અમરેલીમાં અકસ્માતોની વણઝાર, 48 કલાકમાં 7નાં મોત:ભાવનગર-સોમનાથ ને.હા. પર ડાયવર્ઝન બન્યા ‘કાળમુખા’; બાઈક-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, હોળી ટાણે પરિવારોમાં માતમ
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં જિલ્લાના વિવિધ માર્ગો પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં કુલ 7 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ડાયવર્ઝન અને અધૂરા કામો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. હોળીના તહેવાર પૂર્વે જ સાત-સાત લોકોના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.\
જાફરાબાદ: બાઈક અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, બે આશાસ્પદ યુવાનના મોત
ગત 1લી માર્ચની મધ્યરાત્રિએ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ અને કાગવદર વચ્ચે કાળમુખા ટ્રકે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નાગેશ્રી ગામના રહેવાસી મનુભાઈ અરજણભાઈ સાંખટ (ઉં.36) અને રમેશભાઈ જાદવભાઈ સાંખટ (ઉં.41)નું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
લીલીયા: અજાણ્યા વાહને ત્રણ ખેતમજૂરનો ભોગ લીધો
લીલીયાના ગુંદરણ ગામ નજીક મોડી સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ભારે વાહનની પાછળ બાઈક ઘૂસી જતાં મધ્યપ્રદેશના વતની એવા 3 ખેતમજૂરના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
રાજુલા પંથકમાં હિટ એન્ડ રનની બે ઘટના
- ભેરાઈ ચોકડી: રાજુલા નજીક ભેરાઈ ચોકડી પાસે અજાણ્યા વાહને મોપેડ સવાર ત્રિકમભાઈ લાખાભાઈ પરમાર (ઉં.70)ને અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેઓ તળાજાના દેવળી ગામના રહેવાસી હતા.
- હિંડોરણા નજીક: બે દિવસ પહેલાં વહેલી સવારે હિંડોરણા ગામ પાસે ચાલીને જઈ રહેલા વિકટર ગામના યુવાન કમલેશ ભાણાભાઈ ગુજરીયાને કોઈ અજાણ્યા વાહને કચડી નાખતાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
-
હોળીના રંગમાં ભંગ: પરિવારોમાં આક્રંદ
એક તરફ જ્યારે સમગ્ર દેશ હોળી-ધૂળેટીના પર્વની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે અમરેલી જિલ્લાના આ સાત પરિવારમાં માતમ છવાયો છે. તહેવારના દિવસોમાં જ સ્વજનો ગુમાવતા ગામડાઓમાં ગમગીની વ્યાપી ગઈ છે.
રાજુલા અને લીલીયા પોલીસે અકસ્માતના ગુનાઓ નોંધી અજાણ્યા વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે. સ્થાનિકોની માગ છે કે, નેશનલ હાઈવેના અધૂરા કામો સત્વરે પૂરા કરવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.