Loading...

હાઇકોર્ટના સ્ટેથી હજીરા-મુંબઈ પોર્ટ પર સુરતનું 250 કરોડનું યાર્ન અટવાયું:સ્થાનિક વેપારીઓએ ભાવ 15-20 વધારતા હાલત કફોડી, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ કહ્યું-હજારોની રોજગારી છીનવાશે

સુરતના પ્રખ્યાત અને એશિયાના સૌથી મોટા ટેક્સટાઇલ હબ ગણાતા ઉદ્યોગ પર ફરી એકવાર કાયદાકીય અને વ્યાપારી મુશ્કેલીના કાળા વાદળો ઘેરાયા છે. સુરતના અગ્રણી યાર્ન વેપારીઓએ તેમની રોજિંદી જરૂરિયાતો અને કપડાંના ઉત્પાદન માટે વિદેશથી મંગાવેલું ઉચ્ચ ગુણવત્તાવાળું સ્પેશિયાલિટી યાર્ન અત્યારે મુંબઈના ન્હાવા શેવા પોર્ટ અને સુરતના હજીરા પોર્ટ પર સંપૂર્ણપણે ફ્રીઝ થઈ ગયું છે. કસ્ટમ્સ સત્તાવાળાઓ દ્વારા આ કન્ટેનરોને પોર્ટ પરથી મુક્ત કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ અને આયાતકારો ભારે આર્થિક સંકટમાં આવી પડ્યા છે.

તો બીજી બાજુ 10 દિવસમાં જ સ્થાનિક ઉત્પાદકોએ યાર્ન ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો કરી દીધો છે. જેને પગલે ટેક્સટાઇલ વેપારીઓની હાલત કફોડી બની છે.

1000 કન્ટેનર અને 250 કરોડનો માલ પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યારે બંને પોર્ટ પર થઈને અંદાજે 1000 કન્ટેનર જેટલો જંગી જથ્થો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અટકાવી દેવામાં આવ્યો છે. આ આખા મામલામાં ન્હાવા શેવા પોર્ટ પર 500 કન્ટેનર અને હજીરા પોર્ટ પર 500 કન્ટેનર ફસાયેલા છે. આ કન્ટેનરોની અંદર રહેલા હાઇ ક્વોલિટી યાર્નની કુલ બજાર કિંમત આશરે 250 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આટલી મોટી રકમનો માલ લાંબા સમયથી પોર્ટ પર બિનવારસી હાલતમાં પડ્યો હોવાથી વેપારીઓની મૂડી સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે અને સમગ્ર માર્કેટમાં લિક્વિડિટીની ભારે તંગી સર્જાઈ છે. આ હાઈ ક્વોલિટી યાર્ન વેપારીઓ ચાઇના, વિયતનામ, ઈન્ડોનેશિયા સહિતના દેશોથી માંગવામાં આવે છે.

11 નવેમ્બરે કેન્દ્ર સરકારે આયાત મંજૂરી આપી હતી આ સમગ્ર વિવાદના મૂળમાં કેન્દ્ર સરકાર દ્વારા ગત 11 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલું એક સત્તાવાર નોટિફિકેશન છે. આ નોટિફિકેશન અંતર્ગત કેન્દ્ર સરકારે સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા માટે સુરતના વેપારીઓને વિદેશથી ઉચ્ચ ગુણવત્તાવાળું સ્પેશિયાલિટી યાર્ન મંગાવવાની કાયદેસરની મંજૂરી આપી હતી. સરકારના આ પ્રોત્સાહક પગલાંને આવકારીને સુરતના અસંખ્ય વેપારીઓએ પોતાની જરૂરિયાત મુજબના યાર્નના ઓર્ડર વૈશ્વિક સપ્લાયર્સને આપવાનું શરૂ કરી દીધું હતું.

