Loading...

Iran Israel Us Warની અસર, પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ? ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું !

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વૈશ્વિક અસર હવે સ્થાનિક સ્તરે, ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં, ઇંધણના પુરવઠા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રાજકોટ શહેર અને જિલ્લાના કેટલાક પેટ્રોલ પંપ ઇંધણના અપૂરતા પુરવઠાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. પુરવઠાની અછતને કારણે પેટ્રોલ પંપ સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે તેમણે પંપ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને

પેટ્રોલ-ડિઝલ ડીલર એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠક રાજકોટના રેસકોર્સ ખાતે આવેલી IOC (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન)ની ઓફિસ ખાતે સવારે 10:30 વાગ્યે યોજાશે. આ બેઠકમાં પેટ્રોલની અછત અને પુરવઠાને નિયમિત કરવા માટે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડિઝલ એસોસિએશનના હોદ્દેદારો અને એસોસિએશન સાથે જોડાયેલા પેટ્રોલ પંપ સંચાલકો આ બેઠકમાં હાજર રહેશે.

ઇંધણનો પુરવઠો પૂરતો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે

સવાલ એ ઊભો થાય છે કે એક તરફ સરકાર દ્વારા ઇંધણનો પુરવઠો પૂરતો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં IOC ના મુખ્યત્વે પેટ્રોલ પંપ બંધ થવાના સમાચારો સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિ સરકારના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેના તફાવતને સ્પષ્ટપણે દર્શાવે છે. ગઈકાલ રાતથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ન હોવાને કારણે પંપ બંધ કરવાની નોબત આવી છે. યુદ્ધની સ્થિતિની અસર હવે ગેસ બાદ પેટ્રોલ અને ડિઝલ પર પણ વર્તાતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

રાજકોટ અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ બંધ થયાના અહેવાલો છે

પેટ્રોલ અને ડિઝલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની અછતને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ બંધ થયાના અહેવાલો છે, જેનાથી સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. તાત્કાલિક બેઠકમાં આગામી દિવસોમાં ઇંધણનો પુરવઠો કેવી રીતે પર્યાપ્ત કરી શકાય અને આગળની સ્થિતિને કેવી રીતે સંભાળી શકાય તે અંગેની સમીક્ષા કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે આ કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તે અંગે પુરવઠા વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને તેઓ શું માહિતી આપે છે, જેથી લોકોની ચિંતા દૂર થાય અને ઇંધણનો પુરવઠો પૂર્વવત બની શકે

Image Gallery