'આજે જીવતા છોડ્યા, હવે નામ લેશો તો નહીં છોડીએ':અમદાવાદમાં પિતા-પુત્ર સહિત 3ને છરી, તલવાર મારી લોહીલુહાણ કર્યા, હુમલો કરી ચારેય શખસ બ્લેક સ્કોર્પિયોમાં ફરાર
અમદાવાદ શહેરમાં છરી, તલવાર અને લાકડાના દંડા જેવાં હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ હથિયારો વડે મારામારીના બનાવો બની રહ્યા છે. આવો જ એક બનાવ નરોડા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં નાના ચિલોડાના ન્યૂ શાહીબાગમાં આવેલી એક સોસાયટીમાં સોસાયટીના ચેરમેન અને તેના સહિત ચાર લોકોએ તલવાર અને પાઇપ વડે મારામારી કરી હતી. એમાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ફરિયાદી સોસાયટીના ચેરમેનના ઘરે વાતચીત કરવા ગયા હતા મળતી માહિતી મુજબ, નાના ચિલોડાના ન્યૂ શાહીબાગ વિસ્તારમાં આવેલી કેસર વાટિકા સોસાયટીમાં ચાર લોકોએ પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને માર માર્યો હતો. કેસર વાટિકા સોસાયટીમાં રહેતા રસિકભાઈ વિરાસની પત્ની જ્યારે સોસાયટીમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સોસાયટીના ચેરમેન દીપક ચૌહાણ તેમની સાથે સોસાયટી અને અન્ય બાબતે વાતચીત કરતા હતા. જેથી 27 ફેબ્રુઆરીના રોજ દીપક ચૌહાણ રસિકભાઈની પત્ની સાથે સોસાયટી બાબતે વાતચીત કરતા હતા, એ રાત્રે રસિકભાઈ અને તેમનો દીકરો આર્યન દીપકભાઈના ઘરે વાતચીત કરવા માટે ગયા હતા, પરંતુ તેઓ હાજર નહોતા.
હુમલાખોરે હાથમાંથી તલવાર લઈને આર્યનને મારી દીધી બાદમાં તેમના ઘરેથી નીકળીને રસિકભાઈ અને તેમનો પુત્ર આર્યન સોસાયટીમાં સિક્યોરિટી કેબિન પાસે ઊભા હતા. ત્યારે દીપકભાઈનો છોકરો જય અને તેમની સોસાયટીમાં રહેતા વિજયભાઈનો દીકરો તેમજ કેતન ત્યાં આવ્યા હતા. તમે કેમ દીપકભાઈ વિશે કહેવા આવ્યા હતા, એવું કહીને ગાળાગાળી શરૂ કરી હતી. એ બાદ રસિકભાઈ અને તેના દીકરા આર્યનને માર મારવા લાગ્યા હતા. ત્યારે વિજય ક્યાંકથી તલવાર લઈને આવ્યો હતો અને હાથ ઉપર મારી દીધી હતી. તેમનો દીકરો આર્યન છોડાવવા પડતા કેતને વિજયના હાથમાંથી તલવાર લઈને આર્યનને મારી દીધી હતી, જેથી તેને લોહી નીકળવા લાગ્યું હતું.
'આજે જીવતા છોડ્યા, હવે નામ લેશો તો જીવતા નહીં છોડીએ' મારામારી ચાલતી હતી ત્યારે બૂમાબૂમ થઈ હતી અને રસિકભાઈનો ભત્રીજો અનિલ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. પાઇપ લાવીને અનિલને પણ પાઇપ વડે માર માર્યો હતો. તલવાર અને લોખંડની પાઇપ બતાવી આજે તમને જીવતા છોડ્યા છે, હવે અમારું નામ દેશો તો જીવતા નહીં છોડીએ, કહી ત્યાંથી ચારેય જતા રહ્યા હતા. ઘટના દરમિયાન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા. જ્યારે આ હુમલામાં ત્રણને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં નરોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મિત્રની માથાકૂટ થતાં ફોન કરી ભુલાભાઈ પાર્ક બોલાવ્યો બીજી તરફ શહેરના કાંકરિયા જૂની પાયલોટ ડેરી રોડ ઉપર દીપક ઠાકોર તેના પરિવાર સાથે રહે છે અને નોકરી કરે છે. 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 7:30 વાગ્યે દીપક મણિનગર ગોરધનવાડી ટેકરા પાસે સત્કાર પાન પાર્લર પર બેઠો હતો. ત્યારે તેનો મિત્ર ચિંતન ઠાકોરનો ફોન આવ્યો હતો કે આપણા મિત્ર યશ ઠાકોરને કોઈ સાથે માથાકૂટ થઈ છે, જેથી ભુલાભાઈ પાર્ક પાસે આવેલા ઝુડિયો મોલ પાસે બોલાવ્યો છે. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે યશ, ચિરાગ અને ચિંતન હાજર હતા. યશ કોઈની સાથે બોલાચાલી કરતો હતો. થોડીવારમાં ત્યાં એક્ટિવા અને બાઈક ઉપર ચાર શખસ આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.
એક વ્યક્તિએ છરી કાઢી શરીરના અલગ અલગ ભાગે મારી દીધી ચારેય લોકોએ દીપકના ત્રણેય મિત્રને માર મારવાની શરૂઆત કરી હતી. મારામારી શરૂ થતાંની સાથે જ દીપકના ત્રણેય મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ દીપક ભાગવા જતાં એક વ્યક્તિએ તેને પકડી લીધો હતો. તેને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં એક વ્યક્તિએ છરી કાઢીને શરીરના અલગ અલગ ભાગે મારી દીધી હતી. જાહેરમાં રોડ પર આ રીતે મારામારીના બનાવો થતાં સ્થાનિક લોકો દોડ્યા હતા અને તેને છોડાવ્યો હતો. મારામારી કરનારા ચારેય શખસ ત્યાંથી ભાગી ગયા હતા અને યુવકને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેના અન્ય મિત્રો પણ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે જાહેરમાં મારામારી કરનારા ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે છરી, તલવાર, દંડા, લોખંડની પાઇપ વગેરે ઉપર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ દિન-પ્રતિદિન આવા બનાવો વધી રહ્યા છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહેરામપુરામાં તાજેતરમાં જ હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી એકવાર આ વિસ્તારમાં જાહેરમાં રોડ પર હથિયારો વડે મારામારીના બનાવો બન્યા છે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું તો બહાર પાડી દેવામાં આવે છે, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા એનો અમલ યોગ્ય રીતે કરાવી શકાતો નથી, જેના કારણે આવા બનાવો અટકી શક્યા નથી.