Loading...

બોડી શેમિંગ-રિજેક્શનને 'પેકઅપ' કહી સંઘર્ષને 'બ્રેક' આપ્યો!:લોકોનાં મેણાંથી કંટાળીને મૃણાલ ઠાકુરે આત્મહત્યાના વિચારો કર્યા; ટીવીની 'બુલબુલ'ની અનટોલ્ડ સ્ટોરી

ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધી પોતાની દમદાર એક્ટિંગ અને કાબેલિયતના જોરે એક અલગ ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર માટે આ સફર સરળ નહોતી. કરિયરના શરૂઆતના તબક્કામાં તેને નિરાશાજનક અને નકારાત્મક અનુભવોનો સામનો કરવો પડ્યો હતો.

તેના લુકને જોઈને કહેવામાં આવતું હતું કે તે હિરોઈન બની શકે નહીં. આવી કોમેન્ટ્સ સાંભળીને મૃણાલ ઘરે આવીને ખૂબ રડતી હતી. ઘણીવાર તો તેણે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું. આવા સમયે મૃણાલના ઘરના સભ્યોએ તેને ખૂબ સપોર્ટ આપ્યો.

એક્ટ્રેસે સખત મહેનત અને સમર્પણથી પોતાના સંઘર્ષનો સામનો કર્યો. તેની મહેનત રંગ લાવી અને આજે તે એક સફળ એક્ટ્રેસ છે.

જન્મ અને પારિવારિક પૃષ્ઠભૂમિ

મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992ના રોજ મહારાષ્ટ્રના ધુળેમાં થયો હતો. તેના પિતા ઉદય ઠાકુર બેંકમાં કાર્યરત હતા, જેમની નોકરી ટ્રાન્સફરેબલ હતી. પોસ્ટિંગના કારણે પરિવાર ધુળેથી મુંબઈ શિફ્ટ થયો. માતા વંદના ઠાકુર ગૃહિણી છે. પરિવારમાં તેમના એક મોટા ભાઈ ધવલ ઠાકુર અને એક મોટી બહેન લોચન ઠાકુર છે. બહેન મેકઅપ આર્ટિસ્ટ તરીકે જાણીતી છે, જ્યારે તેનો ભાઈ ધવલ ઠાકુર એન્જિનિયર છે અને એક્ટર તરીકે કામ કરે છે, ખાસ કરીને જિયો હોટસ્ટારની વેબસિરીઝ 'ઠુકરા કે મેરા પ્યાર'થી તેને ઓળખ મળી.

ધુળેથી મુંબઈ સુધીની સફર

પિતાની બેંક નોકરીને કારણે પરિવારે મુંબઈમાં કાયમી ધોરણે રહેવાનું શરૂ કર્યું. આ જ બદલાવ મૃણાલના જીવનનો મહત્ત્વનો વળાંક સાબિત થયો, કારણ કે આગળનો અભ્યાસ અને કારકિર્દીની દિશા મુંબઈથી જ નક્કી થઈ.

મુંબઈમાં અભ્યાસ અને કોલેજ લાઈફ

મૃણાલે પોતાનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં પૂરું કર્યું. ત્યાર બાદ તેમણે મુંબઈની KC કોલેજમાંથી માસ મીડિયામાં ગ્રેજ્યુએશન શરૂ કર્યું. જોકે એક્ટિંગમાં વધતી વ્યસ્તતાને કારણે તે પોતાની ડિગ્રી પૂરી કરી શકી નહીં. કોલેજ દરમિયાન જ તેમને ઓડિશન અને ટીવીની દુનિયાનો અનુભવ મળવા લાગ્યો હતો.

ડોક્ટર નહીં, જર્નલિસ્ટ બનવાનું સપનું

મૃણાલનાં માતા-પિતા ઈચ્છતાં હતાં કે તે ડેન્ટિસ્ટ બને. તેણે પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી, પરંતુ તેનું મન પત્રકારત્વ તરફ ઢળ્યું. મુંબઈ આતંકી હુમલાઓના રિપોર્ટિંગથી પ્રેરિત થઈને તે ક્રાઈમ રિપોર્ટર બનવા માગતી હતી. પિતાની પરવાનગીથી તેણે જર્નલિઝમમાં એડમિશન લીધું, પણ કિસ્મત તેને કેમેરા સામે લઈ આવી.

