ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
માહિતી મુજબ કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર સ્ટેશનની ટીમો આગ બુઝાવવા માટે કામે લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અનેક કલાકોની સતત કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠા કંપની એમજીવીસીએલ દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસના સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. આગને કારણે કંપનીમાં રાખવામાં આવેલો કાચો માલ, તૈયાર માલ તેમજ મશીનરી બળીને ખાક થઈ ગઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવાય છે. આગ લાગતાં કંપની અને આસપાસના વિસ્તારમાં લોકો એકત્ર થઈ ગયા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.