. અંજુના મોબાઇલ ફોન રેકોર્ડ પરથી જાણવા મળ્યું કે તે તેના ભૂતપૂર્વ પ્રેમી સંજુ સાથે સતત સંપર્કમાં હતી, જે સાદુલશહેરનો રહેવાસી હતો.
પત્ની 2 દિવસના રિમાન્ડ પર
એસપી અમૃતા દુહને જણાવ્યું કે, 30 જાન્યુઆરીની રાત્રે શ્રીગંગાનગરના રાવલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ 01 કેએલએમમાંથી પસાર થતા રોડ પર આશિષ પુત્ર રામરત્નની હત્યા થઈ હતી. પોલીસે મંગળવારે પત્ની અંજલિ, તેના પ્રેમી સંજય નિવાસી જગદંબા કોલોની (શ્રીગંગાનગર), રોહિત ઉર્ફે રોકી (20) રહેવાસી સાદુલશહેર અને બાદલ ઉર્ફે સિદ્ધાર્થ (20) રહેવાસી જગદંબા કોલોનીની ધરપકડ કરી. આ મામલે તપાસ ચાલુ છે.
અનૂપગઢના સીઓ પ્રશાંત કૌશિકે જણાવ્યું કે, આરોપી યુવકોને 5 દિવસની રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. યુવતીને 2 દિવસની રિમાન્ડ પર લેવામાં આવી છે. પૂછપરછમાં જે પણ સામે આવશે, તેનો ખુલાસો ટૂંક સમયમાં કરવામાં આવશે.
પરિવારજનોને અફેરની જાણ હતી
પૂછપરછમાં સામે આવ્યું કે- સાદુલશહેરની રહેવાસી અંજલિ છેલ્લા 6-7 વર્ષથી બોયફ્રેન્ડ સંજય સાથે રિલેશનશિપમાં હતી. સંજય, અંજલિના સગામાં જ છે. અંજલિ બીએ પાસ હતી. સંજયે પણ બીએ કર્યું છે. લગ્ન પહેલાં અંજલિ અને સંજય શ્રીગંગાનગરમાં એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી ગઈ અને રિલેશનશિપમાં આવી ગયા. બંને મળતા-ફરતા રહેતા હતા. આ વાતની જાણ અંજલિના પરિવારજનોને પણ હતી.
30 ઓક્ટોબર 2025ના રોજ અંજલિના પરિવારજનોએ તેના લગ્ન રાવલાના રહેવાસી આશિષ સાથે કરાવી દીધા. આશિષે બીએસસી કર્યું હતું. સાદુલશહેરથી રાવલાનું અંતર 225 કિલોમીટર છે. આ લગ્નથી અંજલિ પણ ખુશ નહોતી અને સંજય પણ પરેશાન રહેતો હતો. કારણ કે લગ્ન પછી બંનેનું મળવાનું થતું ન હતું.
અભ્યાસના બહાને શ્રીગંગાનગર જવા માંગતી હતી
આ દરમિયાન અંજલિએ શ્રીગંગાનગરમાં એમએનો અભ્યાસ કરવાનું બહાનું બનાવ્યું. આ અંગે તેણે પતિ આશિષ સાથે વાત કરી. અંજલિએ શ્રીગંગાનગર જઈને અભ્યાસ કરવા વિશે આશિષને ઘણી વાર વિનંતી કરી. પરંતુ આશિષે અંજલિની એક પણ વાત ન સાંભળી અને શ્રીગંગાનગરમાં રહેવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. આનાથી અંજલિ નારાજ થઈ ગઈ. અંજલિ સંજય સાથે ફોન પર વાત કરતી રહેતી હતી. આ દરમિયાન અંજલિએ આશિષે શ્રીગંગાનગરમાં અભ્યાસ માટે ના પાડી હોવાની વાત સંજયને કહી હતી.
