Loading...

17 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી:હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું; ભરૂચ-ગાંધીનગર બાદ અમદાવાદમાં વરસાદી ઝાપટાં

20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ આજે (23 ફેબ્રુઆરી) વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. એ બાદ ગાંધીનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, ડાંગ, તાપી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ખેડા, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં આગમી 3 કલાક એટલે કે 7 વાગ્યા સુધી યલો એલર્ટ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાંની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું થઇ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે આગામી 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે, જોકે તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે. આમ, લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે. મહત્ત્વનું છે કે આજે અમદાવાદના દરેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

તાપમાનમાં કોઈ મોટો ઉછાળો નહિ જોવા મળે રાજ્યનાં મુખ્ય શહેરોની વાત કરીએ તો… અમદાવાદમાં હાલમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં 33થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે.

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ થઈ શકે છે હાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. રાજ્યમાં હવે શિયાળાની જમાવટ ધીમે-ધીમે શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તાપમાનમાં ક્રમશઃ ઘટાડો અને ઉત્તરીય પવનોની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ જોવા મળશે.