બિલ્ડર ઘેલાણીની 'મહિલામિત્ર'એ સ્કૂલ વહીવટમાં મોટો ખેલ પાડ્યો:બ્લૂ પેપિલોનમાંથી પરિવાર સાથે મળી 2.24 કરોડ લઈ લીધા, હાજર ન થતાં પૂનમની બહેનની શંકાસ્પદ ભૂમિકા?
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં તેની મહિલામિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયા બાદ હાલ જેલ હવાલે છે, ત્યારે આ કેસમાં ACP ઝેડ.આર. દેસાઈએ તપાસના મહત્વના પાસાઓ જાહેર કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ પરિવાર સાથે મળી "BLUE PAPILLON" સ્કૂલમાંથી અલગ અલગ રીતે કુલ 2.24 કરોડ રૂપિયા મેળવ્યા છે. આ દરમિયાન ગુરૂવારે પૂનમ ભદોરિયાની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
સ્કૂલના નફા અને પગારના નામે કરોડોનો વહીવટ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી પૂનમ ભદોરિયાએ વર્ષ 2018થી 2025 દરમિયાન "BLUE PAPILLON" સ્કૂલમાંથી માતબર રકમ મેળવી હતી. જેમાં પગાર પેટે 92.34 લાખ, નફા પેટે 57.84 લાખ અને મૂડીના વ્યાજ પેટે 38.16 લાખ મળી કુલ 1,88,35,680 રૂપિયા મેળવ્યા હોવાનું ડોક્યુમેન્ટ્સ પરથી સાબિત થઈ રહ્યું છે.
પરિવારના સભ્યોના નામે પણ લાખો રૂપિયા ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, માત્ર પૂનમ જ નહીં, પરંતુ તેના પરિવારના સભ્યોએ પણ આ સંસ્થામાંથી આર્થિક લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. પૂનમની બહેન પ્રિયા ચૌહાણે 14.95 લાખ પગાર પેટે મેળવ્યા છે. આ ઉપરાંત, પૂનમની માતા ઉર્મિલા અને પિતા બ્રિજમોહન ભદોરિયાએ પણ પગારના નામે અનુક્રમે 10.40 લાખ અને 10.40 લાખ મેળવ્યા છે. આમ, પૂનમના પરિવારના સભ્યોએ કુલ 35.75 લાખ સ્કૂલમાંથી મેળવ્યા હોવાની વિગતો સામે આવી છે.
ડુમસ ખેડૂત સાથેનો વ્યવહાર શંકાના દાયરામાં તપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી છે. ડુમસના એક ખેડૂત પાસેથી મૃતક તુષાર ઘેલાણીએ 11 લાખ લેવાના બાકી હતી. તુષારના કહેવાથી ખેડૂતે આ રકમનો ચેક પૂનમ ભદોરિયાના પિતા બ્રિજમોહનને આપ્યો હતો. આ રકમ બાબતે જ્યારે આરોપી પૂનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કોઈ યોગ્ય ખુલાસો કર્યો નથી. જે માટે પોલીસ તપાસનો વિષય બન્યો છે.