મજાકમાં આપ્યું ઓડિશન, મળી ગયો પહેલો બ્રેક

કોલેજ દરમિયાન મજાક-મજાકમાં આપેલા એક ઓડિશને મૃણાલની જિંદગી બદલી નાખી. તેને 2012માં સ્ટાર પ્લસના ટીવી શો ‘મુઝસે કુછ કહેતી... યે ખામોશિયાં’માં કામ કરવાનો મોકો મળ્યો. આ જ તેમનો પહેલો મોટો બ્રેક હતો, જેણે અભિનયના સફરની ઔપચારિક શરૂઆત કરી દીધી.

મરાઠી સિનેમાથી ફિલ્મી શરૂઆત

ટીવી પછી તેણે મરાઠી ફિલ્મો તરફ વળ્યા. તેની પહેલી મરાઠી ફિલ્મ ‘Hello Nandan’ હતી. આ ફિલ્મથી તેણે મોટા પડદા પર પગ મૂક્યો અને પ્રાદેશિક સિનેમામાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી.

પરિવારની ચિંતા અને સપોર્ટ

શરૂઆતમાં પરિવારને એક્ટિંગ કરિયરને લઈને ચિંતા હતી, કારણ કે અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો હતો. જ્યારે કામ અને અભ્યાસ સાથે સંભાળવું મુશ્કેલ બન્યું, ત્યારે પિતાએ તેને એક સ્પષ્ટ દિશા પસંદ કરવાની સલાહ આપી. પરિવારના સમર્થને જ મૃણાલને પોતાના નિર્ણય પર અડગ રહેવાની તાકાત આપી.

‘બુલબુલ’ બનીને ઘરે-ઘરે ઓળખ બનાવી

ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’માં ‘બુલબુલ’ના કિરદારે મૃણાલને ઘરે-ઘરે ઓળખ અપાવી. આ ભૂમિકા પછી તે દર્શકો વચ્ચે ‘બુલબુલ’ના નામથી પ્રખ્યાત થઈ ગઈ અને તેના કરિયરને નવી ઊંચાઈ મળી.

બોડી શેમિંગ, રિજેક્શન અને ડિપ્રેશનનો સમયગાળો

જોકે કરિયરની શરૂઆતમાં મૃણાલને લુક્સ અને ફિગરને લઈને મેણાં-ટોણાં સાંભળવા પડ્યાં હતાં. તેને ગામડાની છોકરી કહીને બોલાવવામાં આવી હતી. કરિયરના શરૂઆતના દિવસોમાં મૃણાલને લોકલ ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરવા જેવા વિચારો પણ આવતા હતા. સંઘર્ષના દિવસોમાં તે ટાઉનથી અંધેરી સુધી લોકલ ટ્રેન અને બસથી મુસાફરી કરીને ઓડિશન આપતી હતી. ઇન્ફિનિટી મોલના વોશરૂમમાં ડ્રેસ બદલીને ઓડિશન આપવું એની દિનચર્યાનો ભાગ હતો.

‘લવ સોનિયા’થી બદલાઈ કિસ્મત

વર્ષ 2018માં ઇન્ડો-અમેરિકન ફિલ્મ 'લવ સોનિયા'એ તેના કરિયરને નવો વળાંક આપ્યો. ફિલ્મમાં તેના અભિનયની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ. આ જ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ, જોકે જ્યારે મૃણાલ ફિલ્મો માટે ઓડિશન આપી રહી હતી ત્યારે તેને એમ કહીને રિજેક્ટ કરી દેવામાં આવતી હતી કે ટીવી પર ઘણી એક્સપોઝ થઈ ચૂકી છે, ફિલ્મોમાં કોઈ નહીં લે.

મૃણાલ ઠાકુરની ફિલ્મ 'લવ સોનિયા' હ્યુમન ટ્રાફિકિંગ પર આધારિત હતી. મૃણાલે જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેનું ઓડિશન એક એવા ફોલ્ડરમાં બંધ કરીને રાખી દેવામાં આવ્યું હતું, જેના પર સ્પષ્ટ લખેલું હતું કે ખોલવાની મનાઈ છે, એટલે કે એ ફાઇલ જેને જોવાની જ નહોતી.

જોકે ફિલ્મના નિર્દેશક તબરેઝ નૂરાનીએ એ ફોલ્ડર ખોલ્યું, ઓડિશન જોયું અને તેને વ્યક્તિગત રીતે મળવા બોલાવી. રૂબરૂ વાતચીત પછી નિર્દેશકને ખાતરી થઈ ગઈ કે તે સોનિયાનું પાત્ર ભજવી શકે છે.

