વાવ-થરાદમાં પીએમનો હુંકાર… ગુજરાત વિરોધી માનસિકતાને કારણે ડીસા એરબેઝમાં થયો વિલંબ, મોદીએ વિપક્ષને બરાબરના ઝાટક્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન વાવ-થરાદની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ₹19,000 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અગાઉ પીએમ મોદીએ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’ અને સાણંદ GIDCમાં ‘કેન્સ સેમિકોન પ્લાન્ટ’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
વાવ-થરાદમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ ભગવાન મહાવીરને પ્રણામ કરી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમનું વિમાન ડીસા એરબેઝ પર ઉતર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર હોવાને કારણે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે.
કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદમાં જનસભાને સંબોધતા ડીસા એરબેઝના મુદ્દે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે ડીસામાં એરબેઝ બનાવવું ખૂબ જ જરૂરી હતું પરંતુ અગાઉની કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને વર્ષો સુધી ફાઈલોમાં દબાવી રાખ્યો હતો.
પીએમ મોદીએ આક્ષેપ કર્યો કે, તે સમયે દિલ્હીમાં બેઠેલા સત્તાધીશોએ ગુજરાત પ્રત્યે દુશ્મનાવટ રાખી હતી, જેના કારણે આ મહત્વનું કામ અટવાયેલું રહ્યું. જો કે, તેમણે સત્તા સંભાળ્યા બાદ આ ફાઈલો પર તાત્કાલિક કામ શરૂ કરાવ્યું અને આજે ડીસામાં એક વિશાળ એરફોર્સ બેઝ તૈયાર થઈ ગયો છે.
કોંગ્રેસ ભાગલા પાડવાનું કામ કરી રહી છે: પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે કોંગ્રેસ ભાગલા પાડવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે અને તેઓ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે, દેશમાં ક્યારે મુશ્કેલીઓ વધે. વધુમાં તેમ પણ ઉમેર્યું કે, દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે પરંતુ ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભાવોની અસર દેશની જનતા પર પડવા દેશે નહીં.