અમેરિકામાં પાર્ટ-ટાઇમ જોબની હકીકત શું ? ખર્ચો નીકળશે કે નહીં, જાણો નિષ્ણાતની સલાહ
અમેરિકામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓમાં પાર્ટ-ટાઇમ જોબને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ માનતા હોય છે કે અભ્યાસ સાથે કામ કરીને તેઓ પોતાનો રોજિંદો ખર્ચ સરળતાથી સંભાળી શકશે. પરંતુ હકીકતમાં માત્ર પાર્ટ-ટાઇમ નોકરીના આધારે અમેરિકામાં સંપૂર્ણ ગુજરાન ચલાવવું કેટલું શક્ય છે, તે સમજવું ખૂબ જરૂરી છે.
અમેરિકામાં ફોલ ઇન્ટેક માટે ઓગસ્ટથી ક્લાસિસ શરૂ થવાના હોય છે, તેથી ભારતીય વિદ્યાર્થીઓ અત્યારથી જ તૈયારીમાં લાગી જાય છે. સ્ટૂડન્ટ વિઝા, ફ્લાઇટ ટિકિટ અને રહેવાની વ્યવસ્થા જેવા કામોમાં ઘણો સમય લાગતો હોવાથી પહેલેથી જ આયોજન કરવું જરૂરી બને છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પાર્ટ-ટાઇમ નોકરી કરવાની યોજના પણ બનાવે છે, જેથી વધતા ખર્ચનો સામનો કરી શકાય.
અમેરિકામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને સામાન્ય રીતે F-1 સ્ટૂડન્ટ વિઝા આપવામાં આવે છે. અમેરિકાની ઇમિગ્રેશન નીતિ મુજબ, પ્રથમ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ઓફ-કેમ્પસ નોકરી કરવાની મંજૂરી મળતી નથી. જોકે તેઓ કેમ્પસની અંદર નક્કી કરેલી શરતો હેઠળ પાર્ટ-ટાઇમ કામ કરી શકે છે. પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને CPT અને OPT જેવી યોજનાઓ હેઠળ કેમ્પસની બહાર પણ કામ કરવાની તક મળે છે.
જો કોઈ વિદ્યાર્થી ગંભીર આર્થિક મુશ્કેલીમાં હોય, તો વિશેષ પરિસ્થિતિમાં તેને ઓફ-કેમ્પસ કામ કરવાની મંજૂરી પણ મળી શકે છે. પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ સત્તાવાળાઓને પુરાવો આપવો પડે છે કે કામ કરવું તેમની માટે જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કામ કરનાર વિદ્યાર્થીઓ માટે વિઝા રદ થવાનો અથવા ડિપોર્ટ થવાનો ખતરો પણ રહે છે. તેથી તમામ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી બને છે.