દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લામાં બોમ્બબ્લાસ્ટની ધમકી:ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઇ-મેલ; સવારે આર્મી-એરફોર્સ સ્કૂલને ધમકી મળી હતી
દિલ્હી વિધાનસભા ભવન અને લાલ કિલ્લાને બોમ્બબ્લાસ્ટમાં ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે ખાલિસ્તાની ગ્રુપ દ્વારા ધમકીનો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ, વિધાનસભા ભવનની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ-સ્કવોડ અને ડોગ-સ્કવોડ તપાસમાં લાગી ગઈ છે. હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
એે જ સમયે, લાલ કિલ્લાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ પહેલાં દિલ્હી સ્થિત ધૌલા કુંઆના આર્મી પબ્લિક સ્કૂલ અને લોધી રોડના એરફોર્સ બાલ ભારતી સ્કૂલને ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, બોમ્બ-સ્કવોડ, ડોગ-સ્કવોડ અને દિલ્હી ફાયર સર્વિસની ટીમો સ્કૂલમાં પહોંચી આખો કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો, જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
19 ફેબ્રુઆરી: નોઈડાની 12 શાળાને મળ્યો ધમકીનો ઈ-મેલ નોઈડાની 12 શાળાને 19 ફેબ્રુઆરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ આવ્યો હતો. તપાસ કરતાં કોઈપણ પ્રકારનો વિસ્ફોટક મળ્યો નહોતો. આ ધમકી એવા સમયે મળી, જ્યારે શાળાઓમાં CBSEની પરીક્ષાઓ ચાલી રહી હતી.
19 ફેબ્રુઆરી: રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચને 9મી ધમકી
રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચને 19 ફેબ્રુઆરીના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ છેલ્લા સાડાત્રણ મહિનામાં જયપુર બેન્ચને 9મી વખત આપવામાં આવેલી બોમ્બની ધમકી હતી. ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ અને પોલીસ ટીમે સમગ્ર પરિસરની તલાશી લીધી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. અફરાતફરીના કારણે નિયમિત સુનાવણી લગભગ અડધો કલાક મોડી શરૂ થઈ હતી.
17 ફેબ્રુઆરી: ગુજરાતની 6 અદાલતોને બોમ્બની ધમકી ગુજરાતની 6 અદાલતને 17 ફેબ્રુઆરીના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, વલસાડ સહિત 6 જિલ્લા અદાલતોને ઈ-મેલ આવ્યા હતા. તમામ કોર્ટના કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યા હતા, પરંતુ પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
9 ફેબ્રુઆરી: હરિયાણાના પંચકુલા કોર્ટના સેશન જજને મળ્યો ઈ-મેલ હરિયાણાના પંચકુલા કોર્ટના સેશન જજને ઈમેલ દ્વારા ધમકી મળી હતી. 9 ફેબ્રુઆરીના રોજ આવેલા આ ઈ-મેલમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત લખેલી હતી. ત્યાર બાદ કોર્ટમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્ટને ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી.
ધમકી બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પણ ખાલી કરાવવામાં આવી હતી. તલાશી લેતાં પોલીસની ટીમ અને ડોગ-સ્ક્વોડને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.