એક કલાક ઈન્ડક્શન કુકટોપ ચલાવવા પર કેટલા યૂનિટ વીજળી ખર્ચ થાય છે? ચાલો જાણીએ
મધ્ય પૂર્વમાં તાજેતરમાં તણાવ વધી રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આની અસર મોટાભાગના દેશો પર જોવા મળી રહી છે, ત્યારે તેને લઈને ભારતમાં પણ સિલિન્ડર સંડટ વધી ગયું છે. ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે તેમજ ઘણી જગ્યાએ સિલિન્ડર મળી પણ રહ્યા નથી . આ પરિસ્થિતિ વચ્ચે, ઘણા ઘરોમાં ઇન્ડક્શન કુકટોપનો ઉપયોગ થવા લાગ્યો છે. ત્યારે જો તમે પણ ઇન્ડક્શન કુકટોપનો ઉપયોગ વખતે કેટલો વીજળીનો વપરાશ થાય છે તે સમજવું જરૂરી બની ગયું છે.
ઇલેક્ટ્રોનિક્સ રિટેલર્સના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડક્શન કુકટોપ ખરીદનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગેસ સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ થાય અથવા વર્તમાન પુરવઠો સમાપ્ત થાય તો પણ, રસોઈ મુશ્કેલીમુક્ત રહે તે માટે ઘણા લોકો સાવચેતીના પગલા તરીકે તેમને ઘરે રાખી રહ્યા છે.
ઇન્ડક્શન કુકટોપના ફાયદા: તેના પર ખોરાક ઝડપથી રાંધાય છે. ગેસ સ્ટોવથી વિપરીત, તે ચલાવવામાં સરળ અને સાફ છે. વીજળી પુરવઠો હોય તો તેનો ઉપયોગ કોઈપણ સમયે કરી શકાય છે. આ જ કારણોસર, ઘણા પરિવારો હવે તેમના ગેસ સ્ટોવની સાથે ઇન્ડક્શન કુકટોપને તેમના રસોડાના અભિન્ન ભાગ બનાવી રહ્યા છે.
એક કલાકના ઈન્ડક્શન ચલાવવાથી કેટલો વિજળીનો વપરાશ થાય છે?: મોટાભાગના લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઇન્ડક્શન કુકટોપ ચલાવવાથી તેમનું વીજળીનું બિલ કેટલું વધશે? વાસ્તવમાં, વીજ વપરાશ ઉપયોગમાં લેવાતા ઉપકરણની ચોક્કસ ક્ષમતા પર આધાર રાખે છે. સામાન્ય રીતે, ઘરગથ્થુ ઇન્ડક્શન કુકટોપની વીજ ક્ષમતા નીચેની શ્રેણીઓમાં આવે છે.
ઈન્ડક્શન અલગ અલગ વોટના હોય છે જેમ કે 1200 વોટ ઇન્ડક્શન કુકટોપ, 1500-વોટ ઇન્ડક્શન અને 2000 થી 2200 વોટ સુધીના મોડેલ બજારમાં ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિ 2000-વોટનું ઇન્ડક્શન કુકટોપ એક કલાક માટે ચલાવે છે, તો તે લગભગ 2 યુનિટ વીજળી વાપરે છે. તેનાથી વિપરીત, 1200-વોટ ઇન્ડક્શન કુકટોપ એક કલાક માટે ચલાવવામાં લગભગ 1.2 યુનિટ વીજળી વાપરાય છે. તેથી, વીજળી બિલ ઉપયોગના સમયગાળા અને ઉપકરણના પાવર રેટિંગ બંનેના આધારે નક્કી કરવામાં આવે છે.
હવે તેના ખર્ચની વાત કરીએ તો ગુજરાતમાં વિજળી યૂનિટનો ખર્ચ ઓછો છે આથી જો 2 યૂનિટ વિજળી ખર્ચ થાય છે તો તેનો ખર્ચ 4 થી 6 રુપિયાનો આવે છે. જોકે ગુજરાત બહાર યૂનિટનો ચાર્જ વધારે હોવાથી તેનો ખર્ચ 6 થી 18 રુપિયા સુધી આવી શકે છે.