તથ્ય પટેલને 1 કરોડ ટ્રાયલ કોર્ટમાં ભરવા પડશે:સુપ્રીમ કોર્ટે બોનાફાઈડ બતાવવા રકમ જમા કરાવવા કહ્યું, સરકારી વકીલે મૃતક દીઠ 10 લાખ જમા કરાવા કહ્યું હતું
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોણા ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે. આ સંદર્ભનો લેખિત હુકમ કરતા પહેલા સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને બોનાફાઈડ બતાવવા માટે અમુક રકમ ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવા કહ્યું હતું. જેના જવાબમાં તથ્ય પટેલના વકીલે ગુજરાત સરકાર વતી રજૂઆત કરતા સરકારી વકીલને અભિપ્રાય આપવા કોર્ટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો.
ગુજરાત સરકારના વકીલે પ્રતિ મૃતક વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયાની રકમ જણાવી હતી. જેમાં તુરંત જ તથ્યના વકીલ સહમત થયા હતા. આખરે સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને ટ્રાયલ કોર્ટ સમક્ષ 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવા નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ એક લમ્પસમ રકમ છે.
તથ્ય પટેલ સામે અકસ્માતની ઘટનાના માત્ર 7 દિવસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તેની સામે વર્તમાનમાં ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઘટનાના આંખો દેખ્યા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ છે. કુલ 191 જેટલા સાહેદ આ કેસમાં છે.
તથ્ય આજીવન વાહન ચલાવી શકશે નહીં અમદાવાદના સાબરમતી RTO દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. લાયસન્સ કાયમી ધોરણે રદ થવાને કારણે તે હવે ભારતમાં સત્તાવાર રીતે ક્યારેય પણ કોઈ વાહન ચલાવી શકશે નહીં.
1684 પાનાની ચાર્જશીટ તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPCની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે.
કુલ 14 દસ્તાવેજી પુરાવા,191 સાક્ષી 2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે. સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 08 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા છે. FSLના 15 રિપોર્ટ રજૂ કરાયા હતા.
શું છે સમગ્ર ઘટના? 19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. ત્યાર બાદ તથ્ય પટેલને સાબરમતી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.