5 મોટા સ્પિનર્સે અરજી કરતા હાઇકોર્ટે સ્ટે મૂક્યો સરકારના આ નોટિફિકેશનથી દેશની 5 મોટી સ્પિનર્સ કંપનીઓ નારાજ થઈ હતી. આ પાંચેય સ્પીનિંગ મિલોએ પોતાના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે સરકારના આ આદેશ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી.

યાર્ન વેપારીઓનો આક્ષેપ છે કે આ સ્પિનર્સે પોતાની મનમાની ચલાવીને અને કોર્ટ સમક્ષ વિવર્સ કે ઇમ્પોર્ટર્સનો કોઈ પક્ષ રજૂ ન થાય તે રીતે એકતરફી સ્ટે ઓર્ડર મેળવી લીધો છે. હાઇકોર્ટના આ સ્ટે ઓર્ડરના પગલે જ કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક અસરથી તમામ કન્ટેનરોને પોર્ટ પર જ સીઝ અથવા ફ્રીઝ કરી દીધા છે.

સ્ટે ઓર્ડર પહેલાં અપાયેલા ઓર્ડર્સ પણ કાનૂની ગૂંચમાં ફસાયા સૌથી મોટી વિડંબના એ છે કે હાઇકોર્ટનો આ આદેશ આવ્યો તે પહેલાં જ સુરતના વેપારીઓએ મહિનાઓ અગાઉથી વિદેશી કંપનીઓને યાર્નના ઓર્ડર આપી દીધા હતા. આ ઓર્ડર્સ પેટે કરોડો રૂપિયાના એડવાન્સ પેમેન્ટ અને લેટર ઓફ ક્રેડિટ (LC) પણ બેંકો મારફતે ચૂકવી દેવામાં આવ્યા હતા. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને માલ વિદેશથી શિપ થઈ ચૂક્યો હતો અને હવે તે ભારતીય બંદરો પર આવી ગયો છે. એટલું જ નહીં, કેટલાક કન્ટેનર્સ હજુ પણ દરિયાઈ માર્ગે પોર્ટ તરફ આવી રહ્યા છે, જેને રોકવા હવે વેપારીઓ માટે અશક્ય છે.

પોર્ટ પર માલ અટવાઈ જવાથી આયાતકારો અને વિવર્સ પર બેવડો આર્થિક માર પડી રહ્યો છે. આ વિલંબના કારણે વેપારીઓએ શિપિંગ લાઇન અને પોર્ટ ઓથોરિટીને રોજિંદા ધોરણે લાખો રૂપિયાનું ડેમરેજ (વિલંબ શુલ્ક) અને ડિટેન્શન ચાર્જીસ ચૂકવવું પડી રહ્યા છે, જે ઉદ્યોગને બરબાદી તરફ ધકેલી રહ્યું છે.

સુરતના 15 થી વધુ અગ્રણી વેપારીઓની ચેમ્બરને રજૂઆત સ્થિતિ વધુ વણસતા આજે સુરતના યાર્ન ઉદ્યોગના 15 થી વધુ અગ્રણી વેપારીઓનું એક પ્રતિનિધિમંડળ એકત્રિત થઈને 'ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' (SGCCI) ની કચેરીએ પહોંચ્યું હતું.

આ વેપારીઓએ ચેમ્બરના હોદ્દેદારો સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરીને આક્રોશ ઠાલવ્યો હતો કે જો આ 1000 કન્ટેનર વહેલી તકે મુક્ત કરવામાં નહીં આવે, તો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આગામી દિવસોમાં સંપૂર્ણપણે ઠપ થઈ જશે અને હજારો મજૂરો બેરોજગાર થઈ જશે.

યાર્ન વેપારીઓની આ ગંભીર અને ન્યાયિક લડતને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલાએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, અમે રજૂઆત કરીશું કે જે સ્ટે ઓર્ડર પહેલાના છે તેને માનવીય અભિગમ અપનાવીને તુરંત છોડવામાં આવે.