Loading...

વ્યાજખોરોના ત્રાસથી 'હું દવા પીવું છું' કહી યુવકનો આપઘાત:વીડિયો બનાવી કહ્યું '5 લાખ વ્યાજે આપી કરશન-ગગાએ મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો', માણાવદરમાં 4 વ્યાજખોરની કરતૂત

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીના દૂષણનો એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાનડીયા ગામે વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, પઠાણી ઉઘરાણી અને દબાણપૂર્વક લાખો રૂપિયાની કિંમતી જમીન પોતાના નામે લખાવી લેવાની પ્રવૃત્તિથી કંટાળીને એક 30 વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.

શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ ત્યારબાદ આત્મહત્યા પહેલા યુવકે બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાર વ્યાજખોરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો? ​આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, નાનડીયા ગામે રહેતા 62 વર્ષીય ગોરધનભાઇ આરદેશણાના 30 વર્ષના દીકરા ગુંજન ઉર્ફે મેરકાને ખેતીના કામકાજ માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ જરૂરિયાત પૂરી કરવા માટે તેણે બાંટવા ગામના કરશન રબારી અને ગગાભાઇ ઉર્ફે રાજુ રબારી પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ગુંજને આ રકમનું વ્યાજ નિયમિત ચૂકવી દીધું હોવા છતાં, બંને વ્યાજખોરોની દાનત બગડી હતી. તેમણે વ્યાજનું વ્યાજ ચઢાવીને પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી હતી. આ વ્યાજખોરોએ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ફરિયાદીની માલિકીની લાખો રૂપિયાની કિંમતી ખેતીની જમીનનો દસ્તાવેજ પણ બળજબરીપૂર્વક પોતાના નામે કરાવી લીધો હતો.

ગુંજનને ફસાવવા ચેક રિટર્નનો કેસ કર્યો વ્યાજના આ માયાવી ચક્રવ્યૂહમાં ગુંજન ચારેય તરફથી એવો ફસાયો હતો કે તેના માટે નીકળવાનો કોઈ માર્ગ બચ્યો નહોતો. નાનડીયા ગામના જ અન્ય એક વ્યાજખોર વિરેન્દ્રભાઇ જમનાદાસ વિરોજા પાસેથી લીધેલા નાણાંનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, તેણે ગુંજનને વધુ આર્થિક નુકસાન પહોંચાડવા અને ફસાવવા માટે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ઠોકી દીધો હતો.

​વધુ પૈસા પડાવવા યુવકને માનસિક ત્રાસ આપ્યો આ ઉપરાંત, પ્રવિણ નામના અન્ય એક શખ્સે આપેલા 6 લાખ રૂપિયાનું વ્યાજ વસૂલ્યા પછી પણ, વધુ પૈસા પડાવવાના બદઇરાદાથી ગુંજનના મોબાઈલ ફોન પર વોટ્સએપ મેસેજ કરીને ગંદી ગાળો આપી અસહ્ય માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેના કારણે યુવક માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડ્યો હતો. આબરૂ જવાના ડર અને વ્યાજખોરોના સતત ત્રાસથી કંટાળી ગયેલા ગુંજને ત્રણ દિવસ પહેલાં પોતાની વાડીએ જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું.

5 લાખના બદલામાં જમીનનો દસ્તાવેજ કરાવી લીધો આત્મહત્યા કરતા પહેલાં યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યા હતા. જે આ વીડિયોમાં મૃતક યુવકે પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે, "હું દવા પીવું છું ,બાંટવાવાળા કરસનભાઈ અને ગગાએ ખાલી પાંચ લાખ રૂપિયા મને વ્યાજે આજે આપી મારી જમીનનો દસ્તાવેજ કરી લીધેલો છે. તેને મારી જમીન વેચાતી નહીં પરંતુ ખાલી પાંચ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. એમાં મારી જમીનનો દસ્તાવેજ ગઈ 21 તારીખે કરી લીધો છે.

4 વ્યાજખોર સામે મૃતકના પિતાની ફરિયાદ ​આ ઘટના બાદ મૃતકના પિતાની સત્તાવાર ફરિયાદના આધારે માણાવદર પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 108 (આત્મહત્યા માટે મજબૂર કરવી), 308(4) (ખંડણી), 296(બી), 351(3), 54 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ચકચારી કેસની આગળની કાયદેસરની તપાસ માણાવદરના પીઆઇ જે.બી. પટેલ અને ડી.કે. ઝાલા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

મુખ્ય આરોપીઓ બાંટવાનો કરશન રબારી કેશોદના એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, 25 મે 2026ના રોજ માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનડિયા ગામે એક કરુણ ઘટના બની છે. જેમાં ખેતીકામ કરતા 30 વર્ષીય યુવાન ગુંજન ઉર્ફે મેરકાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. જેમાં મુખ્ય આરોપીઓ બાંટવાના કરસન રબારી અને ગગાભાઈ ઉર્ફે રાજુ રબારી છે, જેમણે 5 લાખ રૂપિયાના વ્યાજ સામે યુવાનની લાખોની જમીનનો દસ્તાવેજ બળજબરીપૂર્વક કરાવી લીધો હતો.

મૃતકના વીડિયોની ટેકનિકલ તપાસ ચાલુ:SP આ ઉપરાંત અન્ય આરોપી વિરેન્દ્ર વિરોજાએ 20 ટકાના ઊંચા વ્યાજદરે નાણાં આપી અને પ્રવીણભાઈ નામના શખસે 6 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અસહ્ય માનસિક ત્રાસ આપ્યો હતો.મૃતક યુવાનનો વીડિયો પણ મળ્યો છે જેની ટેકનિકલ તપાસ ચાલુ છે.

Image Gallery