અમદાવાદમાં ઈન્ડિયાની હાર પાછળ કોણ જવાબદાર?:હોમગ્રાઉન્ડ પર અક્ષરની જગ્યાએ સુંદરને તક આપવી ભારે પડી; આફ્રિકા સામેના પરાજયમાં ખરાબ રેકોર્ડ્સ પણ નોંધાવ્યા
અમદાવાદમાં ભારત 2023 પછી પહેલીવાર કોઈ ICC ઇવેન્ટમાં મેચ હારી ગયું. T20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 76 રનથી હરાવીને તેની 12 મેચની જીતની સિરીઝ પર બ્રેક લગાવી દીધી. આ હાર રનના હિસાબે T20 ઇન્ટરનેશનલમાં ભારતની બીજી સૌથી મોટી હાર પણ છે.
શરૂઆતમાં સાઉથ આફ્રિકાની ત્રણ વિકેટ ઝડપથી પાડીને મેચ પર પકડ મજબૂત કર્યા પછી, ઈન્ડિયન બોલર્સ તે દબાણને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા. બુમરાહ અને અર્શદીપ સિવાય કોઈ બોલર ચાલ્યો નહીં. બીજી તરફ, ભારતીય બેટર્સના 'ઇન્ટેન્ટ' અને પીચને સમજ્યા વગર મોટા શોટ રમવાની જીદે ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી. ઓપનિંગ જોડીનું સતત ફ્લોપ થવું અને હોમગ્રાઉન્ડ પર ઇનફોર્મ અક્ષર પટેલને ટીમમાંથી બહાર રાખવો ભારે પડ્યું.
ઈન્ડિયન બોલર્સ પ્રેશરને જાળવી ન શક્યા
સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી. ટીમે 20 રન પર પોતાની ટૉપ-3 વિકેટ ગુમાવી દીધી હતી. ક્વિન્ટન ડી કોક 6, એડન માર્કરમ 4 અને રિયાન રિકેલ્ટન 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પાવરપ્લેમાં ટીમનો સ્કોર 41/3 હતો. અહીંથી ડેવિડ મિલરે ડેવાલ્ડ બ્રેવિસ સાથે મળીને માત્ર 50 બોલમાં 97 રન જોડ્યા અને રન રેટને લગભગ 10 રન પ્રતિ ઓવર સુધી પહોંચાડી દીધો. આ ભાગીદારીના જોરે સાઉથ આફ્રિકાએ ભારતને 188 રનનો ટાર્ગેટ આપ્યો.
સ્પિનર્સનો ફ્લોપ શો
આ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતીય સ્પિનર્સને ટાર્ગેટ કર્યા. ઈન્ડિયન ટીમનો ટ્રમ્પ કાર્ડ રહેલો વરુણ ચક્રવર્તી મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 47 રન આપી દીધા. જ્યારે સુંદરને 2 ઓવરમાં 17 રન પડ્યા. સ્પિનર્સના ખાતામાં માત્ર 1 વિકેટ જ આવી.
હાર્દિકની છેલ્લી ઓવર મોંઘી સાબિત થઈ
હાર્દિકે છેલ્લી ઓવરમાં 20 રન લુંટાવી દીધા. એક સમયે લાગતું હતું કે ભારત સાઉથ આફ્રિકાને 175ની અંદર રોકી દેશે. પરંતુ હાર્દિકની આ ઓવરથી ટાર્ગેટ 188 પહોંચી ગયો. આ કારણે ભારતીય બેટર્સ પર માનસિક દબાણ બનાવ્યું.
અભિષેક ફરી ફ્લોપ, ઓપનર્સ નિષ્ફળ
ભારતીય ટીમના બેટર્સ ફેઇલ રહ્યા. સતત ચોથી મેચમાં ટીમનો કોઈ ઓપનર ઝીરો પર આઉટ થયો. આ વખતે ઈશાન કિશન ખાતું ખોલાવી શક્યો નહીં. તેના પછી તિલક વર્મા એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ પાંચમી ઓવરના ત્રીજા બોલ પર અભિષેક શર્મા 15 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ (18 રન) અને વોશિંગ્ટન સુંદર (11 રન) પણ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં.
બેટર્સ ઇન્ટેન્ટ પર સવાલ
ભારતનો દરેક બેટર પહેલા જ બોલથી છગ્ગો ફટકારવાની ફિરાકમાં દેખાયો. કોઈએ એવી તસ્દી ન લીધી કે જરા પીચને પણ સમજવામાં આવે. અભિષેકના બેટમાં બોલ આવતો નહોતો, તેથી તેણે પોતાને ટાઇમ આપવો જોઈતો હતો અને પાર્ટનરશીપ કરવી જોઈતી હતી તથા સિંગલ-ડબલ પર ફોકસ કરવું હતું. પરંતુ તે દરેક બોલને મોટા શોટમાં રમવા માગતો હતો. પરિણામ શું આવ્યું..? તે પોતાની વિકેટ આપી બેઠો. આ જ હાલ ઈશાન, તિલક અને સુંદરના પણ રહ્યા.
