સુરતમાં નકલી યોગ ગુરૂ ‘પ્રદીપ પ્રકરણ’માં નવો વળાંક! આસ્થાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, બનાવ્યો હતો ઓપરેશન રુમ
માહિતી મુજબ, પ્રદીપે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે પોતાની ઓળખ બનાવી હતી. તે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને કેન્સર અને હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર બીમારીઓને દૂર કરવાની દાવાઓ કરતો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેની પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ, આયુર્વેદિક કે નેચરોપેથી ડિગ્રી નહોતી.
ફાઈલોમાં કોઈ નિષ્ણાત ડોક્ટરનું નામ કે સર્ટિફિકેટ નહોતું
વીડિયોમાં પ્રદીપ દર્દીઓની ફાઈલ જોઈને સારવાર કરતો દેખાય છે, પરંતુ આ ફાઈલોમાં કોઈ નિષ્ણાત ડોક્ટરનું નામ કે સર્ટિફિકેટ નહોતું. એક વીડિયોમાં તો તે કેન્સર પીડિત મહિલાના પેટમાંથી સર્જિકલ જ્ઞાન વગર પાણી કાઢતો જોવા મળે છે, જે ખૂબ જ જોખમી ગણાય છે.
લોકોને લલચાવવામાં આવતા હતા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે દર્દીઓને ભ્રમિત કરીને લાખો રૂપિયા વસૂલતો હતો. તેની સંસ્થાના પેમ્ફ્લેટ્સમાં યોગ શિબિર અને આયુર્વેદિક ઉપચારના આકર્ષક દાવાઓ કરીને લોકોને લલચાવવામાં આવતા હતા.
હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આશંકા છે કે આ નકલી ઉપચારના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હશે.