‘હોર્મુઝ’ પર કબજો કરવા આરપારની જંગ… અમેરિકાએ ઈરાની સરહદે બતાવી પોતાની ‘અસલી તાકાત’
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ફરીથી ખોલવા માટે અમેરિકી મિલિટરીએ ઈરાનના મિસાઈલ ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ વ્યૂહાત્મક જળમાર્ગ (Strategic Waterway) પાસે ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા મજબૂત ઠેકાણાઓ પર 5,000 પાઉન્ડના ‘ડીપ-પેનિટ્રેશન’ (deep-penetration) બોમ્બ ફેંકવામાં આવ્યા છે.
સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ‘X’ પર આપવામાં આવેલી માહિતી મુજબ, અમેરિકી દળોએ આ ભારે બોમ્બનો ઉપયોગ કરીને ઈરાનના મજબૂત અને જમીનની ઊંડાઈમાં બનેલા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
5,000 પાઉન્ડના બોમ્બથી મચાવ્યો ‘હાહાકાર’
આ બોમ્બને સામાન્ય રીતે ‘બંકર બસ્ટર’ (Bunker Buster) કહેવામાં આવે છે, જે ખાસ કરીને જમીનની અંદર બનેલા મજબૂત લક્ષ્યોને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે. આ બોમ્બ અત્યંત શક્તિશાળી છે પરંતુ ગયા વર્ષે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી પર વપરાયેલા 30,000 પાઉન્ડના બોમ્બ કરતા તેની તાકાત ઓછી છે. ‘એર ફોર્સ ટાઇમ્સ’ના વર્ષ 2022ના રિપોર્ટ મુજબ, આવા એક બોમ્બની કિંમત અંદાજે 2,88,000 ડોલર છે.
ટ્રમ્પની વિનંતીને ફગાવી દેવામાં આવી
આ હુમલા એવા સમયે થયા છે, જ્યારે આ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે અને અમેરિકાને આંતરરાષ્ટ્રીય સમર્થનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. નાટો (NATO-North Atlantic Treaty Organization) ના ઘણા સભ્ય દેશો સહિત અમેરિકાના સાથી દેશોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સુરક્ષિત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી છે.
સાથી દેશોનો સહયોગ ન મળતા ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, અમેરિકા લાંબા સમયથી પોતાના સાથીઓનું સમર્થન કરતું આવ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવતા અટકાવવું એ દરેકના હિતમાં છે. તેમણે સૂચવ્યું કે, જો ‘માઈનસ્વીપર્સ’ (minesweepers) જેવી મર્યાદિત મદદ મળી હોત તો પણ તે ઉપયોગી થઈ શકી હોત પરંતુ એવું થયું નહીં.
અમેરિકાનું શક્તિ પ્રદર્શન
બીજી તરફ, ઈરાને પરમાણુ હથિયાર બનાવવાના આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે, તેનો ન્યુક્લિયર પ્રોગ્રામ માત્ર નાગરિક ઉદ્દેશ્ય જેમ કે, ઊર્જા ઉત્પાદન માટે છે. સાથી દેશોથી નિરાશ થવા છતાં ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, અમેરિકા આ સંઘર્ષમાં આગળ વધવા માટે તૈયાર છે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય સમર્થન વગર પણ પોતાના દમ પર કાર્યવાહી કરશે.