એક પણ ફિફ્ટી પાર્ટનરશિપ નહીં
ભારત 3 વિકેટ વહેલી ગુમાવ્યા બાદ જ બેકફૂટ પર આવી ગયું હતું. ત્યારબાદ એક પણ 50 રનની ભાગીદારી થઈ શકી નહીં. ભારતે મિડલ ઓવર્સમાં (7 થી 15 વચ્ચે) માત્ર 57 રન બનાવ્યા અને 5 વિકેટ ગુમાવી દીધી. 15મી ઓવરમાં કેશવ મહારાજે એક જ ઓવરમાં હાર્દિક, રિંકુ અને અર્શદીપને આઉટ કરીને ભારતની હાર નક્કી કરી દીધી હતી.
હોમગ્રાઉન્ડ પર અક્ષરને ન રમાડવા પર સવાલ, સુંદર નિષ્ફળ ગયો
ભારતે આ મેચમાં વાઇસ કેપ્ટન અક્ષરની જગ્યાએ સુંદરને તક આપી હતી. પરંતુ તે બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ રહ્યો. જ્યારે અક્ષર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં પ્રભાવશાળી દેખાય છે. સુંદર પાસે માત્ર 2 ઓવરની બોલિંગ કરાવવામાં આવી. તેથી આ પ્રયોગ પણ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો.
1. ભારતની ટુર્નામેન્ટમાં સૌથી મોટા અંતરે હાર
T20 વર્લ્ડ કપમાં ભારતને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા 2010માં ઓસ્ટ્રેલિયા (49 રન) અને 2016માં ન્યૂઝીલેન્ડ (47 રન)એ ભારતને મોટા અંતરથી હરાવ્યું હતું. આ ભારતની T20 ઈન્ટરનેશનલમાં બીજી સૌથી મોટી હાર પણ છે. સૌથી મોટી હાર 80 રનથી ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન 2019માં થઈ હતી.
2. ભારતનો T20 વર્લ્ડ કપમાં ત્રીજો લોએસ્ટ સ્કોર
સાઉથ આફ્રિકા સામે 111 રન પર ઓલઆઉટ થવું એ ભારતનો T20 વર્લ્ડ કપ ઇતિહાસનો ત્રીજો લોએસ્ટ સ્કોર છે. સૌથી ઓછો સ્કોર 79 (ન્યૂઝીલેન્ડ, 2016) છે, જ્યારે 2021માં દુબઈમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને 110/7 સુધી રોક્યું હતું.
3. ભારત 2023 પછી પહેલીવાર ICC ઇવેન્ટમાં હાર્યું
2023 વન-ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારત ICC ટુર્નામેન્ટમાં 18 મેચ સુધી અજેય રહ્યું હતું. આ શાનદાર સિલસિલો અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે મળેલી હાર સાથે તૂટી ગયો.
તો, મલ્ટી-નેશન T20 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની વાત કરીએ તો ભારત 2022 T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ પહેલીવાર હાર્યું. આ દરમિયાન ટીમે 23 મેચ રમી, જેમાં 21 જીત્યા (એક જીત સુપર ઓવરમાં), 1 મેચ હાર્યું અને 1 અનિર્ણિત રહી.
આ ઉપરાંત, T20 વર્લ્ડ કપમાં પણ ભારતનો સતત જીતનો ક્રમ તૂટ્યો. ટીમને 12 સતત મેચ જીત્યા બાદ હારનો સામનો કરવો પડ્યો.
4. મિલરે ભારત સામે સૌથી વધુ સિક્સર ફટકારી
ડેવિડ મિલર ભારત સામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો છે. તેણે 26 ઇનિંગ્સમાં 39 છગ્ગા ફટકારીને ગ્લેન મેક્સવેલ (38)ને પાછળ છોડી દીધો. નિકોલસ પૂરન 35 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.
5. મિલરે 26 બોલમાં ફિફ્ટી ફટકારી
ડેવિડ મિલરે 26 બોલમાં અડધી સદી ફટકારીને ભારત સામે ચોથી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. જોકે, તેની પહેલા લિટન દાસ (21), હેનરિક ક્લાસેન (23) અને ટ્રેવિસ હેડ (24) ઝડપી ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે આ પહેલાની ત્રણેય મેચમાં ભારતે જીત મેળવી હતી, પરંતુ મિલરની ફિફ્ટીવાળી મેચ ભારત હારી ગયું.
6. બુમરાહ T20 વર્લ્ડ કપમાં ભારત માટે હાઇએસ્ટ વિકેટ ટેકર બોલર
જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે 33 વિકેટ લઈને અર્શદીપ સિંહ અને રવિચંદ્રન અશ્વિન (32-32 વિકેટ)ને પાછળ છોડ્યા. હાર્દિક પંડ્યા 29 વિકેટ સાથે ચોથા અને રવીન્દ્ર જાડેજા 22 વિકેટ સાથે પાંચમા સ્થાને છે.
7. વરુણે સૌથી વધુ વખત સતત મેચમાં વિકેટ લીધી
વરુણ ચક્રવર્તીએ T20 ઇન્ટરનેશનલમાં સતત 18 ઇનિંગ્સમાં વિકેટ લઈને ભારત માટે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે અર્શદીપ સિંહ (17)નો રેકોર્ડ તોડ્યો. આ યાદીમાં આશિષ નેહરા (13), વોશિંગ્ટન સુંદર (11) પણ સામેલ છે. એટલે કે, સતત મેચમાં વિકેટ લેવાના મામલે વરુણ હવે ભારતના નંબર-1 બોલર બની ગયો છે.