ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! રાજકોટમાં તાપમાન 40°C, અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર
અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ ગાંધીનગર, રાજકોટ અને બોટાદમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
આ સિવાય અમરેલી, ભાવનગર, સુરત અને વડોદરા જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ક્યા શહેરમાં કેટલુ છે તાપમાન?
તાપમાનના આંકડા મુજબ ડિસામાં 39.6 ડિગ્રી, અમદાવાદ અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 39.4 ડિગ્રી, સુરતમાં 39.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સતત વધતી ગરમીને કારણે લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગે લોકોને વધુ ગરમીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.