US Visa Fraud Case: અમેરિકામાં 11 ગુજરાતીઓએ લૂંટનું નાટક રચી વિઝા મેળવવાનો કર્યો પ્રયાસ, ગુનો નોંધાયો
તપાસમાં ખુલ્યું કે, માર્ચ 2023 દરમિયાન આરોપીઓએ છ અલગ-અલગ સ્ટોરોમાં લૂંટ થયાનું નાટક રચ્યું. તેઓએ સ્ટોરના કર્મચારીઓ અને માલિકોને બતાવ્યું કે હથિયાર સાથે લૂંટ થઈ રહી છે, અને બનાવને પોલીસ સુધી પહોંચાડ્યો. ત્યારબાદ આરોપીઓએ U વિઝા માટે “ક્રાઇમ વિક્ટિમ” તરીકે અરજી કરી, જેથી કાયદાકીય લાભ મેળવી શકાય.
હાલમાં, બોસ્ટનમાં છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, અને બાકીના ચાર લોકોને પણ આગળની તારીખે કોર્ટમાં રજૂ કરાશે. આ કેસમાં આરોપીઓને વિઝા ફ્રોડ અને કોનસ્પીરેસી હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. જો તેઓ દોષિત ઠરે તો પાંચ વર્ષ સુધી કેદ અને લગભગ અઢી લાખ ડોલર દંડની સજા પણ થઈ શકે છે.
શું હતું સમગ્ર કૌભાંડ?
અમેરિકામાં 'U વિઝા' એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા માટે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કૌભાંડ ચાલુ કરી દીધું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ભાગી જતા હતા. જે સ્ટોરના CCTVમાં કેદ થતું. આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે 'ભોગ બન્યા' હોવાનું પણ દર્શાવતા હતા. ત્યાર બાદ વિઝા માટે અરજી કરી દેતા હતા. જેથી તેમને આ વિઝા ખુબ જ સરળતાથી મળી જતા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ
અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
કેઇ રીતે ચાલતું હતું નેટવર્ક?
તપાસમાં બહાર આવ્યું છે કે, રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો. 'ભોગ બનનાર' વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા. રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો. લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે.
કેટલી સજા થઈ શકે?
વિઝા ફ્રોડના કાવતરાના આરોપમાં દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. $2,50,000 (આશરે 2 કરોડ રૂપિયા) થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. જેલની સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે. જો કે હાલ તો સમગ્ર મામલો કોર્ટમાં છે.
આ રીતે પાર પાડતા સમગ્ર ઘટના
આ કથિત રીતે પૂર્વઆયોજિત લૂંટની ઘટનાઓ દરમિયાન, લૂંટારાઓ સ્ટોરના ક્લાર્ક અથવા માલિકોને બંદૂક જેવા હથિયાર બતાવીને ડરાવતો હતો અને ત્યારબાદ રોકડ રકમ લઈને ફરાર થઈ જતો હતો. આ આખી ઘટના સ્ટોરના સર્વેલન્સ (CCTV) વીડિયોમાં કેદ થતી હતી. લૂંટારો ત્યાંથી ભાગી છૂટે ત્યાં સુધી આ ક્લાર્ક અને/અથવા માલિકો પાંચ કે તેથી વધુ મિનિટ સુધી રાહ જોતા અને પછી પોલીસને સમગ્ર ગુનાની જાણ કરતા હતા. એવો આક્ષેપ છે કે, આ કાવતરામાં સામેલ થવા માટે દરેક ભોગ બનનાર વ્યક્તિએ પટેલને પૈસા ચૂકવ્યા હતા. બદલામાં, પટેલે કથિત રીતે સ્ટોર માલિકોને તેમના સ્ટોરનો ઉપયોગ આ પૂર્વઆયોજિત લૂંટ માટે કરવા દેવા બદલ ભાડા તરીકે મોટી રકમ ચૂકવી હતી.