ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત
Western Disturbance Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લીધે અમદાવાદમાં મિશ્ર ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ડબલ સીઝનનો માહોલ
અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં સતત સર્જાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ત્યાં વરસાદ અને હિમવર્ષા થાય છે, જેના પરિણામે ફૂંકાતા ઠંડા પવનોની અસર છેક ગુજરાત સુધી જોવા મળે છે.
મિશ્ર ઋતુનો અનુભવ
રાત્રિ દરમિયાન ઉત્તર તરફથી ફૂંકાતા પવનોને લીધે ઠંડી અને દિવસે તેજ સૂર્યપ્રકાશ તથા સૂકી હવાને કારણે ગરમીનો અનુભવ થાય છે. આ પલટાતા હવામાનને લીધે દિવસ અને રાત્રિના તાપમાનમાં 15થી 17 ડિગ્રી જેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
જોકે, સત્તાવાર રીતે હજુ શિયાળો પૂર્ણ થયો નથી અને ઉનાળાનું આગમન થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગના મતે, આગામી 20 ફેબ્રુઆરી બાદ ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે.