Loading...

પગાર વધારાની માગ સાથે L&Tના 5000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તોફાને ચડ્યા:હજીરામાં આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં 10 વાહનોમાં તોડફોડ, લાઠીચાર્જ અને 40 ટીયરગેસના શેલ છોડાયા

પાણીપતમાં એલએન્ડટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા એલએન્ડટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તોફાને ચડ્યા હતા.

હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલ એન્ડ ટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માગ સાથે હોબાળો શરૂ કર્યો હતો. શરૂઆતમાં કર્મચારી-કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો.

તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી. સ્થિતિ વિકટ બનતા જ સુરત પોલીસના ધાડેધાડા કંપની પર પહોંચ્યા હતા.

તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. હાલ પોલીસ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

પગાર વધારાની માંગને લઈ 5000 કર્મચારીઓ વિફર્યા કંપનીના નિર્માણધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી, જ્યારે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા. આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે.

પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્રમિકોનો ગુસ્સો એટલી હદે વકર્યો હતો કે તેઓએ કંપનીની મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની ત્રણ ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ ચાર જેટલા બાઈકને આગને હવાલે કરી દીધા હતા.

પ્લાન્ટના સુરક્ષા કવચ સમાન એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશ માટેના અત્યાધુનિક મશીનોને તોડીને કચડી નાખવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા 40થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ હિંસક તોડફોડ અને કાયદો-વ્યવસ્થાના ભંગ બદલ પોલીસે અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરી છે. હાલમાં પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવા માટે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.