અંજલી પિયર જવાના બહાને સંજયને મળતી હતી. આશિષની હત્યાના લગભગ 16 દિવસ પહેલા તે પિયર ગઈ હતી. આ દરમિયાન અંજલીએ સંજય સાથે મળીને આશિષને જાનથી મારી નાખવાનો પ્લાન ઘડ્યો. આશિષે હત્યાના ત્રણ દિવસ પહેલા જ એક પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષકના પદ પર નોકરી જોઈન કરી હતી.
ન મર્યો તો ગળું દબાવ્યું
આશિષ કુમારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર મેડિકલ ઓફિસર ડો. રાકેશ ગહન દ્વારા રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. ડો. રાકેશે જણાવ્યું કે આશિષના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાના નિશાન છે. સતત હુમલા કર્યા પછી પણ આશિષના શ્વાસ ચાલુ હતા, ત્યારે તેનું ગળું દબાવવામાં આવ્યું. ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું. ગળા પર મળેલા નિશાન તેની પુષ્ટિ કરે છે
પિયરથી પાછી ફરી અને ફરવાના બહાને લઈ ગઈ
અંજલી પિયરથી સાસરે પાછી ફરી. 30 જાન્યુઆરીની રાત્રે રોજની જેમ ડિનર કર્યા પછી ફરવાના બહાને આશિષને રસ્તા પર એક નિર્જન જગ્યાએ લઈ ગઈ. તેણે પ્રેમી સંજયને ફોન કરીને બોલાવી લીધો હતો. સંજય તેના સાથીઓ રોહિત અને સિદ્ધાર્થને સાથે લઈને આશિષના ઘરથી 200 મીટર દૂર ગામ તરફ જતા રસ્તા પર પહોંચ્યો અને ઝાડીઓમાં છુપાઈ ગયો. જ્યારે અંજલી પતિ આશિષને લઈને ત્યાં પહોંચી, ત્યારે અંજલીના ઈશારે આરોપીઓએ આશિષ પર લાકડીઓ વડે ઉપરાછાપરી હુમલા કર્યા. તેને ઢાળી દીધો.
બોયફ્રેન્ડ અને સાથીઓને ભગાડ્યા
આ પછી મફલરથી આશિષનું ગળું દબાવી દીધું, જેના કારણે આશિષનું મૃત્યુ થયું. હત્યા બાદ અંજલિએ આશિષનો મોબાઈલ અને પોતાના કાનના ઝુમકા આરોપીઓને આપીને તેમને ઘટનાસ્થળેથી ભગાડી દીધા, જેથી ઘટનાને લૂંટ કે અકસ્માતનું સ્વરૂપ આપી શકાય. પોલીસને અંજલિ પણ બેભાન અવસ્થામાં મળી હતી. પોલીસ બંનેને રાવલા સીએચસી લઈ ગઈ, જ્યાં ડોકટરોએ આશિષને મૃત જાહેર કર્યો.
ચારેય આરોપીઓની ધરપકડ
પોલીસે ઝડપી કાર્યવાહી કરતા મુખ્ય આરોપી, પત્ની અંજુ, તેના પ્રેમી સંજુ અને સાથીદારો રોકી ઉર્ફે રોહિત અને બાદલ ઉર્ફે સિદ્ધાર્થની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન, અંજુ પોતાનું નિવેદન બદલતી રહી, પરંતુ ટેકનિકલ પુરાવા સામે તેની એક પણ વાત ચાલી નહીં.
શ્રીગંગાનગરમાં યુવકની હત્યા લવ અફેરના કારણે પત્નીએ પ્રેમી પાસે કરાવી હતી. પ્રેમી અને તેના સાથીઓએ યુવકને રસ્તાની વચ્ચે લાકડીઓ અને ડંડા વડે માર માર્યો હતો. ત્યારબાદ મફલર વડે ગળું દબાવી દીધું. યુવકનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તેની બાજુમાં જ પત્ની બેભાન અવસ્થામાં પડી હતી. પોલીસે ઘટનાના ત્રણ દિવસ બાદ મંગળવારે પત્ની-પ્રેમી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.