અમેરિકામાં પાટીદાર મહિલાને મોતને ઘાટ ઉતારનાર સાયકો કિલરનો આપઘાત:પહેલા ઘરે સાવકા પિતાની હત્યા કરી પછી મહેસાણાના મેઘનાબેનના સ્ટોર પર જઈ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું
23 મે, 2026ના રોજ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી હતી, ત્યારે આ હત્યાકાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ પહેલાં પોતાના સાવકા પિતાની ગોળી મારી નિર્મમ હત્યા કર્યા બાદ મેઘનાબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ સાયકો કિલરે પોતાના લમણે બંદૂક મૂકીને ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો.
યુવકનું એક પછી એક મેઘનાબેન પર પાંચ રાઉન્ડ ફાયરિંગ છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા મેઘનાબેન ઉપેન્દ્રભાઈ પટેલ 23 મે, 2026 શનિવારે સવારે રોજિંદા ક્રમ મુજબ પોતાના સ્ટોર પર હાજર હતા. આ દરમિયાન એક અજાણ્યો યુવક મોઢે બુકાની બાંધી સ્ટોરમાં ધસી આવ્યો હતો. સ્ટોર પર હાજર મેઘનાબેન પટેલે સુરક્ષાના કારણોસર આ યુવકને પોતાના મોઢા પરથી બુકાની હટાવવા માટે જણાવ્યું હતું.
આ સામાન્ય વાતથી ઉશ્કેરાઈ ગયેલા બુકાનીધારી યુવકે કઇપણ વિચાર્યા વિના મેઘનાબેન પટેલ પર એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા મેઘનાબેન પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આરોપીએ પોતાના સાવકા પિતાની ગોળી મારીને નિર્મમ હત્યા કરી આ સાયકો કિલર યુવક માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો હતો. સ્ટોર પર આચંક મચાવતા પહેલાં જ તેનો પોતાના સાવકા પિતા સાથે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં તેણે તેના પિતાની પણ ગોળી મારીને નિર્મમ હત્યા કરી દીધી હતી. પિતાની હત્યા બાદ યુવક સ્ટોર તરફ ભાગ્યો હતો અને ત્યાં સામાન્ય બાબતે મેઘનાબેન પટેલ પર ફાયરિંગ કર્યું હતું. આ બંને હત્યાકાંડને અંજામ આપ્યા બાદ હત્યારો યુવક પોતાની સોસાયટી તરફ ભાગ્યો હતો.
હત્યારાએ પોતાના લમણે બંદૂક મૂકીને ફાયરિંગ કર્યું જોકે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે એવો અહેસાસ થતાં અથવા ગ્લાનિમાં આવીને યુવકે જે બંદૂકથી હત્યાઓ કરી હતી તે બંદૂક પોતાના લમણે મૂકીને ફાયરિંગ કરી લીધું હતું અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, ગુજરાતી મહિલાના મોતને પગલે વર્જિનિયામાં વસતા ભારતીય સમુદાય અને જંત્રાલ ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક પોલીસ હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ હત્યાના હચમચાવી નાખતા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં એક બુકાનીધારી સ્ટોરમાં પ્રવેશે છે. ત્યારેબાદ થોડીવાર આમતેમ જોવે છે અને તુરંત જ નેફામાં રાખેલું હથિયાર બહાર કાઢી ધડાધડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી.
બે સંતાનો અને પતિ સાથે મેઘનાબેન અમેરિકામાં રહેતા હતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘનાબેન પટેલ અમેરિકાના વર્જિનિયા સિટીમાં 10 વર્ષથી રહેતા હતા અન સ્ટોરમાં નોકરી કરતા હતા. મૃતક મેઘનાબેનના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં રહે છે, જ્યારે તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્રી નકશીબેન અને પુત્ર સ્મિત હાલ અમેરિકામાં સ્થાયી છે.