લુકને લઈને કરવી પડી મહેનત

ફિલ્મમાં સોનિયા એક ગામની સીધી-સાદી છોકરી છે. આ પાત્ર માટે એક્ટ્રેસને પોતાના લુકને લઈને પણ ઘણું સમજાવવું પડ્યું. તેમણે જણાવ્યું હતું કે તેને નિર્માતા ડેવિડ વોમોર્ક અને ટીમના બાકીના સભ્યોને એ વિશ્વાસ અપાવવો પડ્યો કે મેકઅપ, હેર સ્ટાઈલિંગ અને ટેક્નિકલ મદદથી પાત્ર મુજબ નેચરલ લુક આપી શકાય છે. તેણે ટીમ પાસેથી ખાસ વિનંતી કરી કે તેમને આ તક આપવામાં આવે.

'માત્ર સુંદરતા પૂરતી નથી'

મૃણાલ કહે છે- બહારની દુનિયા અવારનવાર વિચારે છે કે તે સુંદર છે, સફળ છે, તેથી તેને બધું જ સરળતાથી મળી ગયું હશે. પરંતુ હકીકત તો એ છે કે દરેક વ્યક્તિને પોતાની લાઈફમાં સંઘર્ષ કરવો પડે છે. માત્ર સુંદરતા જ પૂરતી નથી હોતી, તેના માટે ઘણી અન્ય વસ્તુઓની જરૂર હોય છે.

પ્રસિદ્ધિની કિંમત પણ ચૂકવવી પડે છે

તેણે આગળ કહ્યું- ક્યારેક હું વિચારું છું કે કાશ હું એક સામાન્ય છોકરીની જેમ જીવન જીવી શકતી હોત. પ્રસિદ્ધિ તમને નાની-નાની ખુશીઓનો પણ ત્યાગ કરવા મજબૂર કરે છે. સફળતા અને સુંદરતાથી પરે હૃદયમાં હંમેશાં એક સામાન્ય વ્યક્તિની જેમ જીવવાની ઈચ્છા રહે છે.

ગંભીર એક્ટ્રેસ તરીકેની ઓળખ મળી

'લવ સોનિયા'માં મૃણાલ ઠાકુરના ભાવનાત્મક અને રો અભિનયે વિવેચકો અને નિર્માતાઓનું ધ્યાન ખેંચ્યું, પરંતુ આ ફિલ્મનો મૃણાલને માત્ર એટલો જ ફાયદો થયો કે તેમને ટીવી એક્ટ્રેસના ટેગમાંથી બહાર નીકળવાની તક મળી.

જ્યારે તેના વિશે કહેવાતું હતું કે ટીવીમાં કામ કરવાને કારણે ચહેરો એટલો ખુલ્લો પડી જાય છે કે ફિલ્મોમાં કોઈ ગંભીરતાથી નહીં લે. ફિલ્મોમાં મૃણાલને દર્શકોએ સ્વીકાર તો કરી, પરંતુ ‘લવ સોનિયા’ પછી પણ તેને સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ હવે તેને મોટાં બેનરોમાં ઓડિશનની તકો મળવા લાગી છે.

‘સુપર 30’ની આ રીતે તક મળી

‘લવ સોનિયા’ જોયા પછી ઘણા ફિલ્મમેકર્સે મૃણાલને નોટિસ કરી. એ દરમિયાન ડિરેક્ટર વિકાસ બહલ પોતાની ફિલ્મ ‘સુપર 30’ માટે એક નવા ચહેરાની શોધમાં હતા, જે પાત્રમાં સાદગી અને મજબૂતી બંને લાવી શકે.

મૃણાલે ફિલ્મ માટે ઓડિશન આપ્યું. તેનો ટેસ્ટ એટલો પ્રભાવશાળી રહ્યો કે તેને હૃતિક રોશનની સામે લીડ રોલ માટે પસંદ કરવામાં આવી. ફિલ્મમાં તેણે આનંદ કુમારની પત્ની ‘સુપ્રિયા’નું પાત્ર ભજવ્યું. આ પાત્ર માટે મૃણાલને ત્રણ રાઉન્ડ ઓડિશન આપવું પડ્યું હતું.

