Loading...

આવતીકાલે લાલ કિલ્લાના મેદાન પર ભવ્ય ‘મહારેલી’:ઓળખ-અસ્તિત્વ બચાવવા 6000 આદિવાસી દિલ્હી જવા રવાના; ધર્માંતરણ કરનારાઓને અનામતનો લાભ બંધ કરવા માગ

પોતાની મૂળ સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની રક્ષા માટે સમગ્ર દેશના આદિવાસીઓ એક તાંતણે બંધાયા છે. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવતીકાલે એટલે કે, 24 મે, 2026ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાન પર એક વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમ અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાનારા આ ‘જનજાતિ સાંસ્કૃતિક સમાગમ’માં દેશભરમાંથી લાખો આદિવાસી ભાઈઓ-બહેનો ઉમટી પડશે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદમાં 'ડી-લિસ્ટિંગ બિલ' (Delisting Bill) પાસ કરાવવાની માગ બુલંદ કરવાનો છે.

ગુજરાતમાંથી 6000 જેટલા કાર્યકર્તાઓ દિલ્હી જવા રવાના

દિલ્હીના આ ઐતિહાસિક આંદોલનમાં સહભાગી થવા માટે ગુજરાતના આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 6000 જેટલા જનજાતિ સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનો દિલ્હી પહોંચી રહ્યા છે.

ગુજરાતમાંથી ત્રણ સ્પેશિયલ ટ્રેન બુક કરવામાં આવી

જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના મહામંત્રી યોગેશ ગામીતે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં આદિવાસીઓ દિલ્હી આવી રહ્યા છે. ગુજરાતમાંથી આ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેનો બુક કરવામાં આવી છે, જેમાંથી ગોધરા અને ભરૂચથી બે ટ્રેન ઓલરેડી રવાના થઈ ચૂકી છે.

ગઈકાલે દક્ષિણ ગુજરાતના નવસારીના ઐતિહાસિક રામજી મંદિર ખાતે પાંચ જિલ્લા અને દાદરા નગર હવેલીના આશરે 2000થી વધુ લોકો એકઠા થયા હતા. આ તમામ લોકો પોતાના સ્વયંભૂ ખર્ચે સવારે 8 વાગ્યે રામજી મંદિરથી એક ભવ્ય રેલી સ્વરૂપે નવસારી રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા, જ્યાંથી તેઓ વિશેષ ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થયા છે.

ડી-લિસ્ટિંગ (Delisting) એટલે શું?

'ડી-લિસ્ટિંગ' એટલે બંધારણીય યાદીમાંથી નામ હટાવવું. ભારતના બંધારણ હેઠળ આદિવાસી સમાજને Schedule Tribes (ST) એટલે કે 'અનુસૂચિત જનજાતિ'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેના કારણે તેમને સરકારી નોકરીઓ, શિક્ષણ અને ચૂંટણીઓમાં અનામત (Reservation) તથા અન્ય સરકારી યોજનાઓનો લાભ મળે છે.

શું છે મુખ્ય માગ? ધર્માંતરણ કરનારાઓને અનામતનો લાભ બંધ કરો

આ સમગ્ર આંદોલન અને મહારેલી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ, રીત-રિવાજો અને પૂજા પદ્ધતિને બચાવવાનો છે. સંગઠનનો આરોપ છે કે, ગામડાઓમાં વધી રહેલા ધર્માંતરણના કારણે આદિવાસી સંસ્કૃતિ તૂટી રહી છે.

જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના અગ્રણી અતુલ વળવીએ મીડિયા સમક્ષ પોતાની મુખ્ય માંગણી સ્પષ્ટ કરતા જણાવ્યું કે,

  • જે લોકો પોતાની મૂળ આદિવાસી સંસ્કૃતિ અને પૂજા પદ્ધતિ છોડીને અન્ય ધર્મમાં ધર્માંતરણ કરી ગયા છે, તેમને આદિવાસી તરીકે મળતા ST Reservation (અનામત)ના લાભો મળવા જોઈએ નહીં.
  • જેઓ આજે પણ પોતાની પરંપરાગત પૂજા પદ્ધતિ અને રૂઢિઓ સાથે જોડાયેલા છે, માત્ર અને માત્ર તેમને જ જનજાતિ અનામતનો લાભ મળવો જોઈએ.
  • રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિત શાહને સોંપાશે આવેદનપત્ર

    આગામી 24મી તારીખે બપોરે 3 વાગ્યે દિલ્હીના અલગ-અલગ પાંચ વ્યુહાત્મક સ્થળોએથી ભવ્ય સાંસ્કૃતિક રેલીઓ નીકળશે. આ તમામ રેલીઓ પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે લાલ કિલ્લાના મેદાન પર પહોંચશે, જ્યાં તે એક વિશાળ સભાના સ્વરૂપમાં પરિવર્તિત થશે.

    આ ઐતિહાસિક અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. જનજાતિ સુરક્ષા મંચના દેશભરના અગ્રણીઓ દ્વારા આ મામલે કાયદાકીય સુધારો કરવા એટલે કે 'ડી-લિસ્ટિંગ બિલ' પાસ કરવાની માગ સાથે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવશે. આદિવાસી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, પોતાની ઓળખ અને અસ્તિત્વને બચાવવા માટેની આ નિર્ણાયક લડાઈ હવે દિલ્હીના દરબાર સુધી પહોંચાડી દેવામાં આવી છે.

Image Gallery