ઈલોન મસ્કનો પ્લાન ચેન્જ, મંગળથી પહેલા ચંદ્ર પર વસાવશે શહેર, ડેડલાઈન પણ જણાવી
Elon Musk News : જેફ બેઝોસને પાછળ છોડી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનેલા ઈલોન મસ્ક હવે અંતરિક્ષ વિજ્ઞાનમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) એ તેના 'માર્સ મિશન' પહેલા હવે ચંદ્ર પર માનવ વસવાટ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેની ડેડલાઇન પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે ચંદ્ર પર વસાહત ઊભી કરવાનું લક્ષ્ય 10 વર્ષમાં પૂરું કરી શકાય તેમ છે. આ સાથે ઈલોન મસ્કની કંપની માર્ચ 2027 સુધીમાં ચંદ્ર પર એક અનક્રૂડ લેન્ડિંગનું લક્ષ્ય ધરાવે છે.
ચંદ્ર પર જ કેમ પહેલા વસવાટ?
ઈલોન મસ્કે 'X' (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે પૃથ્વીથી ચંદ્રનું અંતર ઓછું હોવાથી ત્યાં બેઝ બનાવવો વધુ સરળ અને ઝડપી રહેશે. ચંદ્ર પર પહોંચતા માત્ર 3 દિવસ લાગે છે, જ્યારે મંગળ સુધી પહોંચવામાં 6 થી 9 મહિનાનો સમય લાગે છે. ચંદ્ર પર બરફ મળવાની સંભાવના છે, જેમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન (ઈંધણ) મેળવી શકાશે. આ ઉપરાંત, ચંદ્રના સાઉથ પોલ પર સૌર ઉર્જા મેળવવી પણ સરળ છે.
કેવું હશે ચંદ્ર પરનું શહેર?
મસ્કની યોજના મુજબ, શરૂઆતમાં 'સ્ટારશિપ' રોકેટનો જ રહેણાંક (Habitat) તરીકે ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ કાર્ગો મિશન દ્વારા સામગ્રી પહોંચાડીને 3D પ્રિન્ટિંગ અને રોબોટ્સની મદદથી બેઝનો વિસ્તાર કરવામાં આવશે. આ શહેર 'સેલ્ફ-સસ્ટેનિંગ' હશે, એટલે કે તે પોતાની જરૂરિયાતો જાતે જ પૂરી કરશે. મંગળની તુલનામાં ચંદ્ર પર રેડિયેશન અને ડસ્ટ સ્ટોર્મ જેવી પડકારો ઓછા હોવાથી આ પ્રોજેક્ટ વધુ સફળ રહેવાની આશા છે.
મંગળ મિશનનું શું થશે?
મસ્કે સ્પષ્ટ કર્યું છે કે મંગળ પર શહેર બનાવવાની કોશિશ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેની શરૂઆત હવેથી 5 થી 7 વર્ષ પછી કરવામાં આવશે. મંગળ પર વસાહત સ્થાપવામાં 20 વર્ષથી વધુ સમય લાગી શકે છે. નાસાના આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ પણ સ્પેસએક્સ ચંદ્ર પર એસ્ટ્રોનોટ્સ ઉતારવા માટે કરારબદ્ધ છે. મસ્કનો અંતિમ લક્ષ્ય માનવતાને 'મલ્ટી-પ્લેનેટરી સ્પીસીઝ' બનાવીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો છે.