પહેલા રાઉન્ડમાં બેઝિક ઓડિશન થયું હતું, જેમાં સીન પર્ફોર્મ કરાવવામાં આવ્યો. બીજા રાઉન્ડમાં ઇન્ટેન્સ સીન ટેસ્ટ થયો હતો, જેથી તેની ભાવનાત્મક શ્રેણીને ચકાસી શકાય. ત્રીજા રાઉન્ડના ઓડિશનમાં સુપ્રિયાના પાત્ર માટે સાદા અને બિહારી લુકમાં સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો.

‘બાટલા હાઉસ’માં તક કેવી રીતે મળી?

‘સુપર 30’ પછી મૃણાલ ઠાકુર ઇન્ડસ્ટ્રીમાં એક ભરોસાપાત્ર નવી એક્ટ્રેસ તરીકે જોવા મળવા લાગી હતી. ફિલ્મમાં તેની સાદગી અને ભાવનાત્મક પર્ફોર્મન્સે મેકર્સનું ધ્યાન ખેંચ્યું. જ્યારે ‘બાટલા હાઉસ’નું કાસ્ટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ડિરેક્ટર નિખિલ અડવાણી અને તેમની ટીમ એક એવા ચહેરાની શોધમાં હતા જે વાસ્તવિક અને જમીન સાથે જોડાયેલો લાગે.

‘સુપર 30’માં મૃણાલનું કામ જોયા પછી તેને આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવી. આ ફિલ્મમાં મૃણાલે જોન અબ્રાહમની પત્નીનો રોલ કર્યો. જોન અબ્રાહમ સાથે તેની જોડીની પ્રશંસા કરવામાં આવી, ખાસ કરીને એ દૃશ્યોમાં, જ્યાં પરિવાર અને ફરજ વચ્ચે ભાવનાત્મક સંઘર્ષ દર્શાવવામાં આવ્યો હતો. આ પાત્ર માટે પણ મૃણાલને ઓડિશન આપવું પડ્યું હતું.

સાઉથની ફિલ્મ ‘સીતા રામમ’થી પાન-ઇન્ડિયા ઓળખ મળી

‘લવ સોનિયા’ અને ‘સુપર 30’માં તેનું પર્ફોર્મન્સ જોઈને સાઉથના ફિલ્મમેકર્સે તેને નોટિસ કરી. એ જ સમયે ડિરેક્ટર હન્નુ રાઘવપુડી તેની પિરિયડ લવ સ્ટોરી ‘સીતા રામમ’ માટે એક નવા ચહેરાની શોધમાં હતા, એવો ચહેરો જે શાહી અંદાજ પણ લાવી શકે અને માસૂમિયત પણ.

ફિલ્મમાં મૃણાલને ‘સીતા મહાલક્ષ્મી’/‘નૂરજહાં’નો ડ્યુઅલ શેડવાળો કિરદાર ભજવવાનો હતો, તેથી મેકર્સ તેમના એક્સપ્રેશન, સ્ક્રીન પ્રેઝન્સ અને ક્લાસિકલ લુકને લઈને ખૂબ જ સજાગ હતા.

મૃણાલની હિન્દી ફિલ્મોમાં દેખાયેલી નેચરલ એક્ટિંગ, તેનું સોફ્ટ પણ સ્ટ્રોંગ સ્ક્રીન પ્રેઝન્સ ક્લાસિક બ્યૂટી અને 60ના દાયકાના લુકમાં ફિટ બેસી ગયું. ફિલ્મ રિલીઝ થતા જ મોટી હિટ સાબિત થઈ અને મૃણાલને પાન-ઇન્ડિયા ઓળખ મળી. સાચું કહીએ તો આ ફિલ્મે તેમને માત્ર એક્ટ્રેસ જ નહીં, પરંતુ રોમેન્ટિક આઇકન બનાવી દીધા.

મૃણાલ ઠાકુરની આવનારી ફિલ્મો

મૃણાલ ઠાકુર અત્યારસુધી ‘ઘોસ્ટ સ્ટોરી', ‘તૂફાન’, ‘ધમાકા’, ‘જર્સી’, ‘ગુમરાહ’ અને ‘સન ઓફ સરદાર 2’ જેવી ઘણી મુખ્ય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘દો દીવાને શહર મેં’ સિદ્ધાંત ચતુર્વેદી સાથે રિલીઝ થઈ છે. ઉપરાંત ‘ડકૈત: એ લવ સ્ટોરી’, ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’, ‘પૂજા મેરી જાન’ અને ‘અલ્લુ અર્જુન’ સાથે સાઉથની સાયન્સ-ફિક્શન એક્શન ફિલ્મ રિલીઝ થવાની છે.

Image Gallery