Loading...

જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે, ચોમાસું શ્રીલંકામાં અટક્યું:કેરળ પહોંચવામાં 7 દિવસ લાગશે; આ વખતે સામાન્યથી પણ 10% ઓછો વરસાદ આવે એવી શક્યતા

દેશમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક મહિના પહેલાં લગાવેલા અનુમાનમાં ફેરફાર કર્યો છે. IMD અનુસાર 2026માં ચોમાસાની સિઝનમાં દેશમાં સરેરાશ વરસાદ ઘટીને 78 સેન્ટિમીટર રહી શકે છે. 13 એપ્રિલે હવામાન વિભાગે 80 સેન્ટિમીટર વરસાદનું અનુમાન લગાવ્યું હતું.

1971-2020ના આંકડાઓના આધારે દેશમાં સરેરાશ વરસાદ 87 સેન્ટિમીટર માનવામાં આવે છે. આ વર્ષે દેશમાં કુલ વરસાદ લોંગ પિરિયડ એવરેજ (LPA) ના લગભગ 90% રહેવાનું અનુમાન છે. આ 2018 પછી સૌથી ઓછો છે. 2018માં સામાન્યની સરખામણીમાં 91% વરસાદ થયો હતો. 100% LPA ને સામાન્ય વરસાદ માનવામાં આવે છે.

IMD અનુસાર જૂન-જુલાઈમાં પણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં હીટવેવ ચાલવાની સંભાવના છે. સામાન્ય રીતે તે સમયે તાપમાન 30-35 ડિગ્રી સુધી રહે છે. આ વખતે 3 ડિગ્રી વધુ તાપમાન રહેશે.

જૂનમાં એમપી, યુપી, બિહારમાં ઓછો વરસાદ

 

હવામાન વિભાગે જણાવ્યું કે જૂનમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થશે. જ્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.

જ્યાં ખેતી પાણી પર નિર્ભર છે, ત્યાં ઓછો વરસાદ થશે

હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે ચોમાસાના કોર ઝોનમાં ઓછો વરસાદ પડશે. ચોમાસાનો કોર ઝોન ભારતનો એવો વિસ્તાર છે જ્યાં ખેતી સૌથી વધુ ચોમાસાના વરસાદ પર નિર્ભર કરે છે. એટલે કે, જો વરસાદ સારો થાય કે ખરાબ થાય તો તેની સીધી અસર પાક, ખેડૂતો અને ખાદ્ય ઉત્પાદન પર પડે છે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રનો વિદર્ભ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.

ચોમાસું 5 દિવસથી અટક્યું, 7 જૂન સુધીમાં આવી શકે છે

કેરળમાં ચોમાસાના આગમન અંગે હવામાન વિભાગની આગાહી ખોટી સાબિત થઈ છે. ચોમાસું કેરળના દરિયાકિનારેથી 30-35 કિમી દૂર 5 દિવસથી અટક્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં તેના આગળ વધવાની શક્યતા નથી.

હવામાન વિભાગે 15 મેના રોજ જણાવ્યું હતું કે કેરળમાં સામાન્ય તારીખ (1 જૂન) કરતાં 5 દિવસ વહેલો, 26 મેના રોજ ચોમાસું દસ્તક દેશે. જોકે હવે IMDના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. એમ. મોહાપાત્રાએ જણાવ્યું કે ચોમાસું આગામી 7 દિવસમાં કેરળ આવી શકે છે.

ગયા વર્ષે 8 દિવસ વહેલું આવ્યું હતું ચોમાસું

ગયા વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલો એટલે કે 24 મેના રોજ જ કેરળ પહોંચી ગયું હતું. ચોમાસું કેરળથી આગળ વધતા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સામાન્ય રીતે જૂનના મધ્ય સુધીમાં પહોંચે છે. 11 જૂન સુધીમાં મુંબઈ અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે.

તેની વાપસી ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે અને તે સંપૂર્ણપણે 15 ઓક્ટોબર સુધીમાં પાછો ફરે છે. અલ નીનો ઇફેક્ટને કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. જોકે, સિઝનના અંતમાં થોડી રાહત મળી શકે છે.

IMDના આંકડા મુજબ છેલ્લા 150 વર્ષમાં ચોમાસાના કેરળ પહોંચવાની તારીખો અલગ-અલગ રહી છે. 1918માં ચોમાસું સૌથી પહેલા 11 મેના રોજ કેરળ પહોંચી ગયું હતું, જ્યારે 1972માં સૌથી મોડું 18 જૂનના રોજ કેરળ પહોંચ્યું હતું.

સામાન્ય માણસ માટે 9 મોટી વાતો…

  • દેશમાં કુલ વરસાદનો લગભગ 75% હિસ્સો ચોમાસા દરમિયાન થાય છે, જે સિંચાઈ, પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે અત્યંત જરૂરી છે.
  • લગભગ 64% વસ્તી કૃષિ પર નિર્ભર છે. માત્ર 55% ખેતીલાયક જમીન જ સિંચાઈથી આવરી લેવાયેલી છે.
  • ઓછા વરસાદની અસર ખરીફ સિઝનની વાવણી, પાક ઉત્પાદન અને કુલ કૃષિ પ્રવૃત્તિઓ પર પડશે, જેનાથી ખેડૂતોનો ખર્ચ અને જોખમ બંને વધી શકે છે.
  • વરસાદ ઓછો થવાથી ઉત્પાદન ઘટી શકે છે, જેની અસર સપ્લાય પર પડશે અને તેનાથી શાકભાજી, કઠોળ સહિત ખાદ્યપદાર્થોની કિંમતો વધી શકે છે.
  • ખેતી નબળી રહેતા ગામડાઓમાં આવક ઓછી થઈ શકે છે, જેનાથી ગ્રામીણ બજારમાં ખર્ચ અને માંગ બંને પ્રભાવિત થશે.
  • ગ્રામીણ માગમાં ઘટાડો થતાં ટ્રેક્ટર અને ટુ-વ્હીલર જેવા વાહનોના વેચાણ પર પણ અસર થવાની સંભાવના છે.
  • જો વરસાદ ઓછો રહે તો ડેમ અને જળાશયોનું જળસ્તર સામાન્ય કરતાં નીચે રહી શકે છે, જેનાથી આગળ જતાં પાણીની ઉપલબ્ધતા પ્રભાવિત થઈ શકે છે.
  • ઓછા વરસાદ અને વધુ ગરમીની સ્થિતિમાં વીજળીનો વપરાશ વધશે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં તાપમાન વધુ રહે છે.
  • IMD ચોમાસાને લઈને મેના છેલ્લા સપ્તાહમાં બીજી અને વધુ વિસ્તૃત આગાહી જાહેર કરશે, જેનાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.