અભિષેક બાદ ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ઈન્જર્ડ, બુમરાહના યોર્કરથી તરફડી ખાતો પડ્યો
T20 Indian Team : ભારતીય ટીમ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની તેની બીજી લીગ મેચ માટે તૈયારી કરી રહી હતી. સાંજે 6 વાગ્યાની આસપાસ ભારતીય ખેલાડીઓ નેટ્સમાં ઉતર્યા હતા. હંમેશની જેમ ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ પહેલા બેટિંગ કરવાની હતી. જેમાં ઈશાન કિશન સૌથી પહેલા નેટ્સમાં જોવા મળ્યો હતો.
બુમરાહના બોલે કિશન બોલ્ડ
અભ્યાસ દરમિયાન ઈશાન શાનદાર ફોર્મમાં જણાતો હતો, પરંતુ ત્યારબાદ જસપ્રીત બુમરાહના એક 'લેઝર ગાઈડેડ મિસાઈલ' જેવા યોર્કરે ઈશાન કિશનને ઇજાગ્રસ્ત કર્યો હતો. બુમરાહનો યોર્કર ઈશાનના ડાબા પગમાં વાગ્યો અને તે ફસડાઇ પડ્યો હતો. તત્કાલ તેણે નેટ્સમાં બેટ છોડી અને પેડ ઉતારીને જમીન પર બેસી ગયો હતો. જોકે, ફિઝિયોએ તરત જ તેની તપાસ કરી અને થોડી વાર પછી તે પોતાના પગ પર લંગડાતો જોવા મળ્યો હતો.