ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો!
ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને સમગ્ર રાજ્ય ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં છે. હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના નાગરિકોને આ આકરા ઉનાળામાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે અને અસહ્ય ઉકળાટભર્યું વાતાવરણ યથાવત રહેશે.
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જ્યારે તાપમાન ઊંચું હોય અને હવામાં ભેજ ભળે ત્યારે બફારો અને ઉકળાટ ખૂબ જ વધી જાય છે. આ જ કારણ છે કે વાસ્તવિક તાપમાન કરતાં પણ લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં પણ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.