BSF જવાનની એક હરકતે પાકિસ્તાની રેન્જરની બોલતી બંધ કરી દીધી; વીડિયો જોઈને તમે પણ હસી-હસીને લોથપોથ થઈ જશો
વાઘા-અટારી સરહદ પર રોજ સાંજે યોજાતી ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમની એ શૌર્ય અને શિસ્તનું પ્રતીક છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક લેટેસ્ટ વીડિયોએ આ ગંભીર માહોલમાં હાસ્યનું મોજું ફેરવી દીધું છે. આ વીડિયોમાં BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ના એક જવાન અને પાકિસ્તાની રેન્જર વચ્ચેની એક દુર્લભ અને મજેદાર ક્ષણ કેમેરામાં કેદ થઈ છે.
જ્યારે પાકિસ્તાની ગાર્ડની નકલ કરી BSF જવાને ‘સ્વેગ’ બતાવ્યો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાની રેન્જર પોતાની પરંપરાગત શૈલીમાં વારંવાર ઉછળી-ઉછળીને કરતબ બતાવી રહ્યો હતો. સામાન્ય રીતે ભારતીય જવાનો ગંભીર મુદ્રામાં જવાબ આપતા હોય છે, પરંતુ આ વખતે BSF ના જવાને કંઈક અલગ જ કર્યું. તેણે સામેવાળા ગાર્ડ તરફ ઈશારો કરી પહેલા પૂછ્યું કે ‘આ શું છે?’ અને પછી અદ્ભુત રીતે પાકિસ્તાની ગાર્ડના ઉછળવાની અને હાથ હલાવવાની અતિશયોક્તિભરી નકલ કરી બતાવી.
સોશિયલ મીડિયા પર ‘ધુરંધર’ રિપ્લાય વાયરલ
બેકગ્રાઉન્ડમાં “ધુરંધર” ગીત સાથે એડિટ થયેલો આ વીડિયો ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. લોકો આને “અસલી સેવેજ બોર્ડર રિપ્લાય” ગણાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ભારતીય જવાનોએ પાકિસ્તાનીઓને તેમની જ ભાષામાં અને મજાકિયા અંદાજમાં એવો જવાબ આપ્યો છે કે દુનિયા જોતી રહી ગઈ.
1959 થી ચાલતી પરંપરામાં ‘માનવતાનો સ્પર્શ’
અમૃતસર અને લાહોર નજીક યોજાતી આ સેરેમની 1959 થી ચાલી આવે છે. આ આયોજનમાં બંને દેશો વચ્ચેની હરીફાઈ અને જોશ જોવા મળે છે, પરંતુ આ વીડિયો સાબિત કરે છે કે સખત લશ્કરી પ્રોટોકોલ અને શિસ્તની વચ્ચે પણ હાસ્ય અને મનુષ્ય સહજ રમુજ માટે જગ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તેની લોકપ્રિયતા અત્યારે ટોચ પર છે.