કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આજે જૂનાગઢ કોર્ટમાં નિર્ણય:રિમાન્ડ પહેલાં અને પછી ફરજિયાત મેડિકલ ચેકઅપ, આરોપીનાં હિતોનું રક્ષણ કરવા કોર્ટનો પોલીસને સ્પષ્ટ આદેશઃ વકીલ
સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી યુ ટ્યૂબર કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં ટૂંકા ગાળામાં તેની સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોને પગલે પોલીસ હરકતમાં આવી હતી. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડથી બચવા માટે કીર્તિ પટેલે ઉદયપુરમાં આશરો લીધો હતો અને ત્યાંથી તે સતત પોલીસની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.
આજે (23 ફેબ્રુઆરી) સાંજના કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાશે. અહીં મૃગીકુંડમાં સ્નાન કરવા અને PSI સામેના વર્તનના કેસ મામલે કોર્ટ દ્વારા નિર્ણય લેવાશે. ધરપકડ બાદ બે વખત કીર્તિનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, હવે સાંજના પણ મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂ કરાશે.
રિમાન્ડ પહેલાં અને પછી ફરજિયાત મેડિકલ ચેકઅપ સુરેશ પરમારે કોર્ટને વિનંતી કરી હતી કે આરોપીના માનવીય હકોનું રક્ષણ થાય એ જરૂરી છે. પરિણામે, નામદાર અદાલતે કીર્તિ પટેલના રિમાન્ડ આજે સાંજે 4:30 વાગ્યા સુધી જ મંજૂર કર્યા હતા અને પોલીસને કડક સૂચના આપી હતી કે રિમાન્ડ પહેલાં અને પછી ફરજિયાત મેડિકલ ચેકઅપ કરાવવું અને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપી હજુ પણ ફરાર કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ તેના પર 20 લાખ રૂપિયાની ખંડણી માગવા, હનીટ્રેપ જેવા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આરોપો છે. આ કેસમાં એક યુવકે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ હાલમાં કીર્તિ પટેલે ફરાર થવા માટે ઉપયોગમાં લીધેલી કારનો કબજો લેવાની પ્રક્રિયા કરી રહી છે. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપી હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. રિમાન્ડ દરમિયાન પોલીસે કીર્તિ પટેલની સઘન પૂછપરછ કરી છે કે તેને ઉદયપુરમાં કોણે આશ્રય આપ્યો હતો અને આ ગુનાહિત કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે.
આ કેસમાં પોલીસની તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ આજે સાંજે 4:30 વાગ્યે રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં કીર્તિ પટેલને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ તેના વિરુદ્ધ નોંધાયેલા અન્ય બે કેસોમાં પણ પોલીસ તેની અટકાયત કરી શકે છે. એડવોકેટ સુરેશ પરમારે ખાતરી આપી છે કે તેઓ કાયદાકીય મર્યાદામાં રહીને ન્યાયિક પ્રક્રિયામાં સહકાર આપશે અને આરોપીનાં હિતોનું રક્ષણ કરશે. જૂનાગઢ પોલીસ આ કેસમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.